દિવસ છઠ્ઠો -7-4-2026
માતૃભાષા ભાગવત સપ્તાહમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ દરરોજ ભાષાવૈભવની વાત ઉદાહરણ સાથે કરી ભાવિકોની ભાષા સમજણનો વિસ્તાર કર્યો. છઠ્ઠા દિવસે કથા વાંચન દરમિયાન ભાઈશ્રીએ જીવન શાશ્વત છે, પ્રશ્નો શાશ્વત છે અને સમાધાન પણ શાશ્વત છે એમ જણાવી વેદાંત વિચારધારાની વિશાળતાનો પરિચય કરાવ્યો હતો.
વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ જીવનનો મર્મ સમજાવી ભાષાજ્ઞાન પણ રજૂ કર્યું હતું. જીવન શાશ્વત છે એટલે જીવન ક્યારેય સમાપ્ત થતું નથી. એ એક ઘટમાળ છે અને માત્ર તેના સ્વરૂપો બદલાય છે. પ્રશ્નો શાશ્વત છે એટલે જીવન છે ત્યાં સુધી જ્ઞાનની શોધ, સુખ-દુ:ખ અને કર્મ જેવા મૂળભૂત પ્રશ્નો હંમેશાં મૂંઝવતા રહેવાના. સમાધાન પણ શાશ્વત છે એટલે દ્દરેક સમસ્યાના ઉકેલ પણ કાયમ મળતા રહે છે. એને સમજવાની દૃષ્ટિ ભિન્ન ભિન્ન રહેશે.
ગોસ્વામી તુલસીદાસજી રચિત રામચરિતમાનસમાં આવતા ઉલ્લેખ ‘હરિ અનંત, હરિકથા અનંતા’ વિશે પણ તેમણે સમજણ આપી હતી. ભગવાન (હરિ) અનંત છે, તેમનો કોઈ અંત નથી, એ જ રીતે તેમની કથા (લીલા) પણ અનંતા એટલે કે જેનો કોઈ છેડો નથી, કોઈ અંત નથી એવી અસીમ અને અપરંપાર છે. આપણા પુરાણો-ગ્રંથોમાં જોવા મળતા કેટલાક પાત્રો માનવ સ્વભાવ કે વૃત્તિનું પ્રતિનિધિત્વ કરતા હોય છે એ વાત પણ ભાઈશ્રીએ સરસ રીતે સમજાવી હતી.
રામાયણમાં રાવણને આપણે લંકાપતિ અને સીતાનું હરણ કરનારા રાજા તરીકે ઓળખીએ છીએ. ભાઈજી રાવણને મોહનું પ્રતીક ગણે છે અને ‘આપણી અંદરનો રાવણ (મોહ) રામને પડતા મૂકી એને છેતરી સીતાનું અપહરણ કરે છે’ એવી વ્યાખ્યા કરી વાતને સમજાવે છે.
રામાયણ અને મહાભારત એ બે ગ્રંથની મહાનતા વિશે કોઈને સમજાવવાની જરૂર ન પડે એવો એનો મહિમા છે. જોકે, આ ગ્રંથ ભાષાના શબ્દો બની કેવા અર્થ ધારણ કરે છે એ વાત પર ભાઈજીએ પ્રકાશ પાડ્યો હતો. રામાયણ એટલે સંસ્કૃત ભાષાના આદિકવિ વાલ્મીકિએ રચેલું મહાકાવ્ય. રામનું ચરિત્ર એ અર્થ સર્વમાન્ય છે. દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો સંઘર્ષ તેમાં છે. જોકે, રામાયણ થઈ ગઈ એટલે સાંસારિક લડાઈ કે ઝઘડાની લંબાણપૂર્વક વાત થઈ એવો અર્થ છે.
મહાભારત વિશે પણ ભાઈશ્રીએ સમજાવ્યું. મહાકાવ્ય મહાભારત પાંચમો વેદ ગણાયો છે અને સંસ્કૃત ભાષાના ભવ્ય ઇતિહાસગ્રંથમાં સ્થાન ધરાવે છે. ‘સર્વગુણસંપન્ન’ કહેવાતું હોય તેમાં પણ દોષ હોય છે અને દુષ્ટતમમાંયે ગુણ હોય તેની પ્રતીતિ આ ગ્રંથમાં થાય છે. જોકે, મહાભારત થયું એટલે કજિયો - લડાઈ થયા એવો અર્થ થાય છે.
જીવનના ત્રણ ગુણ રજો ગુણ, તમો ગુણ અને સત્ત્વ ગુણ વિશે પણ ભાઈશ્રીએ સરળ વાણીમાં રજૂઆત કરી એનો મર્મ સમજાવ્યો. રજો ગુણ (ઈચ્છા, મહત્ત્વાકાંક્ષા,ઉત્સાહ) જીવનમાં જરૂરી છે, પણ એ ઓફિસમાં ડ્યૂટી પર હોઈએ ત્યારે. તમો ગુણ (આળસ, નિદ્રા) ઑફિસમાં નહીં પણ ઘરમાં નિરાંતની પળમાં હોવો જોઈએ અને સત્ત્વ ગુણ (સુખ, શાંતિ અને જ્ઞાન) ભગવાનની કથા વખતે પ્રગટ થાય. જીવનમાં ત્રણેય ગુણ જરૂરી છે, પણ કોનો પ્રતાપ કયા સમયે હોવો જોઈએ એ નક્કી કરવું જરૂરી છે.
જિજ્ઞાસામાં ઉદ્ધાર કરવાની શક્તિ છે: શંકરાચાર્ય
મુંબઈ સમાચાર આયોજિત ‘માતૃભાષા ભાગવત સપ્તાહ’માં ધર્માચાર્યોની હાજરી ખાસ ધ્યાન ખેંચી રહી હતી. યદુનાથજી મહારાજ, નમ્ર મુનિ, વલ્લભાચાર્ય પછી મંગળવારે દ્વારકાથી અનંત શ્રી વિભૂષિત પશ્ર્ચિમામ્નાય દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ભાવિકોને આશીર્વચન આપવા પધાર્યા હતા.
ખુદ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ પણ તેમની અમૃતવાણીનું રસપાન કર્યું હતું. ભાઈશ્રીનો ઉલ્લેખ પ્રથમ પંક્તિના કથાકાર તરીકે કરી વ્યાસપીઠ પરથી શંકરાચાર્યજીએ ‘મુંબઈ સમાચાર’ની આ અનોખી પ્રવૃત્તિની પ્રશંસા કરી સત્સંગનો લાભ લેતા ભાવિકો પ્રતિ પણ આદર વ્યક્ત કર્યો હતો. ’દરેક જીવાત્મામાં પરમાત્માનો વાસ છે. આ તત્ત્વ જે સમજે છે એ જ તત્ત્વજ્ઞાની છે’
ભાગવત કથાનું મહત્ત્વ સમજાવતા શંકરાચાર્યજીએ કહ્યું કે ‘મનુષ્ય જીવનની એ ક્ષણ અત્યંત દુર્લભ હોય છે જ્યારે એને સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. એ સત્સંગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની કથા - શ્રીમદ્ ભાગવતની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય એ જીવનની ઉપલબ્ધિ પ્રાપ્ત કરવા બરાબર છે.’ હજારો ભાવિકોને ‘મુંબઈ સમાચાર’ના માધ્યમથી ભાગવત કથા શ્રવણનો લાભ મળ્યો. જીવનના તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરી તેમણે કહ્યું કે ‘મનુષ્યમાં જિજ્ઞાસા વૃત્તિ હોવી જોઈએ.
સાત દિવસ પછી પોતાનું મૃત્યુ થવાનું છે એની જાણ થતા પરીક્ષિત રાજાએ ‘મૃત્યુ નિકટ હોય ત્યારે મનુષ્યએ શું કરવું જોઈએ?’ એવો પ્રશ્ન કરતા શુકદેવજીએ ઉત્તર આપ્યો કે ‘અયોધ્યા નરેશ રાજા ખટવાંગ પાસે તો બે જ ક્ષણ હતી અને એ બે ક્ષણમાં જ તેમણે પોતાનું કલ્યાણ કરી લીધું હતું. અમરત્વનું વરદાન કોઈને નથી અને આ સમયે તને જિજ્ઞાસા થઈ એ જ મહત્ત્વની છે. રાજન, તારી પાસે તો સાત દિવસ છે. સાધુનો એક ક્ષણનો સહવાસ સંસાર પાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. આ જિજ્ઞાસાએ જ તમારો ઉદ્ધાર કર્યો છે. હવે તમારું મૃત્યુ નહીં થાય. તમે બ્રહ્મમય થઈ જશો. જિજ્ઞાસા દૂર કરવાનું કામ ગુરુદેવ કરે છે.’
કીર્તિદાન ગઢવીના ડાયરાએ મોજે મોજ કરાવી
મંગળવારે સંગીત જલસામાં લોકસંગીતથી લોકહૈયે વસેલા 51 વર્ષના ડાયરા સમ્રાટ કીર્તિદાન ગઢવીએ રમઝટ બોલાવી ડાયરાની જમાવટ કરી. ખુદ કીર્તિદાન ગઢવીના શબ્દોમાં કહીએ તો ‘મુંબઈ ગાંડુઘેલું થયું હતું’. બોરીવલીના બાળાસાહેબ ઠાકરે ક્રીડા સંકુલમાં વૈષ્ણવોને ગઢવીના પરફોર્મન્સથી તાન ચડ્યું હતું.
‘મુંબઈ સમાચાર’ દ્વારા માતૃભાષાના જતન માટેના ભાગવત સપ્તાહના આ વિશિષ્ટ પ્રયાસ બદલ અભિનંદન આપી લોકસંગીતમાં આપણી ગુજરાતી ભાષાનો કેવો મહિમા છે એ જાણવા અને માણવા માટે આપણે કીર્તિદાનભાઈને સાંભળવા પડે એવી રજૂઆત પછી સળંગ ત્રણ કલાક સુધી હાજર ગઢવી રસિયાઓએ મન મૂકીને કાર્યક્રમ માણ્યો. પ્રારંભમાં સૂર-તાલથી માહોલ તૈયાર કરી ભગવાન શિવની ભક્તિ, શક્તિ અને આસ્થાનું પ્રતીક ગણાતો ‘હર હર મહાદેવ’નો નાદ કર્યો એને સંગીત રસિયાઓએ જે ઊમળકાથી અને ઉન્માદથી પ્રતિસાદ આપ્યો ત્યારે એસી ડોમ કૈલાશ પર્વત બની ગયો હતો.
કન્યારત્નની ભાવનાને હૃદયસરસી રાખતું ‘તેરી લાડકી મૈં છોડુંગી ના તેરા હાથ’ રજૂ થતા કોરસવૃંદમાં વીસ હજારથી વધુ ‘ગાયકો’ જોડાઈ ગયા હતા. સાથે સાથે ‘ઓ રે ઓ પારેવડા, તું કાલે ઊડી જાજે રે, મારી હાટુ રઈ જાને આજની રાત’થી રસિકો લોકસંગીતમાં રસતરબોળ થઈ ગયા હતા. ‘ખમ્મા ઘણી, મારી લાડકડીને ઘણી ખમ્મા’ રજૂ થતા પ્રેક્ષકો જાણે લાગણીનો સમુદ્ર બની ગયા હોય એવી પ્રતીતિ થઈ હતી.
કૃષ્ણ ભક્તિનું સદાબહાર ગીત ‘દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી’ થી હોલ ગૂંજી ઉઠ્યો અને લોકોને એવું તાન ચડ્યું કે લોકો ગરબે ઘુમવા લાગ્યા હતા અને સ્ટેજ પર રસિયાઓ નોટોનો વરસાદ વરસાવી રહ્યા હતા. કૃષ્ણના બાળસ્વરૂપનું ‘મૈયા યશોદા, યે તેરા કન્હૈયા, પનઘટ પે મેરી પકડે હૈ બૈયા, તંગ મુજે કરતા હૈ, સંગ મેરે લડતા હૈ’ ગઢવીએ વિશિષ્ટ લહેકામાં રજૂ કર્યું ત્યારે ભાવિકોએ રમતિયાળ સ્વભાવનો અનુભવ ઘડીક માટે જરૂર કર્યો હશે.
કેટલાક શ્રોતાઓ તો માથે બાળકૃષ્ણની મૂર્તિ રાખી ગીતના ભાવનો આસ્વાદ લઈ રહ્યા હતા. ભક્તિ અને સંગીતના સમન્વયનો આ પ્રતાપ છે. વચ્ચે વચ્ચે ગીતમાં વાછરડા કે નાગનો ઉલ્લેખ આવે ત્યારે એમનો અવાજ સંભળાવી કીર્તિદાન ગઢવીએ એક અલાયદા પ્રેઝન્ટર હોવાનું પણ સિદ્ધ કર્યું.