(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પૂર્વે સુરક્ષાના પગલાં રૂપે હાથ ધરવામાં આવેલી પ્રિમોન્સુન કામગીરી અંતર્ગત શહેરની કુલ 866 જેટલી ખાનગી જર્જરિત મિલકતોના ધારકોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બાંધકામ શાખાના ત્રણેય ઝોનમાં કરાયેલા સર્વે બાદ કુલ 886 મકાનો જોખમી હોવાનું જણાયું હતું, જેના પગલે તંત્રએ મિલકત ધારકોને ચોમાસું બેસે તે પહેલાં ભયજનક ભાગો દૂર કરવા અથવા યોગ્ય રિપેરિંગ કરાવી લેવા કડક આદેશ આપ્યા હતા; અત્યાર સુધીમાં આ કાર્યવાહીના ભાગરૂપે 202 મકાનોમાં મરામતની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી, જ્યારે બાકીની મિલકતોમાં વહેલી તકે સલામતી સુનિશ્ચિત કરવા તંત્ર દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી હોવાનુ સુત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ચોમાસામાં ભારે વરસાદની સ્થિતિમાં પૂર સહિતની સંભવિત કટોકટીને પહોંચી વળવા જિલ્લામાં દરેક તાલુકા માટે એક નાયબ કલેક્ટર મળીને કુલ 12 અધિકારીઓને ખાસ ફરજ સોપવામાં આવી છે, તથા વાવાઝોડા કે ભારે વરસાદની ચેતવણીના સંજોગોમાં તમામ સ્ટાફને ફરજના સ્થળે જ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલી પ્રિ-મોન્સૂન પ્રિપેર્ડનેસની બેઠકમાં વિવિધ વિભાગોને ચોમાસામાં બચાવ અને સ્થળાંતર માટે આગોતરી તૈયારીઓ કરી રાખવા સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા પાણીના વહેણને અવરોધતા હોય તેવા દબાણો વહેલાસર દૂર કરી નાંખવા ઉપરાંત ભૂતકાળમાં જ્યાં-જ્યાં પાણી ભરાવાની સમસ્યાઓ થઈ હોય, તેવા કેસોનો અભ્યાસ કરીને ત્યાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે પ્રકારે કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. તે ઉપરાંત જર્જરિત થાંભલાઓ, ઊંચા બિલ્ડિંગ પર લાગેલા જર્જરિત અને જોખમી હોર્ડિંગ્સ વગેરેને સમયસર દૂર કરવા સૂચના આપી હતી. પશુમૃત્યુ કે માનવમૃત્યુના કિસ્સામાં પોસ્ટમોર્ટમ સહિતની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને, સહાયની રકમ અસરગ્રસ્તોને વહેલાસર ચુકવવા જણાવાયું હતું.