Mon Oct 05 2026

Logo

ગીર સફારીમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? સોશિયલ મીડિયા પર વિવાદ બાદ વન વિભાગે આપી સ્પષ્ટતા

2026-05-10 20:11:00
Author: Devayat Khatana
ગીર સફારીમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા? સોશિયલ મીડિયા પર વિવાદ બાદ વન વિભાગે આપી સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
જૂનાગઢઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહની તાજેતરની ગીર નેશનલ પાર્કની મુલાકાત સોશિયલ મીડિયા પર વિવાદ અને ચર્ચાનું કેન્દ્ર બની હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં તે જંગલ વિસ્તારમાં પોતાની સફારી ગાડીની બહાર ઊભેલી જોવા મળી હતી અને તેની આસપાસ પોલીસ અધિકારીઓ પણ નજરે પડતા હતા. આ દ્રશ્યો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર વન વિભાગના નિયમોના ભંગ અંગે સવાલો ઊભા થયા હતા.

મળતી વિગતો અનુસાર, વાયરલ વીડિયોમાં રકુલ પ્રીત સિંહ પ્રતિબંધિત જંગલ વિસ્તારમાં ગાડીની બહાર નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે અભયારણ્યની અંદર સફારી દરમિયાન ગાડીમાંથી નીચે ઉતરવાની સખત મનાઈ હોય છે. 

જોકે, આ વીડિયો સાથે એવી કેપ્શન પણ શેર કરવામાં આવી હતી કે, આ વીડિયો કેમ્પસ ગેટની બહારનો છે અને પ્રતિબંધિત વિસ્તારનો નથી. વિવાદ વધતા સાસણ-ગીરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) અને રકુલ પ્રીત સિંહની ટીમ દ્વારા સંયુક્ત રીતે સ્પષ્ટતા જાહેર કરવામાં આવી હતી. વન વિભાગે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી સ્પષ્ટ કર્યું હતું કે, વાયરલ વીડિયો સાસણ અભયારણ્યના એન્ટ્રી પોઈન્ટની બહારનો છે.

ડીસીએફે જણાવ્યું હતું કે,"દરેક અભયારણ્યમાં પ્રવાસીઓ માટે એક નિયત એન્ટ્રી પોઈન્ટ હોય છે. વાયરલ થયેલો વીડિયો આ પ્રવેશદ્વારની બહાર શૂટ કરવામાં આવ્યો હતો. વન વિભાગના નિયમો મુજબ એકવાર અભયારણ્યની અંદર પ્રવેશ્યા પછી કોઈને પણ સફારી વાહનમાંથી બહાર નીકળવાની મંજૂરી હોતી નથી, પરંતુ આ કિસ્સો પ્રતિબંધિત ઝોનની બહારનો હોવાથી કોઈ નિયમનું ઉલ્લંઘન થયું નથી." 

આમ, વન વિભાગે સ્પષ્ટ કર્યું હતું કે અભિનેત્રી પ્રતિબંધિત વિસ્તારમાં ગઈ જ નહોતી અને વીડિયોમાં દેખાતી જગ્યા જાહેર વિસ્તારમાં આવતી હોવાથી કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી.