FDI નિયમોમાં છૂટછાટ સાથે જલ જીવન મિશન અને જેવર એરપોર્ટ માટે કરોડોના ફંડને મળી મંજૂરી
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચીન તરફથી થનારા રોકાણમાં છૂટછાટ આપવામાં આવી છે. IBC (Insolvency and Bankruptcy Code) કોડમાં ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. FDIની શરતમાં છૂટછાટ માટે નોટ-3 અંર્તગત જરૂરી સુધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. કેબિનેટમાં જલ જીવન મિશન 2028 સુધી લીલી ઝંડી આપવામાં આવી છે.
ધોલેરા એરપોર્ટને મળી મંજૂરી
ગુજરાતમાં તૈયાર થનારા ધોલેરા સિટીના એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. જમીન નક્કી થયા બાદ ત્યાં એરપોર્ટ અને રન-વેનું કામ શરૂ થશે, જેનો સીધો ફાયદો અમદાવાદ શહેર અને અમદાવાદ એરપોર્ટને થશે. સમયાંતરે જે તે ફ્લાઈટને ધોલેરા ડાઈવર્ટ કરી શકાશે.
બીજી તરફ દિલ્હીના જેવર એરપોર્ટનું સંશોધિત બજેટ માટે ₹3630 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. એવિએશન સેક્ટરમાં આ નિર્ણયને મોટા નિર્ણય તરીકે જોવામાં આવે છે. દિલ્હીમાં ઈન્દિરા ગાંધી એરપોર્ટ બાદ જેવર એરપોર્ટ સૌથી મોટું એરપોર્ટ છે.
ક્યા ત્રણ ફેરફાર પર સહમતી?
ભારતે ચીન અને ભારત સાથે સીમા સાથે જોડાયેલા અન્ય દેશ માટે FDIના નિયમોમાં કેટલીક છૂટ આપી છે, આનાથી ફાયદો એ થશે કે, ભારતમાં રોકાણ ક્રમશઃ વધશે. આ માટે પ્રેસનોટ 3માં જરૂરી ફેરફાર કરાયા હતા. આ પ્રેસનોટ અંતર્ગત ભારતીય સીમા સાથે જોડાયેલા દેશની શેર ધરાવતી વિદેશી કંપનીઓને ભારતના કોઈ પણ સેક્ટરમાં રોકાણ કરવા ભારત સરકારની મંજૂરી લેવી જરૂરી છે.
ચીન, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, મ્યાંનમાર અને અફઘાનિસ્તાન ભારતીય બોર્ડર સાથે જોડાયેલા દેશ છે. એપ્રિલ 2000થી ડિસેમ્બર 2025 સુધી ભારતમાં કુલ FDIના ઈક્વિટીમાં ચીનની રોકાણલક્ષી ટકાવારી માત્ર 0.32 ટકા રહી છે, જે યાદીમાં 23માં ક્રમે છે.
ચીનને લઈ મોટો નિર્ણય કર્યો
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને લઈને મોદી કેબિનેટે ચીનને લઈ મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી ભારતમાં ચીનના રોકાણનો રસ્તો સરળ થઈ ચૂક્યો છે. ગલવાન ઘાટીમાં સંક્ટભરી સ્થિતિ બાદ બન્ને દેશ વચ્ચે ખટરાગ ઊભો થયો હતો. સરકારે ચીનના રોકાણકારો પર કેટલીક શરત લાગુ કરી દીધી હતી.
વ્યાપારની વાત કરવામાં આવે તો આજે બન્ને દેશ વચ્ચે વ્યાપાર રેકોર્ડ 130 અબજ ડૉલર છે. સંબંધોમાં મિઠાશ ઉમેરવા માટે વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે વર્ષ 2024 બાદ મુલાકાત થઈ હતી.આ મુલાકાતના થોડા સમય પહેલા જ બન્ને દેશની સેના LACથી પાછળ ખસી ગઈ હતી.