(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પોતાની માલિકીની જગ્યાઓ ભાડા પર આપી તેમાંથી આવક ઊભી કરવા માટે મુંબઈ મહાનગરપાલિકા પોતાના અનેક પ્લોટ લીઝ પર આપવાની છે, તેમાં પાલિકાએ લોઅર પરેલમાં તેના ૨૩,૮૨૨ ચોરસ મીટર સેન્ચુરી મિલના પ્લોટને સૌથી વધુ બોલી લગાવનાર તરીકે મેસર્સ પેડર રિયલ્ટી લિમિટેડને પસંદ કરી છે, તેને લગતો પ્રસ્તાવ સુધાર સમિતિમાં મંજૂરી માટે આવ્યો છે.
પાલિકાની માલિકીના આ પ્લોટ માટે જાહેર-ખાનગી ભાગીદારી (પીપીપી) મોડેલ દ્વારા ૩૦ વર્ષના લીઝ હેઠળ ૧,૩૫૧ કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. પાલિકાને આ પ્લોટથી ખાસ્સી એવી આવક થવાની શકયતા છે. આ પ્લોટ ખાનગી કંપનીને લીઝ પર આપવાની સાથે જ આ જમીન પર સેન્ચ્યુરી મિલના ૬૫૦ ભૂતપૂર્વ મિલકામદારોનું પુનર્વિકાસ કરીને કાયમી સ્તરે ઘરો આપવામાં આવવાનું છે.
પાલિકાએ પ્રાઇમ સેન્ચુરી મિલ્સ પ્લોટ માટે ૧,૩૪૮ કરોડ રૂપિયાની અનામત કિંમત નક્કી કરી હતી, જેમાં ચાર ડેવલપર્સ આગળ આવ્યા હતા. એ બાદ ડિસેમ્બરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા ત્યારે બિડ સબમિટ કરી હતી, જેમાં પેડર રિયલ્ટી ૧,૩૫૧ કરોડ રૂપિયા સાથે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઊભરી આવી હતી, જે મૂળ કિંમતથી માત્ર ૦.૨૨ ટકા વધારે છે. છ એકરના આ પ્લોટમાં ૨૩ ઇમારતો, લાયક મિલ-કામદાર પરિવારો દ્વારા કબજામાં લેવામાં આવતા ૪૭૬ મકાનો અને ૧૦ દુકાનો છે.
ડિસેમ્બર ૨૦૦૬માં સેન્ચુરી મિલ્સ બંધ થયાના લગભગ ૨૦ વર્ષ પછી, ૪૭૬ મિલ-કામદાર પરિવારોનું આખરે કાયમી સ્તરે અહીં પુનર્વસન થવાનું છે. પ્રસ્તાવિત પુનર્વિકાસમાં મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (મ્હાડા) પ્રોજેક્ટસની જેમ એક બહુમાળી રેસિડેન્શિયલ કૉમ્પ્લેક્સ હશે, જેમાં પાત્ર પરિવારોને ફ્લેટ મળશે અને પાલિકા આવક ઉત્પન્ન કરવા માટે ઓપન માર્કેટમાં વધારાના ઘર વેચી શકશે. ડેવલપર દ્વારા અપનાવવામાં આવેલી પુનર્વિકાસ યોજનાના આધારે નવા ફ્લેટ લગભગ ૪૦૫ ચોરસ ફૂટ હોવાની શકયતા છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્લોટ મૂળ રીતે પહેલી એપ્રિલ, ૧૯૨૭થી મેસર્સ સેન્ચુરી સ્પિનિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ (હવે સેન્ચુરી ટેક્સટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ) ને ગરીબ વર્ગના કર્મચારીઓને રાખવા માટે ૨૮ વર્ષ માટે ભાડે આપવામાં આવ્યો હતો. લીઝ ડીડ ૩ ઓક્ટોબર, ૧૯૨૮ ના રોજ અમલમાં મૂકવામાં આવી હતી અને ૧૯૫૫ માં પૂરી થઈ હતી.
લીઝ પૂરી થયા પછી કંપનીએ જમીન પાછી કરવાને બદલે તેના નામે ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો. પાલિકાએ આ પગલાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જાન્યુઆરી ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે પાલિકા પ્રશાસનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને પુષ્ટિ કરી હતી કે જમીન પાલિકાની માલિકીની જ છે.