Sat Sep 05 2026

Logo

બિહારમાં સવારના પહોરમાં જ ભાજપ નેતાના ભાણેજનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર, ગુનેગારોમાં ફફડાટ

2026-05-03 09:01:00
Author: Devayat Khatana
બિહારમાં સવારના પહોરમાં જ ભાજપ નેતાના ભાણેજનો હત્યારો એન્કાઉન્ટરમાં ઠાર, ગુનેગારોમાં ફફડાટ

પટણા: જ્યારે કાયદો વ્યવસ્થા સામે સવાલ ઉઠે અને ક્રાઇમના બનાવોમાં ઉછાળો આવે ત્યારે આપણે બિહારનું ઉદાહરણ આપી છીએ, ત્યારે હવે બિહારમાં ગુનેગારો સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.  જેના ભાગરૂપે સીવાન જિલ્લામાં રવિવારે વહેલી સવારે એક મોટું એન્કાઉન્ટર થયું હતું. ભાજપના પૂર્વ MLC મનોજ સિંહના ભાણેજ હર્ષ સિંહની હત્યાના મુખ્ય આરોપી સોનુ યાદવને પોલીસે અથડામણમાં ઠાર માર્યો છે. સોનુ યાદવ હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના સરેયાનો રહેવાસી હતો. ગત 29 એપ્રિલે કાર અથડાવા જેવી નજીવી બાબતે થયેલા વિવાદમાં સોનુએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં હર્ષ સિંહનું મોત નીપજ્યું હતું જ્યારે તેના પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા.

મળતી વિગતો અનુસાર, આ ચકચારી હત્યાકાંડ બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી અને ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આરોપી ગોળી ચલાવતો સ્પષ્ટ દેખાતો હતો. પોલીસ આ મામલે ખૂબ જ આકરી કાર્યવાહી કરવાના  મૂડમાં જોવા મળી રહી છે. આ પહેલા પોલીસે આ જ કેસના અન્ય એક આરોપી છોટુ યાદવનું પણ 'હાફ એન્કાઉન્ટર' કર્યું હતું, જેમાં તેના પગમાં ગોળી વાગી હતી. પોલીસની આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

હત્યાના આ કેસમાં નગર પોલીસ સ્ટેશને મહત્વની સફળતા મેળવતા ઘટનામાં વપરાયેલી કાર અને તેના ચાલક સુનિલ યાદવની પણ ધરપકડ કરી લીધી હોવાની વિગતો છે. ધરપકડ કરાયેલ ડ્રાઈવર સુનિલ યાદવ હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખરસંડા ગામનો રહેવાસી છે, જેને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે દરોડા ચાલુ છે અને ટૂંક સમયમાં જ તમામ ગુનેગારો જેલના સળિયા પાછળ હશે.