પટણા: દેશની રાજનીતિમાં છેલ્લા વર્ષોમાં બુલડોઝર કાર્યવાહી ખૂબ જ ચર્ચામાં રહી છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ બન્યા બાદ ઉત્તર પ્રદેશ આ કાર્યવાહીના કારણે ચર્ચામાં આવ્યું હતું. જો કે હવે બિહારના મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ રાજ્યમાં ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી અંગે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે ગેરકાયદે દબાણને તોડી પાડવામાં આવશે.
તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાથે સરખામણી કરનારા લોકોને પણ જવાબ આપ્યો હતો. મીડિયાએ સમ્રાટ ચૌધરીને જ્યારે પૂછ્યું કે, "શું તમે બીજા યોગી આદિત્યનાથ છો?" ત્યારે CM સમ્રાટ ચૌધરી જવાબ આપ્યો કે "મારું નામ સમ્રાટ ચૌધરી છે." તેમના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે.
કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારની 12 વર્ષ પૂરા થવા નિમિત્તે પટણામાં મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમના ભાષણ બાદ મુખ્ય પ્રધાને વિવિધ પત્રકારો સાથે અનૌપચારિક વાતચીત કરી હતી. આ દરમિયા, પત્રકારોએ તેમને બિહારમાં દબાણો દૂર કરવા માટે ચાલી રહેલી બુલડોઝર કાર્યવાહી વિશે પ્રશ્ન કર્યો હતો,જેના જવાબમાં તેમણે જવાબ આપતા કહ્યું હતું કે, "મારું નામ સમ્રાટ ચૌધરી છે. રાજ્યમાં જ્યાં પણ દબાણ થશે, પછી ભલે તે ઉદ્યોગપતિ દ્વારા હોય કે કોઈ અગ્રણી વ્યક્તિ દ્વારા, તેને તોડી પાડવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે બિહારમાં લગભગ બે દાયકા સુધી સત્તા સંભાળ્યા બાદ 14 એપ્રિલે મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. બીજા દિવસે સમ્રાટ ચૌધરીએ બિહારમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રથમ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. સમ્રાટના શપથ ગ્રહણના દિવસે પટણાના લોકભવનની બહાર "બુલડોઝર બાબા ઝિંદાબાદ" ના નારા લાગ્યા હતા.
આ પહેલા સમ્રાટે નીતીશ કુમાર સરકારમાં લગભગ પાંચ મહિના ગૃહ પ્રધાન તરીકે સેવા આપી હતી. પોલીસ અને કાયદો અને વ્યવસ્થાનો હવાલો સંભાળ્યા પછી સમ્રાટ ચૌધરીએ રાજ્યભરમાં દબાણો સામે જોરશોરથી ઝુંબેશ શરૂ કરી હતી. હવે સમ્રાટ પોતે મુખ્ય પ્રધાનની ખુરશીએ બેઠા છે અને તેમણે જ ગૃહ વિભાગ જાળવી રાખ્યો છે. હાલ બિહારમાં બુલડોઝર કામગીરી ચાલુ છે. સરકારની આ કામગીરીમાં વિપક્ષે બિહાર પર યોગી મોડેલ લાગુ કરવાનો આરોપ લગાવ્યો છે.