હાલના સમયમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે અને આકરી ગરમીએ લોકોનું જીવવું મુશ્કેલ કરી દીધું છે. બપોરે તો જાણે સૂર્ય જ્યારે આગ ઓકતો હોય ત્યારે આપણું આંતરિક શારીરિક તંત્ર તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ તો કરે છે, પરંતુ તેની પણ એક મર્યાદા હોય છે. ગરમીને કારણે શરીરમાં ડિહાઈડ્રેશન અને થાક જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે, માનવ શરીર કેટલો તાપ સહન કરી શકશે તે માત્ર થર્મોમીટરના આંકડા પર નહીં, પરંતુ વાતાવરણમાં રહેલા હ્યુમિડિટી પર પણ નિર્ધારિત હોય છે.
શું છે શરીરની સહનશક્તિની મર્યાદા?
અહેવાલ મુજબ, માનવ શરીરનું સામાન્ય તાપમાન આશરે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જ્યારે બહારની ગરમી વધે છે, ત્યારે શરીર પરસેવા દ્વારા પોતાને ઠંડુ રાખવાનો પ્રયાસ કરે છે. જોકે, સંશોધનો દર્શાવે છે કે જ્યારે ગરમીની સાથે ભેજનું પ્રમાણ વધે છે, ત્યારે પરસેવો સુકાતો નથી અને શરીર ઠંડુ પડી શકતું નથી. વૈજ્ઞાનિકોએ 'વેટ-બલ્બ ટેમ્પરેચર'ની મર્યાદા 35 ડિગ્રી સેલ્સિયસ નક્કી કરી છે, જે માનવ સહનશક્તિની અંતિમ સીમા ગણાય છે.
શરીરના અંગો પર જીવલેણ અસર
જ્યારે ગરમી અસહ્ય બની જાય અને શરીરનું આંતરિક તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય, ત્યારે તેને 'હીટ સ્ટ્રોક' કહેવામાં આવે છે. આ સ્થિતિમાં હૃદય શરીરને ઠંડુ રાખવા માટે ચામડી તરફ લોહીને ઝડપથી પંપ કરવા લાગે છે, જેના પરિણામે બ્લડ પ્રેશર અચાનક ઘટી શકે છે. આ પ્રક્રિયામાં કિડની અને લિવર જેવા મહત્વના અંગોને પૂરતો ઓક્સિજન મળતો નથી, અને જો સમયસર સારવાર ન મળે તો અંગો ફેલ થવાનું જોખમ પણ વધી જાય છે.
ભેજ અને ગરમીનું જોખમી મિશ્રણ
અન્ય એક અહેવાલ અનુસાર, માત્ર લૂ લાગી જવી એ જ ખતરનાક નથી, પરંતુ ભેજવાળી ગરમી વધુ હેરાન કરી શકે છે. સૂકી ગરમીમાં પરસેવો વરાળ બનીને ઉડી જાય છે જે શરીરને ઠંડક આપે છે, પણ હ્યુમિડિટીમાં આ પ્રક્રિયા અટકી જાય છે. રિપોર્ટ અનુસાર, યુવાન અને સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ ભેજવાળા વાતાવરણમાં 31 ડિગ્રી સેલ્સિયસનું વેટ-બલ્બ તાપમાન જોખમી બની શકે છે.
(નોંધ: અત્રે આપવામાં આવેલી માહિતી માત્ર ટિપ્સ છે, જેનું મુંબઈ સમાચાર કોઈ પૃષ્ટી કરતું નથી.)