Fri Sep 11 2026

Logo

ભારે ટ્રાફિક વચ્ચે ઍન્ગિડી માટે `ગ્રીન કૉરિડોર': જાણો, દિલ્હી પોલીસે કેવી રીતે 11 મિનિટમાં હૉસ્પિટલમાં પહોંચાડ્યો

2026-04-26 18:14:10
Author: Ajay Motiwala
ભારે ટ્રાફિક વચ્ચે ઍન્ગિડી માટે `ગ્રીન કૉરિડોર': જાણો, દિલ્હી પોલીસે કેવી રીતે 11 મિનિટમાં હૉસ્પિટલમાં પહોંચાડ્યો

નવી દિલ્હીઃ પાટનગરમાં અરુણ જેટલી સ્ટેડિયમમાં શનિવારે સાંજે દિલ્હી કૅપિટલ્સ (DC)ના સાઉથ આફ્રિકન પેસ બોલર લુન્ગી ઍન્ગિડી (Ngidi)ને પંજાબ કિંગ્સ (PBKS) સામેની મૅચમાં ફીલ્ડિંગ દરમ્યાન માથામાં ઈજા પહોંચતાં જ ગણતરીની મિનિટોમાં ભારે ટ્રાફિક વચ્ચે નજીકના રાજેન્દ્ર નગર વિસ્તારની બીએલકે-મૅક્સ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં જે ઝડપથી પહોંચાડવામાં આવ્યો એ બદલ દિલ્હી પોલીસની વાહ-વાહ થઈ રહી છે.

ઍન્ગિડીએ ચાહકોનો આભાર માન્યો

લુન્ગી ઍન્ગિડીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર પોતાની ઈજા બાદ ચિંતા વ્યક્ત કરતા અને શુભેચ્છા આપનાર તમામ ચાહકોનો આભાર માન્યો હતો. તેણે સંદેશમાં આટલું લખ્યું હતું, `થૅન્ક યૂ ફૉર ધ મૅસેજિસ. ઑલ ગૂડ.'

ઍન્ગિડીની ઈજા અને પછીની ઘટના

શનિવારે દિલ્હીએ બે વિકેટે 264 રન કર્યા ત્યાર બાદ 265 રનના લક્ષ્યાંકનો સામનો કરનાર પંજાબની ટીમના ઓપનર પ્રિયાંશ આર્યએ એક તબક્કે દિલ્હીના સુકાની અક્ષર પટેલના બૉલમાં શૉટ માર્યો ત્યારે ઍન્ગિડીએ કૅચ ઝીલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે બૉલની દિશા બરાબર સમજી ન શકનાર ઍન્ગિડી કૅચ નહોતો ઝીલી શક્યો, પરંતુ ઊંધે માથે નીચે પટકાયો હતો અને માથાના પાછળના ભાગમાં તેને ગંભીર ઇજા થઈ હતી.

તરત જ ફિઝિયોથેરપિસ્ટ તેમ જ મેડિકલ ટીમના મેમ્બર્સ મેદાન પર દોડી આવ્યા હતા, ઍમ્બ્યૂલન્સ પણ બોલાવવામાં આવી હતી અને ઍન્ગિડીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓ તેને સ્ટ્રેચર પર સૂવડાવીને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેણે માથાના તથા ગરદનના દુખાવાની ફરિયાદ કરી હતી.

બન્યું એવું કે મેદાન પર ઍન્ગિડીની પ્રાથમિક સારવાર પૂરી થઈ ત્યાર બાદ માત્ર 11 મિનિટમાં દિલ્હી ટ્રાફિક પોલીસે ઍન્ગિડી માટે `ગ્રીન કૉરિડોર' બિછાવ્યો હતો. બીજી રીતે કહીએ તો સાંજના સમયે વીકએન્ડનો ભારે ટ્રાફિક હોવા છતાં પોલીસે હૉસ્પિટલ સુધીનો રૂટ તાબડતોબ ક્લિયર કરી નાખ્યો હતો અને હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. કુલ 30 મિનિટમાં ઍન્ગિડીને ઈજા પછી હૉસ્પિટલમાં સારવાર શરૂ થઈ ગઈ હતી.

દિલ્હી પોલીસના અધિકારીએ એક મુલાકાતમાં કહ્યું, `મૅચના આયોજકોનો સંપર્ક કરતા અમને જાણ થઈ હતી કે ઍન્ગિડીને તાબડતોબ હૉસ્પિટલમાં વિશેષ સારવારની જરૂર છે. તરત જ એસીપી ટ્રાફિક/સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ સંજય સિંહે તરત જ પોલીસ ક્નટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો અને ઍન્ગિડીને લઈને આવનારી ઍમ્બ્યૂલન્સને માર્ગ પર કોઈ અડચણ ન આવે એની ખાસ તકેદારી રાખવાની સૂચના આપી હતી. ઍમ્બ્યૂલન્સ ગણતરીની મિનિટોમાં હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી અને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.'