મીરપુરઃ બાંગ્લાદેશે અહીં મંગળવારે ઘરઆંગણે પાકિસ્તાન (Pakistan)ને ટેસ્ટ-મૅચમાં પરાજિત કરીને નવો ઇતિહાસ રચ્યો હતો. સિરીઝની પહેલી જ મૅચમાં બાંગ્લાદેશે (Bangladesh) પાકિસ્તાનને 104 રનથી હરાવીને ઘરઆંગણે પાકિસ્તાનને ટેસ્ટમાં પહેલી વખત હરાવવાની સિદ્ધિ મેળવી હતી. બે ટેસ્ટની સિરીઝમાં બાંગ્લાદેશે 1-0થી સરસાઈ મેળવી છે.
પાકિસ્તાને 2002માં બાંગ્લાદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી અને મંગળવાર પહેલાં આઠ ટેસ્ટમાંથી પાકિસ્તાને સાત ટેસ્ટ જીતી હતી અને એક ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી. જોકે નવમી ટેસ્ટ પાકિસ્તાન માટે પનોતી સાબિત થઈ.
જાણો, ટેસ્ટમાં શું બન્યું...
આઠમી મેએ મીરપુરમાં પાકિસ્તાનના કૅપ્ટન શાન મસૂદે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. બાંગ્લાદેશે કૅપ્ટન નજમુલ શૅન્ટોના 101 રન, મોમિનુલ હકના 91 રન અને મુશફીકુર રહીમના 71 રનની મદદથી રનનો ખડકલો કર્યો હતો. બાંગ્લાદેશના પહેલા દાવના 413 રનના જવાબમાં પાકિસ્તાન થોડું જ નબળું સાબિત થયું હતું. એક સેન્ચુરી અને ત્રણ હાફ સેન્ચુરીની મદદથી પાકિસ્તાને 386 રન બનાવ્યા અને બાંગ્લાદેશને માત્ર 27 રનની સરસાઈ મળી હતી. ખરો ખેલ બીજા દાવમાં શરૂ થયો હતો.
કૅપ્ટન શૅન્ટો (87 રન) અને મોમિનુલ (56 રન) ફરી ચમક્યા અને 9/240ના સ્કોર સાથે પાકિસ્તાનને 268 રનનો લક્ષ્યાંક આપી શકાયો હતો. બાંગ્લાદેશની બોલિંગ-તાકાત જોતાં પાકિસ્તાન માટે આ લક્ષ્યાંક મોટો હતો અને બન્યું પણ એવું જ. 250-પ્લસના ટાર્ગેટની નીચે પાકિસ્તાનની ટીમ પ્રેશરમાં આવવા લાગી અને 68 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આખી ટીમ 163 રનમાં આઉટ થઈ ગઈ હતી. અબ્દુલ્લા ફઝલ (66 રન)ને બાદ કરતાં બીજો કોઈ બૅટ્સમૅન 30 રન પણ નહોતો બનાવી શક્યો હતો.
નાહિદ રાણાની 40 રનમાં પાંચ વિકેટ
માંડ બે વર્ષથી ટેસ્ટ-ક્રિકેટ રમતા ફાસ્ટ બોલર નાહિદ રાણાએ પાકિસ્તાનની ટીમની બૅટિંગ લાઇન-અપનો ખુરદો બોલાવી દીધો હતો. નાહિદે માત્ર 40 રનમાં પાંચ વિકેટ લીધી હતી. પહેલા દાવમાં નાહિદને 104 રનમાં એક જ વિકેટ મળી હતી, પણ બીજા દાવમાં તેણે પાંચ વિકેટ લઈને પાકિસ્તાનની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો હતો.