ભુજ: દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે ભુજના માધાપર ગામનો એક યુવક સાયબર ઠગબાજોની જાળમાં ફસાયો હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, વોટ્સએપ પર આવેલી એક શંકાસ્પદ APK ફાઈલ ડાઉનલોડ કરવી યુવકને ભારે પડી ગઈ છે. આ APK ફાઈલ દ્વારા ઠગબાજોએ મોબાઈલ ફોનને હેક કરી, ગણતરીની મિનિટોમાં બેંક ખાતામાંથી કુલ રૂપિયા 99,990ની રકમ ટ્રાન્સફર કરી લીધી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
APK ફાઈલ ખોલતા જ ફરિયાદીનું બેંક ખાત સાફ
માધાપરના જૂનાવાસ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ નગરમાં રહેતા ગિરીશભાઈ દેવજીભાઈ સોનેજીએ આ અંગે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તારીખ 18 માર્ચના રોજ તેમના વોટ્સએપ પર એક અજાણી 'APK' ફાઈલ આવી હતી. આ ફાઈલ પર યુનિયન બેન્કનો લોગો હોવાથી તેમને વિશ્વાસ બેઠો હતો કે આ બેંક તરફથી કોઈ સત્તાવાર ફાઈલ હશે. જેવી આ ફાઈલ ડાઉનલોડ કરી, તે ઓપન થઈ ન હતી. જોકે, ફાઈલ ડાઉનલોડ થતાની સાથે જ ઠગબાજોએ તેમના મોબાઈલ ફોનને હેક કરીને એક્સેસ મેળવી લીધો હોય તેમ લાગતું હતું.
આ છેતરપિંડી મામલે માધાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
મોબાઈલ હેક થયા બાદ એક-એક મિનિટના ટૂંકા ગાળામાં તેમના યુનિયન બેંકના ખાતામાંથી કુલ છ ટ્રાન્જેક્શન થયા હતા. આ રીતે ઠગબાજોએ કુલ રૂપિયા 99,990 ઉપાડી લઈ છેતરપિંડી આચરી હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ગિરીશભાઈએ તુરંત માધાપર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સોશિયલ મીડિયા કે વોટ્સએપ પર કોઈ અજાણ્યા નંબર પરથી આવતી લિંક કે APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ કરવી જોઈએ નહીં. બેંક ક્યારેય આવી રીતે ફાઈલો મોકલતી નથી. આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત 1930 હેલ્પલાઈન નંબર પર સાયબર ક્રાઈમની જાણ કરવા માધાપર પોલીસે નાગરિકોને અપીલ કરી છે.
(ઉત્સવ વૈદ્ય)