દિવસ પાંચમો - 6-4-2026
‘મુંબઈ સમાચાર’ આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ના પાંચમા દિવસે ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ ભાગવત કથાનું મહત્ત્વ અને માહાત્મ્ય સમજાવ્યું. સૌપ્રથમ આદિનાથ ભગવાને બ્રહ્માને કથા સંભળાવી હતી એનો ઉલ્લેખ કરી ભાગવત કથાને ગંગા સાથે સરખાવી જણાવ્યું કે ‘ગંગા નદી હોય કે કથા ગંગા હોય, બંનેના મૂળમાં સત્ત્વ હોવું જોઈએ. ગંગા નદી ભગવાન આદિનાથના ચરણ કમળમાંથી પ્રગટ થઈ અને ભાગીરથી ગંગા તરીકે ઓળખાઈ.
એ જ રીતે ભગવાનના મુખ કમળમાંથી પ્રગટ થઈ આ ભાગવતી ગંગા. બંને ગંગાનું ઉદ્ગમ સ્થાન ભગવાન આદિનારાયણ છે. ક્યારેય સૂકાય નહીં, ક્યારેય એનું મહત્ત્વ ઓછું થાય નહીં. ગંગા નદીનાં જળને ઔષધ પણ ગણવામાં આવ્યું છે અને ભાગવતી ગંગા પણ ભવ રોગ દૂર કરતી ઔષધિ છે. આમ ભાગવત કથા અને ભાષાનો સેતુ ભાઈશ્રીએ બહુ સરસ રીતે બાંધી આપ્યો.
ભાઈશ્રીએ કથા વાંચન દરમિયાન સંપત્તિ-ધનને કેન્દ્રમાં રાખી શેઠ અને ચોકીદાર વચ્ચેનો ફરક બહુ સરસ રીતે સમજાવી માતૃભાષાની બારીકીઓથી હાજર શ્રોતાઓને વાકેફ કર્યા હતા. પૈસા-ધનની સંપત્તિ તો અનેક લોકો પાસે હોય છે. જોકે, કેટલાક લોકો એ પૈસાનો સંગ્રહ કરવામાં માનતા હોય છે. પૈસાની ચોકી કરે છે એટલે આવા લોકો પૈસાના ચોકીદાર કહેવાય. બીજી તરફ એવા પણ કેટલાક ધનવાન છે જે પૈસાને કામે લગાડે છે. મતલબ એ પૈસાનો ઉપયોગ જનહિત ની પ્રવૃત્તિમાં કરે છે જે ધર્મ, શિક્ષણ, આરોગ્ય કે બીજા કોઈ ક્ષેત્રમાં હોઈ શકે છે. પૈસાને આ રીતે લોકોપયોગી પ્રવૃત્તિમાં કામે લગાડતા લોકો શેઠ કહેવાય.

આજની યુવા પેઢીમાં ગુજરાતી વાંચનના ઘટી રહેલા પ્રમાણની વાત કરી ભાઈજીએ માતૃભાષા ના ખોટા ઉચ્ચારણ બદલ ચિંતા વ્યક્ત કરી હતી. ઉદાહરણ સાથે ભાઈશ્રીએ કહ્યું કે ‘આજના મોટાભાગના બાળકો માતૃભાષામાં ભણતર મેળવવાને બદલે ઈંગ્લિશ મીડિયમમાં એજ્યુકેશન લઈ રહ્યા છે. એટલે એમનું મોટાભાગનું વાંચન અંગ્રેજીમાં થતું હોય એ સ્વાભાવિક છે.
પરિણામે આ લોકો શુદ્ધ ગુજરાતી નથી બોલી શકતા. સુરેશ દલાલે આ બાબતે વ્યંગ કરી કહ્યું હતું કે અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો ‘મારે આકાશમાં કાઈટ ફ્લાય કરવો છે’ એમ બોલે છે, કારણ કે આકાશમાં પતંગ ચગાવવો છે એ બોલી શકવા માટે ભાષા ભંડોળ એમની પાસે નથી. મેં વિચાર્યું છે એમ નથી બોલતા પણ મેં સોચ્યું છે એમ કહેતા હોય છે.’ આ રજૂઆત પછી અવિનાશ વ્યાસએ સ્વરબદ્ધ કરેલું અને પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં રજૂ થયેલા ‘ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં બરાબર’ ગીત દ્વારા ભાવિકોને માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
વિશ્વની પહેલી ભાગવત સપ્તાહ જેનું શીર્ષક માતૃભાષા ભાગવત સપ્તાહ છે: વૈષ્ણવાચાર્ય
માતૃભાષા ભાગવત સપ્તાહના અનોખા અને અનન્ય પ્રયાસમાં સહભાગી થવા પાંચમા દિવસે શ્રીઅનંત વિભૂષિત વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી હાજર રહ્યા હતા. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની કથાનું શ્રવણ લોકો શ્રદ્ધા, ઉત્સાહ, પ્રેમ અને આનંદથી કરી રહ્યા હતા એ અંગે રાજીપો વ્યક્ત કરી ‘મુંબઈ સમાચાર’ના તંત્રી નીલેશ દવેના પ્રયાસની પ્રશંસા કરી મુખ્ય મનોરથી સૌરભ મહેતા અને સહ મનોરથી રમેશભાઈ પારેખ, મુંબઈ સમાચારની ટીમ અને હાજર વૈષ્ણવોના સહભાગને આવકાર્યો હતો.
મહારાજશ્રીએ ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’ની કલ્પનાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ‘આખા વિશ્વમાં કદાચ આ પહેલી ભાગવત સપ્તાહ હશે જેનું શીર્ષક માતૃભાષા ભાગવત સપ્તાહ છે.’ એમની આ રજૂઆતને હાજર રહેલા વૈષ્ણવોએ તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવી લીધી હતી. માતૃભાષા એટલે માતાની ભાષા, આપણા દેશની ભાષા એમ જણાવી મહારાજશ્રીએ આગળ ઉમેર્યું હતું કે ‘ભારતમાં આપણે વિદેશી ભાષાને-અંગ્રેજીને વધુ પડતું પ્રાધાન્ય આપી રહ્યા છીએ, જ્યારે વિદેશના પરિવારોમાં બાળકો ગુજરાતી બોલવાને મહત્ત્વ આપી રહ્યા છે. ભણતર માતૃભાષાને બદલે અંગ્રેજીમાં કરવાનો મોહ વધી રહ્યો છે. પરિણામે નવી પેઢી આપણી સંસ્કૃતિથી, આપણાં મૂળિયાથી દૂર થતી જાય છે.’
બાંકે બિહારીના ભક્તિપાન પછી બિહારી બેટીનો ભાષાવૈભવ
માતૃભાષા ભાગવત સપ્તાહમાં ભગવાનની ભક્તિની સાથે સાથે ભાષાવૈભવનો લ્હાવો પણ હાજર લોકોને મળી રહ્યો હતો. બપોરે ભાગવત કથામાં ભાઈશ્રી વિવિધ ઉદાહરણ આપી ભાષાની ભવ્યતાનું રસપાન ભાવિકોને કરાવતા હતા તો સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાષાનું અનુસંધાન જોડી રજૂઆત થઈ રહી હતી.
બાંકે બિહારી (વૃંદાવન સ્થિત ત્રિભંગી મુદ્રાવાળું શ્રીકૃષ્ણનું સ્વરૂપ)ના કથા શ્રવણ પછી ભારતની સૌથી યુવા વયની વિધાનસભ્ય બિહારની પચીસ વર્ષની મૈથિલી ઠાકુરએ ગુજરાતી-મરાઠી-હિન્દી ઉપરાંત વ્રજ અને મારવાડી ભાષામાં પ્રભુભક્તિની માયા એવી લગાડી કે બે કલાક ચાલેલા કાર્યક્રમ પછી પણ ભાવિકોના મુખ પર થાક નહીં, ઉલ્લાસ અને ઉમંગ દેખાઈ રહ્યા હતા. સંગીતના કાર્યક્રમમાં પણ માતૃભાષા ભાગવત સપ્તાહ વિશાળ સ્વરૂપમાં સાર્થક થતી નજરે પડી હતી.
સંગીત જલસાના પ્રારંભમાં નિર્મળ-હસમુખ મુખારવિંદ સાથે મૈથિલીએ ભાગવત સપ્તાહના આયોજનમાં માતૃભાષા-સાહિત્યને જોડી આપણી સંસ્કૃતિને ઉત્તેજન આપવાના અનોખા પ્રયાસને બિરદાવી કહ્યું કે ‘આવા આ અનોખા કાર્યક્રમમાં મને બોલાવી એ બદલ હું આભારી છું. મને આશા છે કે આજે આપ સર્વને બહુ આનંદ આવશે. મારું નમ્ર નિવેદન છે કે તમે બધા મારી સાથે ગાવાનું રાખજો અને આનંદને વહેંચી એનો ગુણાકાર કરજો.’
કાર્યક્રમ પૂરો થયો ત્યારે મૈથિલીનો એક એક શબ્દ સો ટકા સિદ્ધ થયો હોવાનું પ્રમાણપત્ર હાજર લોકોના ચહેરા આપી રહ્યા હતા. બિહારની બહાર જેની ઓળખ સીમિત છે એવી મૈથિલીની ઓળખનો વિસ્તાર ‘મુંબઈ સમાચાર’ના આયોજનમાં હાજર રહેવાથી થયો છે એ આનંદની વાત છે.
સાદગીપૂર્ણ નાનકડી રજૂઆત પછી મૈથિલીએ ‘કરતે હો તુમ કન્હૈયા મેરા નામ હો રહા હૈ, મેરા આપકી દયા સે સબ કામ હો રહા હૈ’ ગાયું અને પહેલી જ રજુઆતમાં ભાવિકોને મુગ્ધ કરી દીધા. સમા બંધાઈ ગયા પછી મૈથિલીએ કહ્યું કે ‘મારી માતૃભાષા સિવાય અન્ય જે ભાષાઓ મને પ્રિય છે એમાં ગુજરાતી અને મરાઠી અગ્રક્રમે છે. કેવો સંયોગ રચાયો છે કે હું ગુજરાતીઓ ની વચ્ચે મહારાષ્ટ્રમાં બેઠી છું.’

આટલી રજૂઆત પછી મૈથિલીએ ‘મોરલી વેરણ થઈ’ અને ‘નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી નથડી ખોવાણી’ રજૂ કરતા ભાવિકો મોજમાં આવી ગયા હતા. સમગ્ર ડોમમાં એક પછી એક વર્તુળ રચાતા ગયા અને ગરબા-નૃત્યથી રસિકો સહભાગી થઈ રહ્યા હતા. એના પછી ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે’ રજૂ થતા માતૃભાષા ભાગવત સપ્તાહમાં મૈથિલીના ગીત-સંગીતએ ભાવિકોને માયા લગાડી હોવાનું વર્તાઈ રહ્યું હતું.
મરાઠીને પ્રિય ભાષા ગણાવનારી મૈથિલીએ રાષ્ટ્રસંત તુકડોજી મહારાજનું ભક્તિગીત ‘મની નાહી ભાવ મ્હણે દેવા મલા પાવ, દેવ અશાનં ભેટાયચા નાહી રે, દેવ બાજારચા ભાજીપાલા નાહી રે’ (મનમાં નથી ભાવ અને કહે છે દેવ મને દર્શન દે, ભગવાન આમ થોડા મળે, ભગવાન કંઈ બજારના શાકભાજી નથી) જે શુદ્ધતા અને ભાવથી રજૂ કર્યું એ સાંભળી બધા ઓવારી ગયા હતા. લગભગ બે કલાક ચાલેલા આ સંગીત જલસામાં માત્ર સાત જ વાજિંત્ર (મૈથિલીની સાથે દેશી હાર્મોનિયમ, બે અલગ અલગ ઢોલક, તબલા, પાવો, બેન્જો અને સામાન્ય - નાનકડું ઓર્ગન)ની સંગતમાં મૈથિલીની ગાયકી અને એનું પરફોર્મન્સ મંત્રમુગ્ધ કરી દેનારું હતું.