મુંબઈઃ મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઈકે આજે પોલીસના સાયબર ક્રાઈમ વિભાગને ઓલા, ઉબેર અને રેપિડો જેવા એગ્રીગેટર્સની અનધિકૃત બાઇક ટેક્સી એપ્સ બંધ કરવા અને આ કંપનીઓના માલિકો સામે કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.
સરનાઈકે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (સાયબર ક્રાઈમ) અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ફરજિયાત પરવાનગી વિના ઘણી અનધિકૃત બાઇક ટેક્સી સેવાઓ કાર્યરત છે.
પ્રધાને જણાવ્યું હતું કે, આ એપ્સ નાણાકીય વ્યવહારો કરતી વખતે સરકારી નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે, જેના કારણે લાઇસન્સ પ્રાપ્ત રિક્ષા અને ટેક્સી ડ્રાઇવરોની આજીવિકા પર પ્રતિકૂળ અસર પડી રહી છે. એપ-આધારિત બાઇક સલામતીના નિયમોનું પણ પાલન કરતી નથી, જે જાહેર સલામતી માટે ગંભીર ખતરો છે, સરનાઇકે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, આ સેવાઓનો ઉપયોગ કરતા મુસાફરો માટે ડ્રાઇવર વેરિફિકેશન, વીમા કવર, મહિલા સુરક્ષા અને કટોકટી પ્રતિભાવ પ્રણાલી સહિત કોઈ પર્યાપ્ત સુરક્ષા વ્યવસ્થા નથી. પ્રધાને 22 એપ્રિલના રોજ મુંબઈના બાંદ્રા લિંક રોડ વિસ્તારમાં એક અનધિકૃત બાઇક ટેક્સી સાથે થયેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કર્યો જેમાં એક મહિલાનું મોત થયું.
ઓલા, ઉબેર અને રેપિડો જેવી કંપનીઓ સાથે જોડાયેલી અનધિકૃત બાઇક ટેક્સી એપ્લિકેશનો તાત્કાલિક બંધ કરવી જોઈએ અને એપ્લિકેશન કંપનીઓ, ડ્રાઇવરો અને ઓપરેટરો સામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ અને મોટર વેહિકલ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, એમ સરનાઇકે જણાવ્યું હતું.