Tue Oct 06 2026

Logo

કચ્છના મુંદરા અને માંડવીમાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે કરુણ બનાવો, પોલીસ તપાસ શરૂ

2026-10-05 13:17:38
Author: Mumbai Samachar Team
કચ્છના મુંદરા અને માંડવીમાં ગળેફાંસો ખાઈ આપઘાતના બે કરુણ બનાવો, પોલીસ તપાસ શરૂ

ભુજઃ કચ્છ જિલ્લાના બંદરીય મુંદરા અને માંડવી તાલુકામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવાના બે અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. મુંદરા તાલુકાના ધ્રબ સીમ વિસ્તારમાં મૂળ બિહારના 35 વર્ષીય યુવાને ઘર પાછળ લીમડાના ઝાડ પર દોરડું બાંધી ફાંસો ખાઈ લીધો હતો, જ્યારે માંડવીના ગુંદિયાળી ગામે બાવન વર્ષીય આધેડે ઘરમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.

આ સમગ્ર ઘટનાઓની વિગતે વાત કરવામાં આવે તો, મૂળ બિહારનો વતની અને હાલે મુંદરા તાલુકાના ધ્રબ સીમમાં અદાણી વિલ્માર રિફાઇનરી સામે આવેલી સિકંદર કોલોનીના રૂમ નંબર 31માં રહેતો રાજનેશકુમાર બિહારી મહંતો (ઉ.વ. 35) નામનો યુવક ગઈકાલે રાત્રિ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર પોતાના નિવાસસ્થાન પાછળ આવેલા લીમડાના ઝાડની ડાળી પર દોરડા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ કરુણ બનાવ અંગે મૃતકની પત્ની સપનાકુમારીએ મુંદરા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપઘાતના બીજા બનાવની વાત કરવામાં આવે તો, માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે રહેતા જગદીશ નારુભા જાડેજા (ઉ.વ. 52) નામના આધેડે ગઈકાલે સાંજના સુમારે પોતાના ઘરમાં લાકડાની આડી (મોભ) સાથે નાયલોનની દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતાં પરિજનો તેમને તાત્કાલિક સારવાર અર્થે માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માંડવી મરીન પોલીસે આ બનાવ સંદર્ભે અકસ્માત મોતની નોંધ કરી આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)