Wed May 06 2026

Logo

બંગાળમાં ભાજપની જીત બાદ હિંસાનો આક્ષેપ: સાયોની ઘોષે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો આક્રોશ

2026-05-05 19:28:59
Author: Devayat Khatana
Article Image

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026ના ઐતિહાસિક પરિણામો બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓએ જોર પકડ્યું હોવાનો આક્ષેપ તૃણમૂલ કોંગ્રેસના નેતાએ કર્યો છે. TMCના કોંગ્રેસના સાંસદ સાયોની ઘોષે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ભાજપે હજુ સત્તા પણ નથી સંભાળી ત્યાં આખા બંગાળમાં અશાંતિ અને તોડફોડ શરૂ થઈ ગઈ છે. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને તેમણે દાવો કર્યો કે રાજ્યના રસ્તાઓ પર સન્નાટો છે, પાર્ટી ઓફિસો તોડવામાં આવી રહી છે અને કેન્દ્રીય દળોની હાજરીમાં જ ઉમેદવારો તથા કાર્યકરો પર હુમલા થઈ રહ્યા છે.

સાયોની ઘોષે વધુમાં આરોપ લગાવ્યો કે બંગાળમાં સસ્તી ભોજન યોજના 'મા કેન્ટીન' ને પણ નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે. તેમણે આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે બાઇક સવારો અશ્લીલ ગીતો વગાડીને મહિલાઓ અને પુરુષોને ધમકાવી રહ્યા છે. આ એ સોનાર બાંગ્લા નથી જેના માટે જનતાએ મત આપ્યા હતા. તેમણે મીડિયાની ભૂમિકા સામે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે આશા છે કે મીડિયામાં આ દ્રશ્યો બતાવવાની હિંમત હશે, પરંતુ તે પહેલાથી જ મૌન ધારણ કરી લેશે તેવું લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલની ચૂંટણી પ્રચાર દરમિયાન સાયોની ઘોષે મુસ્લિમ બહુલ વિસ્તારોમાં 'કાબા-મદીના' લોકગીત ગાઈને ભારે વિવાદ છેડ્યો હતો. અબ્દુલ રહેમાન બોયાતીનું આ ગીત ગાઈને સાયોનીએ રાજકીય ગરમાવો વધાર્યો હતો, જેના પગલે ભાજપે મમતા બેનર્જીની પાર્ટી પર ઘોર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 294 બેઠકોમાંથી 206 બેઠકો જીતીને બે-તૃતીયાંશ બહુમતી સાથે 15 વર્ષ જૂના ટીએમસીના શાસનનો અંત આણ્યો છે. ટીએમસી માત્ર 80 બેઠકો પર સમેટાઈ ગઈ છે.