ભરત ભારદ્વાજ
પશ્ચિમ બંગાળમાં નવી નવી બનેલી ભાજપની શુભેન્દુ અધિકારી સરકાર કાર્યભાર સંભાળતાં જ ધડાધડ નિર્ણયો લઈ રહી છે. શુભેન્દુની સરકારના મોટા ભાગના નિર્ણય ભાજપે ચૂંટણી ઢંઢેરામાં આપેલાં વચનોના અમલના છે પણ શુભેન્દુની સરકારે એક અત્યંત રસપ્રદ અને ચર્ચાસ્પદ નિર્ણય અન્ય પછાત વર્ગ (ઓબીસી) અનામતમાં ઘટાડાનો લીધો છે.
બંગાળમાં અત્યાર સુધી સરકારી નોકરીઓ અને શિક્ષણમાં ઓબીસી અનામત 17 ટકા હતી એ ઘટાડીને સાત ટકા કરી દેવાઈ છે. પહેલાં કુલ 147 જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળતો હતો. તેના બદલે હવે 66 જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળશે.
શુભેન્દુની સરકારે હાઈ કોર્ટના ચુકાદાને કારણે આ નિર્ણય લીધો છે તેથી તેને ભાજપની પહેલ ના ગણી શકાય પણ આપણે ત્યાં અનામતની વાત આવે ત્યારે રાજકારણીઓ સુપ્રીમ કોર્ટ સુધ્ધાંને ઘોળીને પી જતા હોય છે. અનામતના પ્રમાણમાં ઘટાડા માટે તો તૈયાર જ નથી થતા ત્યારે શુભેન્દુ સરકારે અનામતમાં ઘટાડાનો નિર્ણય લીધો એ મોટી વાત છે.
ભાજપ મતબેંક માટે થઈને અત્યારે ઓબીસી મતદારોના પગોમાં આળોટી રહ્યો છે ત્યારે ઓબીસી અનામતનું પ્રમાણ સીધું 10 ટકા ઘટાડી દીધું તેના કારણે ઘણાંને આશ્ર્ચર્ય થયું છે. જો કે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી કેમ કે લાલો લાભ વિના લોટતો નથી. આ નિર્ણય પાછળ ભાજપનો રાજકીય ફાયદો છે જ કેમ કે ઓબીસી અનામતનો લાભ બંધ કરાયો તેમાં બહુમતી મુસ્લિમ જ્ઞાતિઓ છે. તેના કારણે ભાજપની હિંદુવાદી છાપ મજબૂત બનશે તેથી ભાજપે લોકોનું હિત નહીં પણ પોતાનો ફાયદો જ જોયો છે પણ તેના કારણે એક વાત સાબિત થઈ છે કે, સત્તાધીશો ધારે તો અનામતનું પ્રમાણ ચોક્કસ ઘટાડી શકે છે.
સવાલ એ છે કે, રાજકીય ફાયદા માટે અનામતનું પ્રમાણ ઘટાડી શકાય તો લોકોના ફાયદા માટે એવો નિર્ણય કેમ ના લઈ શકાય ? બંગાળમાં અનામતનું પ્રમાણ ઘટાડી શકાય તો બીજાં રાજ્યોમાં કેમ ના ઘટાડી શકાય ?
બંગાળ સરકારે જાહેર કર્યું છે કે, સરકાર ઓબીસી માળખાની સમીક્ષા કરવા માટે સમિતિ બનાવશે અને તેના આધારે આખી નવી યાદી બનશે. સમીક્ષા પછી જરૂર પડ્યે કેટલાક સમુદાયોને કાનૂની પ્રક્રિયા હેઠળ ફરીથી ઓબીસી યાદીમાં સામેલ કરી શકાય છે. બીજો સવાલ એ છે કે, બંગાળમાં જે કરી શકાય એ બીજાં રાજ્યોમાં કેમ ના કરી શકાય ? ઓબીસીનો લાભ મેળવવા માટે લાયક ના હોય એવી જ્ઞાતિઓને કેમ દૂર ના કરી શકાય ?
મમતા બેનરજીની સરકારે ઓબીસી અનામતને ઓબીસી-એ અને ઓબીસી-બી એમ બે ભાગમાં વહેંચી હતી. ઓબીસી-એને 10 ટકા જ્યારે ઓબીસી-બીને સાત ટકા અનામત અપાતી હતી. મમતાની સરકારે મુસ્લિમ સમુદાયની કેટલીક જ્ઞાતિઓને પણ અનામતનો લાભ આપ્યો હતો. શુભેન્દુની સરકારે ઓબીસી-એ અને ઓબીસી-બી વર્ગીકરણ કાઢી નાંખીને ઓબીસી અનામતની એક જ સામાન્ય કેટેગરી કરી નાંખી છે.
મમતા 2011માં સત્તામાં આવ્યાં એ પહેલાંની ડાબેરી સરકારે રાજકીય ફાયદા માટે ઓબીસી અનામતનો વ્યાપ વધારવાની શરૂઆત કરીને કેટલીક નવી જ્ઞાતિઓનો ઓબીસી અનામતની યાદીમાં સમાવેશ કરી નાંખેલો. મમતા બેનરજીએ આ પ્રક્રિયા ચાલુ રાખીને બીજી કેટલીક જ્ઞાતિઓને અનામતનો લાભ આપી દીધેલો. આ રીતે 2010 થી 2012 ની વચ્ચે ઓબીસી યાદીમાં 77 નવી જ્ઞાતિઓનો સમાવેશ કરાયો હતો.
શુભેન્દુની સરકારે આ તમામ જ્ઞાતિઓને ઓબીસી અનામતની યાદીમાંથી બહાર કાઢીને 2010 પહેલાં જે 66 જ્ઞાતિને અનામતનો લાભ મળતો હતો તેમને જ અમાનતનો લાભ આપવાનો નિર્ણય પણ લીધો છે. નવી જ્ઞાતિનાં જેમને ઓબીસી ક્વોટામાંથી નોકરી અપાઈ હોય તેમની નિમણૂકો પર અસર નહીં પડે ને એ રીતે પાડાને વાંકે પખાલીને ડામ નહીં આપવાનો પ્રશંંસનિય નિર્ણય પણ શુભેન્દુ સરકારે લીધો છે પણ હવે પછી 2010 પહેલાંની યાદીની જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળશે.
મમતા અને ડાબેરીઓ મુસ્લિમ તુષ્ટિકરણનાં ચેમ્પિયન હતાં તેથી મુસ્લિમોને રાજી રાખવા મમતા અને ડાબેરીઓએ જે જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ આપવાનું નક્કી કર્યું તેમાં સંખ્યાબંધ મુસ્લિમ જ્ઞાતિઓ પણ હતી. આ જ્ઞાતિઓને હવે અનામતનો લાભ નહીં મળે પણ 2010 પહેલાં પહાડિયા, હજામ અને ચૌધુલી એ ત્રણ મુસ્લિમ જ્ઞાતિઓને મળતો અનામતનો લાભ પણ ચાલુ રહેશે.
મમતા અને ડાબેરીઓએ ઓબીસી અનામતનો લાભ વધારે જ્ઞાતિઓને આપવા માંડ્યો તેની સામે કલકત્તા હાઈ કોર્ટમાં અરજી થયેલી. હાઈ કોર્ટે 2024માં ચુકાદો આપેલો કે, 2010 થી 2012 ની વચ્ચે ઓબીસી યાદીમાં 77 વધારાની જ્ઞાતિઓને ઉમેરવાની પ્રક્રિયા ગેરકાયદેસ અને ગેરબંધારણીય હતી તેથી તેમને રદ કરવી જોઈએ.
હાઈ કોર્ટના ચુકાદાને કારણે બંગાળ સરકાર દ્વારા 2010 પછી અપાયેલાં લગભગ 12 લાખ ઓબીસી પ્રમાણપત્રો રદ કરાયાં હતાં. નવી ભરતીમાં આ જ્ઞાતિઓને અનામતનો લાભ નહીં અપાય એવું પણ મમતાની સરકારે નક્કી કરવું પડ્યું હતું. હાઈકોર્ટમાં થયેલી અરજીઓ પાછળ ભાજપનો દોરીસંચાર હતો તેથી ભાજપે સત્તામાં આવતાંવેંત આ ચુકાદાને આધારે અનામતની યાદીમા કાપ મૂકીને ટકાવારી પણ ઘટાડી દીધી.
ભાજપે રાજકીય ફાયદાને ખાતર પણ એક સારું કામ કર્યું છે ને દેશના દરેક રાજ્યમાં તેનું અનુસરણ થવું જોઈએ. ભારતમાં અનામત પેચીદો પ્રશ્ન છે ને મતબેંક સાથે સંકળાયેલો છે તેથી રાજકીય પક્ષો તેને અડતા નથી પણ રાજકીય પક્ષોના સ્વાર્થની બહુ ખરાબ અસરો દેશ પર પડી રહી છે. ખાસ કરીને ઓબીસી અનામતના કારણે દેશને મોટો ફટકો પડી રહ્યો છે.
આ અનામતના કારણે જનરલ કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે દેશમાં તકો ઓછી થઈ ગઈ છે તેથી હતાશ થઈને એ બધા વિદેશ ભણી ભાગી રહ્યા છે. આ દેશમાં પેદા થયેલા, દેશમાં પ્રાથિમક ને મોટા ભાગના કિસ્સામાં તો છેક ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓ તકના અભાવે વિદેશ ભાગી જાય છે ને ત્યાં જ સ્થાયી થઈ જાય છે. તેના કારણે આપણે તેમનામાં કરેલું રોકાણ તો વેડફાઈ જ જાય છે પણ ટેલેન્ટેડ યુવાઓના જોરે મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવાનું સપનું પણ ચકનાચૂર થઈ રહ્યું છે. જે ટેલેન્ટ ભારતના નિર્માણમાં યોગદાન આપવી જોઈએ એ ટેલેન્ટ બીજાં દેશોના વિકાસમાં ફાળો આપી રહી છે તેનું કારણ અનામત છે.
ભારતમાં અનામતનો વિચાર સદીઓથી દબાયેલા અને કચડાયેલા દલિતો તથા આદિવાસીઓને યોગ્ય તક આપવા માટે અમલી બનાવાયેલો. આ વિચાર યોગ્ય હતો તેથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)ને મળતા કુલ 22.7 ટકા અનામતમાં કશું ખોટું નથી પણ રાજકીય સ્વાર્થને ખાતર 27 ટકા ઓબીસી અનામત દાખલ કરાઈ તેમાં મેરિટ બાજુ પર રહી ગયું ને અનામત હાવી થઈ ગઈ. આ તમામ 27 ટકા અનામત નાબૂદ ના થઈ શકે પણ ઓબીસીમાં ઘણી જ્ઞાતિ સવર્ણોની સમકક્ષ છે તેમને ચોક્કસ કાઢી શકાય ને અનામતનું પ્રમાણ ઘટાડી શકાય.