Thu Apr 23 2026

Logo

નિખાર : સુંદર દેખાવા માટે વધારાની ચીજોનો ઉપયોગ કરશો નહીં

2026-04-23 08:59:00
Author: Zubayda Valiani
Article Image

- ઝુબૈદા વલિયાણી

મેકઅપ કરવાની કળા દરેક ભારતીય સ્ત્રીઓએ શીખી લેવી જોઈએ. આ સંદર્ભમાં શહેરના એક ડિઝાઈનર મેકઅપ કરવાની શોખીન સ્ત્રીઓને સલાહ આપે છે:

* મેકઅપ કરવો એ જો ન આવડતો હોય તો તે કરશો જ નહીં.

- ‘થોડાંક પ્રસાધનોનો જો તમારે ઉપયોગ કરવો હોય તો તે કેવી રીતે વાપરવાં, કેટલા પ્રમાણમાં વાપરવાં તે કોઈ નિષ્ણાત પાસેથી પહેલાં શીખી લો.

- મેકઅપનો ઉપયોગ કર્યા પછી પણ તમે જે દેખાવ ધારણ કરો તે કુદરતી લાગવો જોઈએ, કૃત્રિમ-બનાવટી નહીં અને આવી કળા તાલીમ લેવાથી હાંસલ-પ્રાપ્ત થાય છે અર્થાત્ કરી શકાય છે.

* ઘણીખરી મહિલાઓ મેકઅપની બાબતમાં વાનરવેડા (મન્કી મેકઅપ - અનુકરણ કરીને કરાયેલો મેકઅપ) કરે છે,

- પરંતુ તે માને છે કે નવી પેઢી મેકઅપની કળા શીખવાનો પ્રયત્ન શીખી રહી છે અને તેનાં આધુનિક વલણોથી માહિતગાર રહે છે, એટલું જ નહીં, પણ તેમાંથી પોતાને શું યોગ્ય લાગશે તેનો પણ ખ્યાલ રાખે છે.

- વ્હાલી લાડકી પૂર્તિની વાચકબહેન-દીકરીઓ!

* ખરી સમસ્યા તો 35 વર્ષ વટાવી ગયેલી મહિલાઓની બાબતમાં જ હોય છે. આવી આન્ટીઓ મેકઅપ શું ચીજ છે તે ખરેખર જાણતી નથી, તેથી ભૂત જેવા દેખાય તેવા ફાઉન્ડેશન ગાલ પર લાલ ધબ્બાઓ અને ભભકાદાર લિપ્સ્ટિકના ઉપયોગને તેઓ મેકઅપ કહે છે.

* યોગ્ય મેકઅપ ઉપરાંત

* સૌંદર્યવૃદ્ધિ માટે, * સુંદર દેખાવા માટે પરિધાન,

* વેશભૂષા, * કેશ સજાવટ,

* દાગીના અને * ઝવેરાતની પસંદગી,

* શારીરિક બાંધો, * હાથની સારસંભાળ,

* નખની માવજત,* કાંડામાં પહેરેલી ઘડિયાળથી માંડીને

* પગમાં પહેરેલાં પગરખાં એ બધી જ આનુષંગિક બાબતો (એક્સેસરિ) ઉપકારક નીવડે છે.

- આ બધી આનુષંગિકતા સુંદરતા વધારવામાં સાથ આપનારી વધારાની વસ્તુઓમાં દાગીના સૌથી વધારે અગત્યનો ભાગ ભજવે છે.

- નિ:શંકા ઝવેરાતનું આગવું મહત્ત્વ છે.

- ઝવેરાતની શોભા વધારવામાં યોગ્ય વસ્ત્રોની પસંદગી ઉપયોગી નીવડે છે.

- તેથી જ વસ્ત્રો અને અલંકારો જે આભૂષણોની જુગલ જોડી ગણવામાં આવે છે તેમની વાત સાચી છે.

- કપડાંની પસંદગી પણ ગમે તે ઝવેરાત મઢેલા દાગીના પહેરવાના હો તેની સાથે સુમેળ સાધે તેવી હોવી જોઈએ.

- દાગીના ક્યા પહેરવા એ દરેક નારીની વ્યક્તિગત પસંદગીની બાબત છે, પરંતુ ઝવેરાતવાળા દાગીનાઓ વધુ પ્રમાણમાં પહેરવાથી લોકોનું ધ્યાન તમારા સૌંદર્ય પ્રત્યે કેન્દ્રિત થવાના બદલે કીમતી ઝવેરાત તરફ કેન્દ્રિત થઈ જાય છે.

- સુંદર દેખાવા માટે જે વધારાની ચીજનો ઉપયોગ કરો છો તે જ મુખ્ય બની જાય છે. તેથી કીમતી રત્નજડિત દાગીનાઓ વધારે પ્રમાણમાં પહેરવા ના જોઈએ.

- જો તમે ભારે વસ્ત્રો પહેર્યા હોય તો સાદાં ઘરેણાં વધારે સારા લાગે છે, પરંતુ જો તમે ભવ્ય નેક્લેસ પહેરવાના હો તો સાદાં વસ્ત્રો પહેરવાં જોઈએ, જેથી તમારી જ્વેલરી (ઝવેરાતના દાગીના) પ્રત્યે સૌનું ધ્યાન ખેંચાય.

* સ્ત્રીઓને સૌથી વધુ મુશ્કેલી વસ્ત્રાભૂષણો ધારણ કરી લીધાં પછી પગમાં ક્યાં પગરખાં-પહેરવાં તે નક્કી કરવાની બાબતમાં નડે છે. ખાસ કરીને જે મહિલાઓ પાસે જુદાં જુદાં પ્રકારના પગરખાં હોય છે. તેમને સાડી કઈ પહેરવી, સરારો, ઘરારો, પટિયાલા જેવા વસ્ત્રો ક્યા પ્રકારના પહેરવા તે નક્કી કરવામાં જેટલો સમય નથી લાગતો તેનાથી વધુ સમય પગરખાં ક્યાં પહેરવાં તે નક્કી કરવામાં લાગી જાય છે.

- તેના કારણે જ કેટલીક મહિલાઓ ઠરાવેલા સમય કરતાં સમારંભોમાં મોડી પહોંચે છે.

- તમે રેશમી કાળો ડ્રેસ પહેર્યો હોય તેની સાથે રૂપેરી ચમકતાં સેન્ડલ સારાં લાગશે કે કાળા રંગના, ઊંચી એડીનાં સાંકડાં અણીદાર પગરખાં, તેનો તમે જલદીથી નિર્ણય કરી શકતાં નથી.

- એટલા માટે જ પગરખાં પહેરતાં પહેલાં તે પણ કેવાં અને કેવી સ્ટાઈલનાં પહેરવાં જોઈએ તે નક્કી કરવાનું કામ પણ તમારે જ કરવાનું રહે છે.

- આગળ કહ્યું તેમ સુંદર દેખાવા માટે વધારાની ચીજોનો ઉપયોગ મુખ્ય બની ન જાય તેનું ધ્યાન રાખજો.

હસગુલ્લા!

- બલવીરસિંહ: ‘યાર, તને તો ખબર છે, હું કેટલો બહાદુર છું. મારું નામ જ બલવીર છે, પણ મારી પત્ની એટલી ડરપોક છે કે તેને પાણીથી પણ ડર લાગે છે...!’

- ફટુવીરસિંહ: ‘અચ્છા... પણ એ કેવી રીતે?’

- બલવીરસિંહ: ‘યાર, ગઈકાલે ઘરે ગયો તો તે બાથરૂમમાં પણ સિક્યોરિટી ગાર્ડની સાથે બેઠી હતી...!’