નાલંદા: બિહારના નાલંદામાં ચૈત્ર માસના પવિત્ર અવસરે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંના સુપ્રસિદ્ધ શીતળા માતાના મંદિરે મંગળવારે દર્શન માટે ઉમટેલા હજારો ભક્તોની ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી ગઈ હતી. આ આકસ્મિક અફરાતફરીમાં કચડાઈ જવાથી અત્યાર સુધીમાં 8 શ્રદ્ધાળુઓના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરમાં સુરક્ષા અને વ્યવસ્થાના અભાવે ભક્તોની ભીડ જોતજોતામાં મોતના તાંડવમાં ફેરવાઈ ગઈ હતી, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારનું વિશેષ મહત્વ હોવાથી સવારથી જ શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રનું આયોજન નહિવત હોવાને કારણે પરિસ્થિતિ વણસી હતી. દર્શન કરવાની ઉતાવળમાં કેટલાક શ્રદ્ધાળુઓએ કતાર તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો, જેના કારણે એકાએક ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી. લોકો એકબીજા ઉપર પડવા લાગ્યા અને જોતજોતામાં મોટી નાસભાગ મચી ગઈ. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક ડઝનથી વધુ લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં તબીબોએ 8 લોકોને મૃત જાહેર કર્યા હતા.
આ દુર્ઘટના પાછળ વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી હોવાનું પ્રત્યક્ષદર્શીઓ જણાવી રહ્યા છે. નોંધનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ હાલમાં નાલંદાની મુલાકાતે છે અને નાલંદા યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવાના છે. એવું માનવામાં આવે છે કે સમગ્ર પોલીસ કાફલો અને વહીવટી તંત્ર રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે આટલા મોટા આસ્થાના કેન્દ્ર પર પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ન હતો. પ્રશાસનનું પૂરું ધ્યાન વીઆઈપી મૂવમેન્ટ તરફ હોવાથી સામાન્ય શ્રદ્ધાળુઓની સુરક્ષા ભગવાન ભરોસે રહી ગઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
દુર્ઘટનામાં ઘાયલ થયેલા અડધા ડઝનથી વધુ લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે, જેમાંથી કેટલાકની સ્થિતિ હજુ પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. મૃતકોની સંખ્યા વધવાની આશંકા વચ્ચે સ્થાનિકો અને પીડિત પરિવારોમાં વહીવટી તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી રહી છે. શું રાષ્ટ્રપતિના કાર્યક્રમની વ્યસ્તતા એટલી મોટી હતી કે હજારોની ભીડ ધરાવતા મંદિરની સુરક્ષા સાવ વિસારે પાડી દેવાઈ? આ પ્રશ્ન અત્યારે નાલંદાના દરેક નાગરિકના મુખે છે. હાલમાં પોલીસ મામલાને શાંત પાડવા અને દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.