ઉનાળાની ઋતુ હાલ તેની આકરી અસર વરતાવી રહી છે. દેશના અનેક ભાગોમાં તાપમાનનો આંક 45 થી 47 ડિગ્રીને પાર કરી ગયો છે. આ કાળઝાળ ગરમી અને લૂથી બચવા લોકો ઠંડા પીણાં પીવા અને ઘરમાં રહેવાનું પસંદ કરે છે, પરંતુ ઘણીવાર આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે આપણા કપડાં પણ ગરમી વધારવામાં જવાબદાર હોઈ શકે છે. વિજ્ઞાન અનુસાર, કપડાંના ખોટા રંગની પસંદગી શરીરના તાપમાનને ખતરનાક હદે વધારી શકે છે.
સંશોધનો મુજબ, ઘેરા રંગના કપડાં સૂર્યના તાપને સૌથી વધુ શોષી લે છે. આ યાદીમાં કાળો રંગ સૌથી વધુ ગરમી શોષે છે, જે લગભગ 95 ટકાથી વધુ સૂર્યપ્રકાશને એબ્ઝોર્બ કરીને તેને ગરમીમાં ફેરવી નાખે છે. કાળા ઉપરાંત નેવી બ્લુ અને ડાર્ક લાલ કે મેરૂન જેવા રંગો પણ ઉનાળામાં 'થર્મલ મેગ્નેટ'ની જેમ કામ કરે છે, જે શરીરને અંદરથી ઓવન જેવું ગરમ બનાવી દે છે.
આ સિવાય તબીબી દ્રષ્ટિએ જોઈએ તો, ઉનાળામાં ડાર્ક કલરના કપડાં પહેરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. જ્યારે કપડાંને કારણે શરીરનું તાપમાન જરૂર કરતાં વધી જાય છે, ત્યારે શરીરનું આંતરિક તાપમાન નિયંત્રિત કરવાની પ્રક્રિયા ખોરવાય છે. આના પરિણામે હીટસ્ટ્રોક, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન અને ઘમૌરી જેવી સમસ્યાઓ વધી શકે છે.

વધુમાં, ઘેરા રંગના કપડાં પરસેવાને ચામડી પર જ રોકી રાખે છે, જેના કારણે બેક્ટેરિયા પેદા થાય છે અને ચામડી પર એલર્જી કે ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. એટલે કે માત્ર ગરમી જ નહીં, પણ ચામડીના રોગોનું જોખમ પણ કપડાંની પસંદગી પર આધાર રાખે છે.
આ આકરી ગરમીથી બચવા માટે કપડાંની પસંદગીમાં ફેરફાર કરવો જરૂરી છે. ઉનાળામાં સફેદ, પીળા અથવા પેસ્ટલ રંગો જેવા કે આકાશી બ્લુ, આછા ગુલાબી કે મિન્ટ ગ્રીન રંગના કપડાં પહેરવા સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સફેદ રંગ સૂર્યના કિરણોને પરાવર્તિત કરી દે છે, જેથી શરીર સુધી ગરમી પહોંચતી નથી.
છેલ્લે, રંગની સાથે સાથે કાપડની પસંદગી પણ મહત્વની છે. ઉનાળામાં હંમેશા 100 ટકા કોટન અથવા લિનન ફૅબ્રિકના કપડાં જ પસંદ કરવા જોઈએ. આ પ્રકારનું કાપડ ત્વચાને 'શ્વાસ' લેવાની તક આપે છે અને પસીનાને ઝડપથી સોષી લે છે, જેનાથી ગરમીમાં પણ રાહત મળી શકે છે.