કોલંબિયાઃ દક્ષિણ-અમેરિકાના દેશ કોલંબિયાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં એક આતંકવાદી હુમલો થયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ હુમલામાં 13 લોકોના મોત થયા છે અને લગભગ 38 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. કોલંબિયાની સેનાએ આ ઘટનાને એક 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે આ વિસ્તારમાં ડ્રગ્સ તસ્કરી અને સશસ્ત્ર જૂથોની હિંસા ચરમસીમા પર છે. આ હુમલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
રાષ્ટ્રપતિ દ્વારા કડક નિંદા કરવામાં આવી
કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેત્રોએ આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘કાજિબિયોમાં જે લોકોએ નિર્દોષ નાગરિકોને નિશાન બનાવીને આતંક ફેલાવ્યો છે, તે ડ્રગ્સ તસ્કર અને આતંકવાદી છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ઘણા આદિવાસી સમુદાયના હતા’.
પનામેરિકન હાઈવે પર બસ પર હુમલો
આ દુર્ઘટના પનામેરિકન હાઈવે પર કાજિબિયો (Cajibio) નગરપાલિકા વિસ્તારમાં બની હતી. કોલંબિયાના કાઉકા ક્ષેત્રના ગવર્નર ઓક્ટાવિયો ગુઝમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે કાજિબિયોમાં જે લોકોએ હુમલો કરીન સાત સામાન્ય નાગરિકોની હત્યા કરી અને 17 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ કર્યાં છે. આમાં અનેક આદિવાસીઓ હતા. મુસાફરોથી ભરેલી બસ જ્યારે હાઈવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમાં પહેલેથી ગોઠવાયેલા વિસ્ફોટથી બ્લાસ્ટ થયો હતો.
આ હુમલા પાછળ કોણ જવાબદાર છે?
કોલંબિયાના સશસ્ત્ર દળોના કમાન્ડર જનરલ હ્યુગો લોપેઝે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ હુમલા પાછળ 'ઇવાન મોર્ડિસ્કો' (Ivan Mordisco) નું નેટવર્ક અને 'જેમે માર્ટિનેઝ' (Jaime Martinez) જૂથનો હાથ છે. આ બંને જૂથો ભંગ થઈ ગયેલી 'કોલંબિયાની રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સીસ' (FARC) ના ભૂતપૂર્વ સભ્યો છે. કાઉકાના સ્વાસ્થ્ય સચિવ કેરોલિના કેમાર્ગોના જણાવ્યા મુજબ, ઘાયલોમાં 5 બાળકો પણ સામેલ છે, જેમને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
48 કલાકમાં 26 હિંસક ઘટના નોંધાઈ
આ કોઈ પહેલી ઘટના નથી. છેલ્લા 48 કલાકમાં સમગ્ર દક્ષિણ-પશ્ચિમ કોલંબિયામાં લગભગ 26 હિંસક ઘટનાઓ નોંધાઈ છે. જમુન્ડીમાં પોલીસ સ્ટેશન પર ગોળીબાર થયો છે. એલ તામ્બોમાં સિવિલ એવિએશન રડાર પર ડ્રોન હુમલાનો પ્રયાસ થયો હતા. આ સાથે કાલી અને પાલ્મિરામાં સૈન્ય વાહનોને નિશાન બનાવી વિસ્ફોટ કરવામાં આવ્યા છે. અધિકારીઓના મતે, ડ્રગ્સ તસ્કરીના માર્ગો પર નિયંત્રણ મેળવવા માટે સક્રિય ગેરકાયદેસર સશસ્ત્ર જૂથો વચ્ચેની લડાઈને કારણે સુરક્ષા વ્યવસ્થા કથળી છે, અને આવી સ્થિતિનું નિર્માણ થયું છે.