જૂનાગઢઃ કેશોદના બડોદર ગામના રહીશો દ્વારા રેલવે મુસાફરી દરમિયાન પડતી અસુવિધાઓ અને રેલવે તંત્રની કનગત અંગે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામના પ્રતિનિધિઓ અને ગ્રામ્યજનોના જણાવ્યા અનુસાર, બડોદર ગામે રેલવે ટિકિટ બુકિંગ કે ટિકિટ ઘરની કોઈ સુવિધા નથી, તેમજ અમુક ગાડીઓના સ્ટોપ પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
દૈનિક ૨૦૦ થી ૨૫૦ જેટલા પેસેન્જરો મુસાફરી કરતા હોવા છતાં, ટિકિટ ન મળવાને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુસાફરો જ્યારે ટ્રેનમાં ચડે ત્યારે ગાર્ડ દ્વારા પૈસા લેવા છતાં પૂરતી ટિકિટો આપવામાં આવતી નથી અથવા જૂનાગઢ જેવા સ્ટેશને ઉતરતી વખતે ટિકિટ માસ્ટર દ્વારા દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે ગ્રામ્યજનો અન્યાયનો ભોગ બને છે. મહિલાઓ અને વડીલો સાથે પણ ગાર્ડ દ્વારા અયોગ્ય વર્તન અને જબરદસ્તી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા હતા..
ઉચ્ચ સ્તરે કરવામાં આવી છે રજૂઆત
આ મામલે અગાઉ પણ ભાવનગર અને મુંબઈ ડિવિઝન સુધી લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. આજના વિરોધ પ્રદર્શન દરમિયાન મીડિયાની હાજરીમાં પણ રેલવે કર્મચારીઓ દ્વારા લોકોને ધમકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે.
ગ્રામજનોની શું છે માંગ
બડોદર ગામે કાયદેસરનું પ્લેટફોર્મ બનાવવામાં આવે, ટિકિટ બારી શરૂ કરવામાં આવે અને બુકિંગ ક્લાર્કની નિમણૂક થાય, જેથી રોજિંદા મુસાફરોની હેરાનગતિ અટકે અને દોષિત કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી.