Tue Aug 25 2026

Logo

બાબરામાં સુરાપુરાની ખાંભી બાબતે યુવકની હત્યાના કેસમાં 10 આરોપીઓની ધરપકડ

2026-05-10 21:46:06
Author: Devayat Khatana
બાબરામાં સુરાપુરાની ખાંભી બાબતે યુવકની હત્યાના કેસમાં 10 આરોપીઓની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ
અમરેલી જિલ્લાના બાબરામાં સુરાપુરાની ખાંભીઓ ઉખાડી નાખવાની શંકાના આધારે એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ચકચારી જગાવનાર ધટનામાં પોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી હતી. મોરબીના બેલા રંગપર ગામે રહેતા ભરતભાઈની હત્યા અંગે તેમના પત્નીએ બાબરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર, આશાબેનના પિયર પક્ષના જીલિયા પરિવારના સભ્યોને એવી શંકા હતી કે ભરતભાઈએ સુરાપુરાની ખાંભીઓ કાઢી નાખી હતી અને આ બાબતે અગાઉ ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.  

ફરિયાદની વિગતો અનુસાર, 7  મેના રોજ ભરતભાઈ મોરબી કોર્ટમાં કામ પતાવી પોતાની કારમાં બાબરા જવા નીકળ્યા હતા. આરોપીઓએ સમાધાન કરવાના બહાને તેમને બાબરા બોલાવી કાવતરું ઘડ્યું હતું. સાંજના આશરે ત્રણથી છ વાગ્યાના સમયગાળા દરમિયાન, કરીયાણા-જીવાપર રોડ પર સીમ વિસ્તારમાં આરોપીઓએ મૃતકની ગાડી આંતરીને જીવલેણ ઘા ઝીંકી તેમની હત્યા કરી નાખી હતી. જો કે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.  બાબરા પોલીસે આ મામલે કુલ 10 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં કિરણભાઈ મનુભાઈ જીલીયા, જગદીશભાઈ મુકેશભાઈ જીલીયા, મહેશભાઈ ભનુભાઈ જીલીયા, પરેશભાઈ મુકેશભાઈ જીલીયા, રોહિતભાઈ ધીરુભાઈ જીલીયા અને મયુર ભનુભાઈ જીલીયા સહિત અન્ય ચાર અજાણ્યા શખ્સોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.