Sun Sep 06 2026

Logo

કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસ અને આપ ગણતરીની બેઠકો પર સમેટાયા

2026-04-28 18:22:25
Author: Chandrakant Kanoja
કચ્છમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો વિજય, કોંગ્રેસ અને આપ ગણતરીની બેઠકો પર સમેટાયા

ભૂજ: કચ્છમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-2026ના પરિણામો જાહેર થતા જ સર્વત્ર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાની મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને પંચાયતોમાં ભારતીય જનતા પાર્ટીએ  વિજય મેળવીને પોતાનું એકહથ્થુ શાસન જાળવી રાખ્યું છે, જ્યારે કોંગ્રેસ અને અન્ય પક્ષોને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.ગાંધીધામ મહાનગરપાલિકાની કુલ 52  બેઠકોમાંથી 40  બેઠકો પર ભાજપે વિજય પતાકા લહેરાવી છે. 

ભુજ નગરપાલિકામાં 44 બેઠકોમાંથી 22 બેઠકો ભાજપે જીતી

જ્યારે કોંગ્રેસ માત્ર 11  બેઠકો પર સમેટાઈ ગઈ છે. માંડવી નગરપાલિકામાં તો ભાજપે ઈતિહાસ રચીને વિપક્ષનું ખાતું પણ ખુલવા દીધું નથી અને તમામ 36 બેઠકો પર કબ્જો કર્યો છે. ભુજ નગરપાલિકામાં 44 બેઠકોમાંથી 22  બેઠકો ભાજપે જીતી છે, જ્યારે અહીં 3  બેઠકો અપક્ષના ફાળે ગઈ છે. અંજાર નગરપાલિકામાં 20  અને મુંદરા-બારોઈ તેમજ નખત્રાણા નગરપાલિકાઓમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે.જિલ્લા પંચાયતની 38  બેઠકોમાંથી 33  બેઠકો મેળવીને ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા છે. તાલુકા પંચાયતો માં રાપરમાં 24  બેઠકોમાંથી 21  પર ભાજપનો વિજય થયો છે. નોંધનીય છે કે અહીં ‘આમ આદમી પાર્ટીએ માત્ર 1 બેઠક જીતીને પોતાનું ખાતું ખોલાવ્યું છે.

ભચાઉ અને અંજાર બંને તાલુકા પંચાયતોમાં ભાજપે અનુક્રમે 16  અને 14  બેઠકો જીતીને વિપક્ષને પછાડ્યો છે.લખપત અને અબડાસા જેવા સરહદી વિસ્તારોમાં પણ ભાજપનો દબદબો રહ્યો છે. લખપતમાં ૯ અને અબડાસામાં ૧૧ બેઠકો સાથે ભાજપ આગળ રહ્યું છે.

ગાંધીધામ મહાનગરપાલિકામાં 11 બેઠકો મેળવી

નખત્રાણા અને મુંદરામાં પણ ભાજપે કોંગ્રેસને પાછળ છોડીને સત્તા હાંસલ કરી છે.સમગ્ર જિલ્લામાં કોંગ્રેસ માત્ર ભુજ તાલુકા પંચાયતમાં 11  બેઠકો અને ગાંધીધામ મહાનગરપાલિકામાં 11 બેઠકો મેળવી થોડો ઘણો પ્રતિકાર કરી શકી છે. મોટાભાગની બેઠકો પર કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. આમ આદમી પાર્ટીનો પ્રભાવ સમગ્ર જિલ્લામાં નહિવત રહ્યો છે, સિવાય કે રાપરમાં તેમને એક બેઠક મળી છે.

અંજાર નગરપાલિકામાં સૌથી વધુ 7 બેઠકો જીતી 

આ ચૂંટણી પરિણામોમાં નોંધપાત્ર બાબત એ રહી છે કે અનેક બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જેમાં અંજાર નગરપાલિકામાં સૌથી વધુ 7  બેઠકો અને ભુજ નગરપાલિકામાં 6  બેઠકોનો સમાવેશ થાય છે. ભાજપની આ પ્રચંડ જીતને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર વિજય સરઘસો કાઢવામાં આવી રહ્યા છે.

(ઉત્સવ વૈધ)