Thu Mar 12 2026

Logo

પ્રોડ્યુસર બનવા જતા પાયમાલી થઈ

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી

‘અલબેલા’ પછી ભગવાન દાદાને સરિયામ નિષ્ફળતા મળી સુનીલ શેટ્ટીએ ફિલ્મ નિર્માણમાં જૂજ સફળતા જોઈ
રાજપાલ યાદવ કેવો અફલાતૂન એક્ટર અને તેણે કેવી સફળતા મેળવી આ ફિલ્મના રસિયાઓ સારી પેઠે જાણે છે. જોકે, એક્ટિંગમાં અવ્વ્લ હોવું અને ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પણ ફતેહ મેળવવી એ બે અલગ બાબત છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શાહરુખ ખાન, આમિર ખાન, અજય દેવગન જેવા ઉદાહરણ છે જેમણે અભિનેતા તરીકે ધૂંઆધાર સફળતા મેળવવા ઉપરાંત ફિલ્મ નિર્માણમાં પણ ઝંડો લહેરાવ્યો છે. અલબત્ત, બધા માટે એ શક્ય નથી હોતું. કલાકાર તરીકે ઝળહળતી સફળતા મેળવી હોવા છતાં નિર્માતા તરીકે ફ્લોપ થયેલા હિન્દી ફિલ્મ જગતના અમુક ઉદાહરણ જાણીએ.

ભગવાન દાદા અને અમિતાભ બચ્ચન… હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બે યાદગાર હસ્તી. ભગવાન દાદાનું નામ પડે અને ‘અલબેલા’ ફિલ્મનું સ્મરણ તરત થાય. સાથે સાથે સી. રામચંદ્રની ધૂનમાં તૈયાર થયેલા ગીત ‘ભોલી સૂરત દિલ કે ખોટે, નામ બડે ઔર દર્શન છોટે’ તેમ જ ‘શોલા જો ભડકે દિલ મેરા ધડકે’ અને ‘શામ ઢલે ખિડકી તલે તુમ સીટી બજાના છોડ દો’ ગણગણવાનું મન થઈ આવે. અને હા, એ સમયે લોકોને ગજબનાક ઘેલું લગાડનારી ભગવાન દાદાની ડાન્સિંગ સ્ટાઈલ આંખો સામે તરવરી ઊઠે. અમિતાભ બચ્ચન, વિશેષ તો ‘ઝંઝીર’ પછીના 1970-80ના દાયકાના બિગ બી યાદ આવતા એમની યાદગાર ફિલ્મો અને તેમણે અપનાવેલી ભગવાન દાદાની નૃત્યશૈલીના ગીતો પણ યાદ આવી જાય.

પોતે ભગવાન દાદાની ડાન્સિંગ સ્ટાઈલથી પ્રભાવિત થયા હતા અને એનું અનુકરણ કર્યું હતું એવી જાહેરમાં કબૂલાત મિસ્ટર બચ્ચને કરી છે. જોકે, આ બંને કલાકાર વચ્ચે ડાન્સ ઉપરાંત બીજું એક સામ્ય એ છે કે પોતાના સમયકાળના અત્યંત સફળ કલાકાર હોવા સાથે અત્યંત નિષ્ફળ નિર્માતા પણ હતા.

1951માં ભગવાન દાદાએ ‘અલબેલા’ ફિલ્મનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. એ વર્ષની ટોપ ટેન સફળ ફિલ્મોમાં ‘અલબેલા’ ત્રીજા નંબરે હતી. આર્થિક જાહોજલાલીને પગલે જુહુના દરિયા કિનારે આલીશાન બંગલો અને અઠવાડિયાના દરેક દિવસની એક ગાડીના હિસાબે સાત કારના વૈભવમાં દાદા આળોટવા લાગ્યા. જોકે, ચડતી પછી પડતી આવે એ ન્યાયે ‘અલબેલા’ પછી તેમણે પ્રોડ્યુસ કરેલી મોટાભાગની ફિલ્મો ઊંધા માથે પટકાઈ. એમાં ‘સેહમે હુએ સપને’ તો પહેલા શો પછી જ ઉતારી લેવામાં આવી હોવાની નોંધ છે.

કિશોર કુમાર સાથે ‘હંસતે રેહના’નું સાહસ કર્યું. પોતાની બધી મૂડી અને પત્નીના ઘરેણાં વેચી ફિલ્મ બનાવી, પણ એ પ્રોજેક્ટ પૂરો થયા પહેલા જ અભેરાઈ પર ચડી ગયો. આલીશાન બંગલો અને સાત મોટરકાર વેચી મારી ભગવાનદાદાએ બે રૂમના નાનકડા ઘરમાં રહેવા જવું પડ્યું હતું. મશરૂની તળાઇમાં આલોટનારના અંતિમ દિવસો જમીન પર પાથરેલી સાદડીમાં પસાર થયા હતા.

અમિતાભ બચ્ચન. 1970-80ના દાયકાનો હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો સૌથી તેજસ્વી સિતારો. 1984માં રાજકારણમાં પ્રવેશ અને હતાશ થઈ 1987માં ફરી ફિલ્મ દુનિયામાં પધાર્યા. જોકે, 1989માં રિલીઝ થયેલી ફિલ્મો નિષ્ફ્ળ રહી અને ‘ખુદા ગવાહ’ (1992) પછી બિગ બીનું નામ ઝાંખું પડવા લાગ્યું હતું. 1996માં ફિલ્મ નિર્માણ સંબંધિત અમિતાભ બચ્ચન ફિલ્મ કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ)ની સ્થાપના કરી.

જોકે, એજ વર્ષે બેંગ્લોરમાં આયોજિત ‘મિસ વર્લ્ડ બ્યુટી કોન્ટેસ્ટ’માં ભયંકર પછડાટ ખાધી અને આર્થિક પાયમાલીના દિવસો આવ્યા. અલબત્ત, યશ ચોપડા પાસે ‘મને કામ આપો’ની રજૂઆત સાથે મેળવેલી ‘મોહબ્બતેં’ અને કેબીસીએ નવી ઈનિંગ્સની ધમાકેદાર શરૂઆત કરી જે આજ દિન સુધી કાર્યરત છે.

ભારત ભૂષણ. 1950ના દાયકામાં ફિલ્મ નિર્માતાના લાડકા કલાકાર. એમના ભાઈ સાથે ભારત ભૂષણે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. એવી ભારે આર્થિક લપડાક લાગી કે ધોમ ધોમ સાહ્યબીમાં રાચતા એક્ટરે બાંદ્રાનો ‘આશીર્વાદ’ બંગલો સહિત ઘણી પ્રોપર્ટી વેચી નાખવી પડી. એટલું જ નહીં બે છેડા ભેગા કરવા હિન્દી ફિલ્મોમાં નગણ્ય ભૂમિકાઓ સ્વીકારવી પડી. બંગલાના બોસને અંતિમ દિવસોમાં એક નાનકડા ફ્લેટમાં રહેવાનો વારો આવ્યો હતો.

સુનીલ શેટ્ટી. હોટેલમાં વેઈટરની નોકરી કરી હોટેલ માલિક બનેલા મિસ્ટર શેટ્ટીની ફિલ્મ કારકિર્દીનો પ્રારંભ થયો 1992ની ‘બલવાન’ ફિલ્મથી. વીસમી સદીના છેલ્લા દાયકામાં એક્શન ફિલ્મોની બોલબાલા હતી અને સુનીલ શેટ્ટી એ ફોર્મ્યુલામાં ફિટ બેસી હિટ થઈ ગયો. જોકે, એને પણ ફિલ્મ નિર્માણનો ચસ્કો લાગ્યો અને ‘પોપકોર્ન મોશન પિક્ચર્સ લિમિટેડ’ની સ્થાપના કરી. ‘ભાગમભાગ’ જેવી એકલદોકલ સફળતાને બાદ કરતા ફિલ્મ મેકિંગ સુનીલ શેટ્ટીને માફક ન આવ્યું અને આજની તારીખમાં કંપનીને તાળું નથી માર્યું પણ ફિલ્મ મેકિંગમાં બ્રેક છે. સદનસીબે બિઝનેસ માઈન્ડ હોવાથી સુનીલ શેટ્ટીએ ભારત ભૂષણ જેવા દિવસો જોવાનો વારો ન આવ્યો.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી બનવાનું સપનું સાકાર કરવા નેપાળથી મુંબઇ આવેલી મનીષા કોઈરાલાને પહેલો બ્રેક સદનસીબે સુભાષ ઘઈ જેવા માતબર મેકર ‘સૌદાગર’ ફિલ્મમાં મળ્યો. મનીષા કુશળ અભિનેત્રી સાબિત થઈ અને વિવિધ ફિલ્મમેકરો અને અલગ અલગ પાત્ર ભજવવાની તક મળી. મણિ રત્નમની ‘દિલ સે’થી એ ટોચની અભિનેત્રી બની ગઈ.

જોકે, ‘લજ્જા’ અને ‘કંપની’ પછી આવેલી ‘એક છોટી સી લવ સ્ટોરી’ના વિવાદ પછી મનીષાની કારકિર્દીને જાણે કે ગ્રહણ લાગ્યું. એટલે ફિલ્મ નિર્માણનો નિર્ણય લઈ ‘પૈસા વસૂલ’ ફિલ્મ બનાવી, પણ ફિલ્મ ફ્લોપ થઈ અને ખાસ્સી આર્થિક નુક્સાની થઈ. ફિલ્મ નિર્માણનો આ પ્રથમ અને અંતિમ પ્રયાસ સાબિત થયો. કંપનીનું લોકડાઉન થઈ ગયું.

અમિષા પટેલ… રિતીક રોશનને સુપરસ્ટાર બનાવનારી ‘કહો ના.. પ્યાર હૈ’ની હિરોઈન તરીકે પ્રારંભિક ઓળખ મેળવનારી અભિનેત્રી ‘ગદર એક પ્રેમકથા’થી ખૂબ લોકપ્રિય બની ગઈ. પ્રારંભિક સફળતાનું વિશેષ પુનરાવર્તન નહીં થવાથી 2011માં અમિષાએ પણ ફિલ્મ નિર્માણની વાટ પકડી. જોકે, 2011માં સ્થપાયેલી અમિષા પટેલ પ્રોડક્શન્સ કંપનીએ શરૂ કરેલો એક પણ પ્રોજેક્ટ મંઝિલ સુધી પહોંચી ન શકતા કંપનીને તાળું મારવામાં જ શાણપણ છે એ અમિષા પટેલને સમજાઈ ગયું.

મિથુન ચક્રવર્તી સહિત આવા અન્ય ઉદાહરણ સુધ્ધાં છે. એક્ટર તરીકે સફળતા મેળવવી અને ફિલ્મનિર્માતા તરીકે સક્સેસ મેળવવો એ બે અલગ બાબત છે અને બંને માટે અલગ આવડતની જરૂર પડે. બધાને કંઈ શાહરુખ-આમિર કે અજય દેવગન જેવી ફિલ્મ પ્રોડક્શનમાં સફળતા ન મળે એ સાબિત થયેલું સત્ય છે.