Sun Sep 13 2026

Logo

ભુજમાં આધારકાર્ડ બનાવવાના બહાને NRI વૃદ્ધા સાથે ઠગાઈ: મકાનનું પાવરનામું બનાવી બારોબાર વેચી માર્યું

2026-08-14 11:35:00
Author: Mumbai Samachar Team
ભુજમાં આધારકાર્ડ બનાવવાના બહાને NRI વૃદ્ધા સાથે ઠગાઈ: મકાનનું પાવરનામું બનાવી બારોબાર વેચી માર્યું

Ai Image


ભુજઃ મૂળ ભુજના અને હાલ લંડન રહેતા ૮૧ વર્ષીય એનઆરઆઈ વૃદ્ધાને આધારકાર્ડ બનાવી આપવાના બહાને અને ગુજરાતી ભાષા ઓછી જાણવાનો ગેરલાભ ઉઠાવી, મકાનનું પાવરનામું બનાવી બારોબાર વેચી મારી છેતરપિંડી આચર્યાની ફરિયાદ ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાતા ચકચાર પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ભુજના ભાવેશ્વરનગરના વતની અને હાલ લંડન રહેતા ૮૧ વર્ષીય લલિતાબેન બાબુલાલ પરમારે ભુજમાં વકીલાત કરતા પુપુલ સંગાર, ધર્મેશ સંગાર, શિવજી બુધિયા સંગાર, ચંપાબેન સંગાર તેમજ ખરીદનાર અંજના રોબીન સંગાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૨માં લલિતાબેન ભુજ આવ્યા ત્યારે શિવજી સંગાર અને તેમના પુત્રોએ આધારકાર્ડ બનાવવાની વાત કરી, ભુજના આશાપુરા પાર્ક સ્થિત મકાનના દસ્તાવેજ તથા પાસપોર્ટ મેળવ્યા હતા. વૃદ્ધાને રજિસ્ટ્રાર કચેરીએ લઈ જઈ ગુજરાતી ભાષાના અજ્ઞાનનો લાભ લઈ આધારકાર્ડના નામે દસ્તાવેજો પર સહીઓ કરાવી લીધી હતી. બાદમાં આધારકાર્ડ ન બનવાનું કહી ફરિયાદીને લંડન મોકલી દીધા હતા.

તાજેતરમાં મકાનની ખરીનકલ મેળવવા જતાં માલૂમ પડ્યું હતું કે ફરિયાદીની અજાણતામાં ચંપાબેન સંગારના નામે પાવરનામું બનાવી મકાન અંજનાબેનને વેચી દેવાયું છે. હાલ આ સમગ્ર મામલે ભુજ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)