અયોધ્યાઃ રામ મંદિરમાં આવતા દાનની ચોરીના કેસમાં અયોધ્યા પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ પોલીસે કાયદેસરના પગલાં લીધા છે. પૂછપરછનો ધમધમાટ શરૂ થયા બાદ પણ SITના કેટલાક અધિકારીઓને અમુક પદાધિકારીઓ પર આશંકા છે. આ સમગ્ર વિવાદને કારણે રામ મંદિર ટ્રસ્ટના મહાસચીવ ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. હવે તપાસમાંથી વિગત એવી મળી રહી છે કે, દાનચોરી કેસના આરોપી ટિનુ યાદવની એક હોસ્ટેલમાંથી ₹20 લાખની કેશ મળી છે. અયોધ્યા શહેરના દુર્ગાપૂરી વિસ્તારમાં આવેલી એક કૉલોનીમાંથી આ રકમ જપ્ત કરવામાં આવી છે.
પોલીસે હોસ્ટેલની તપાસ કેમ કરી?
પોલીસે ધરપકડ કર્યા બાદ ટીનુ યાદવ સાથે ટીમ એની એક હોસ્ટેલ સુધી પહોંચી હતી. અહીંયાથી રોકડ મળી આવતા અનેક આશંકાઓ વિશ્વાસમાં ફેરવાઈ ચૂકી છે. રામ મંદિરમાં થયેલી દાન ચોરીના કેસમાં SITએ રિપોર્ટ જમા કરાવ્યા બાદ ધરપકડનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં હવે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. હકીકત એવી પણ છે કે, જ્યાં દાનની ગણતરી કરવામાં આવતી અને જે લોકોને આ જવાબદારી સોંપવામાં આવતી એના યુનિફોર્મમાં ક્યાંય ખિસ્સા નથી. તો પછી આટલી મોટી રકમની ચોરી થવી શક્ય કેવી રીતે છે? ₹10 કરોડનો ખર્ચો સિક્યોરિટી પાછળ કરવામાં આવ્યો છે જ્યાં દાનની ગણતરી થાય છે ત્યાંથી ફૂટેજની કેટલીક ક્લિપ ગાયબ કરી દેવામાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ટીનુ યાદવ અને તેના ભત્રીજા મનીષ પાસેથી પોલીસે ₹23 લાખની કેશ જપ્ત કરી લીધી છે. આ તપાસ માત્ર ચોરી કરનારા વ્યક્તિઓ સુધી જ સિમિત નથી.
અનેક સવાલના જવાબ મળવાના બાકી
SITની તપાસમાં મંદિરની સુરક્ષા અને મોનિટરિંગ સિસ્ટમ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. મામલો ગંભીર એટલો છે કે, સમગ્ર સિક્યોરિટીમાં અને કર્મચારીઓમાં કેટલાક સ્ટાફ પર આશંકાની સોઈ અટકેલી છે. સૂત્રના જણાવ્યા અનુસાર વાયરલેસ વિભાગમાં રેડિયો મેઈન્ટેનન્સ ઓફિસર અર્જુન દેવની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવી ગઈ છે. મંદિરની વાયરલેસ સિસ્ટમ, સીસીટીવી મોનિટરિંગ, નોટની ગણતરી વાળા રૂમની મોનિટરિંગ સિસ્ટમ આ તમામ વસ્તુની જવાબદારી એને સોંપવામાં આવી હતી.તપાસ એજન્સી એ કડી શોધવાનો પ્રયાસ કરી રહી છે કે,સુરક્ષા વ્યવસ્થામાં છીંડુ ક્યાં છે અથવા કોની બેદરકારી અંતર્ગત આ ચોરી થઈ. ક્યા જવાબદાર અધિકારીએ પોતાની જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવી નથી. રામ જન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં FIR રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્ય કૃષ્ણ મોહનના કહેવા પર કરવામાં આવી છે.
આઠ સિવાય પણ બીજા આરોપીઓ
આ ફરિયાદમાં આરોપ એવા લગાવવામાં આવ્યા છે કે, આ એક ષડયંત્ર છે. ચોરી એક દિવસનો ખેલ નથી. પૈસાની ગણતરી કરતી વખતે કેશ ચોરવાના અને સોના-ચાંદીના દાગીના ચોરવાના પ્લાનને અંજામ આપવામાં આવ્યો છે. FIRમાં આઠ વ્યક્તિઓ ઉપરાંત અન્ય પણ કેટલાક લોકોના નામ છે. આ કેસની તપાસ ચાલું છે. પોલીસ તપાસ અને SITની તાપસમાં કેટલાક પદાધિકારીઓ પણ શંકાના દાયરામાં છે. પુરાવા જોડીને પોલીસ કઈ મોડર ઑપરેન્ડી અપનાવી હશે એ અંગે તપાસ કરી રહી છે. આ કેસમાં તપાસ માટે અયોધ્યાની એક કૉલોનીમાં પહોંચેલી પોલીસે જણાવ્યું હતું કે, આ કેસમાં ટીનુ યાદવ તથા એના ભત્રીજા મનીષ યાદવ પાસે આશરે ₹23 લાખની કેશ જપ્ત થઈ છે. ₹20 લાખ એક હોસ્ટેલના રૂમમાંથી મળ્યા છે.અન્ય બાકીની રકમ અન્ય જગ્યા પરથી જપ્ત થઈ છે. પોલીસ તપાસ ચાલું છે અને વધુ વિગત સામે આવશે ત્યારે અન્ય મુદ્દા જાહેર કરાશે.
દાન પેટીની ચાવી કોની પાસે હતી?
પોલીસ હાલમાં ટીનુ યાદવની પૂછપરછ કરી રહી છે. અયોધ્યાની દુર્ગાપુર કૉલોનીમાં આવેલી હોસ્ટેલ ટીનુ યાદવ ચલાવતો હતો. પોલીસની હાજરીમાં સમગ્ર હોસ્ટેલની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન કેશ મળી આવી હતી. આ કેશ ક્યાંથી આવી, કોની પાસેથી મળીને અહીંયા સુધી પહોંચી અને આટલી કેશનું શું કરવાનું હતું એ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. ટીનુની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.આ સમગ્ર તપાસ વખતે ટીનું પણ હોસ્ટેલ પાસે હાજર રહ્યો હતો.પોલીસે હજુ સુધી કોઈ આરોપીના રીમાન્ડ માગ્યા નથી. આ તપાસમાંથી રામ મંદિરમાં દાનની ગણતરી વખતે જે બેંક સ્ટાફ હતો એ બેંક કર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં આ કર્મચારીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી.ટીનુ યાદવ ડ્રાઈવરનું કામ કરતો હતો. સુભાષ શ્રીવાસ્તવ દાન ગણતરી કમિટીનો ઈન્ચાર્જ હતો. ટીનુ યાદવ પાસે દાન પેટીની ચાવી રહેતી હતી.