Sat Sep 05 2026

Logo

ફરજમાં બેજવાબદારી બદલ બાબા સિદ્દીકીના બૉડીગાર્ડની પોલીસ દળમાંથી હકાલપટ્ટી

2026-05-10 17:44:02
Author: Yogesh C. Patel
ફરજમાં બેજવાબદારી બદલ બાબા સિદ્દીકીના બૉડીગાર્ડની પોલીસ દળમાંથી હકાલપટ્ટી

મુંબઈ: બાન્દ્રામાં ગોળીબાર કરી હત્યા કરવામાં આવેલા એનસીપીના ભૂતપૂર્વ નેતા બાબા સિદ્દીકીના બૉડીગાર્ડને પોલીસ દળમાંથી પાણીચું આપવામાં આવ્યું હતું. ફરજમાં બેજવાબદારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

બાન્દ્રામાં વિધાનસભ્ય પુત્ર ઝીશાન સિદ્દીકીની ઑફિસ બહાર ત્રણ હુમલાખોરે કરેલા ગોળીબારમાં 66 વર્ષના બાબા સિદ્દીકીનું મૃત્યુ થયું હતું. આ હુમલો 12 ઑક્ટોબર, 2024ની રાતે લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા કરવામાં આવ્યો હતો.

મુંબઈ પોલીસના પ્રોટેક્શન ઍન્ડ સિક્યોરિટી બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શ્યામ સોનાવણેને તે સમયે બાબા સિદ્દીકીના બૉડીગાર્ડ તરીકેની ડ્યૂટી સોંપાઈ હતી. તપાસ એવું સૂચવે છે કે સોનાવણેનું વર્તન બેજવાબદાર અને બેદરકારીભર્યું હતું, જેને લઈ અગાઉ તેને સસ્પેન્ડ પણ કરાયો હતો.

આ પછી તેને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં તેને સેવામાંથી શા માટે દૂર ન કરવો જોઈએ, એવું પૂછવામાં આવ્યું હતું. બીજી મેના રોજ સોનાવણેને સેવા સમાપ્તિની સજા સ્વીકારી હતી, જે પછી હવે તેને વિધિસર રીતે સેવામાંથી દૂર કરાયો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)