હાલમાં સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં એક વીડિયોમાં ઉત્તર પ્રદેશના બરેલીમાં પ્રકૃતિનું એક એવું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું જેણે સૌના રુંવાડા ઉભા કરી દીધા છે. બુધવારે સાંજે આવેલા પ્રચંડ વાવાઝોડાએ અહીં આસપાસના વિસ્તારોમાં માત્ર તબાહી જ નથી મચાવી, પરંતુ એક એવી ઘટનાને જન્મ આપ્યો હતો કે જે કોઈ ફિલ્મી દ્રશ્યથી જરાક પણ ઓછી ઉતરતી નથી. વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળે છે કે ‘નન્હે’ નામનો એક શખ્સ પતરાના શેડ સાથે હવામાં રીતસરનો પતંગની જેમ 50 ફૂટ ઊંચે ઉડ્યો હતો. ચાલો જોઈએ શું છે આખી ઘટના વિસ્તારથી...
દેશમાં જ્યાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ઉત્તર પ્રદેશના બરેલીમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. બદલાયેલા હવામાન અને કાળાડિબાંગ વાદળો વચ્ચે તીવ્ર ગતિનો પવન ફૂંકાતા નાગરિકો પણ ચોંકી ઉઠ્યા હતા. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે જોતજોતામાં બધું જ વેરવિખેર થઈ ગયું હતું. આ દરમિયાન નન્હે મિયાં નામની વ્યક્તિ પોતાના સાથીઓ સાથે સામાન ઉતારીને એક ટીનશેડ નીચે આશરો લઈ રહ્યો હતો.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં નન્હે મિયાં આ ઘટના વિશે વાત કરતાં જોવા મળે છે. તેમણે જણાવ્યું હતું કે તેણે પવનથી બચવા માટે એક દોરડું અને ગાડીને મજબૂતીથી પકડી લીધા હતા. પરંતુ કુદરતના કહેર સામે મનુષ્યની તાકાત ટૂંકી પડી હતી અને પવનનું જોરદાર ઝાપટું આવતા જ દોરડું તૂટી ગયું અને નન્હે મિયાં ટીનશેડની સાથે હવામાં 50 ફૂટ ઊંચે ફંગોળાયો હતો. એ પતરા સાથે ઉડીને સીધો દૂર એક ખેતરમાં જઈ પટકાયો હતો.
મળતી માહિતી અનુસાર આ ભયાનક અકસ્માતમાં નન્હેનો હાથ તૂટી ગયો છે. હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેના હાથમાં રોડ નાખવામાં આવ્યો છે અને તે અસહ્ય પીડા સહન કરી રહ્યો છે. આ વાવાઝોડાએ માત્ર નન્હેને જ નિશાન નથી બનાવ્યો, પણ આખા બરેલીમાં હાહાકાર મચાવ્યો છે. અનેક વૃક્ષો ધરાશાયી થયા છે, મકાનોના છાપરા ઉડી ગયા છે અને વીજળીના થાંભલા પડવાથી અંધારપટ છવાઈ ગયો છે.