Thu May 21 2026

Logo

બંને બહેનો વચ્ચે અબોલા રહ્યા પણ લતાજી અને આશાતાઇનાં નિધનમાં સર્જાયો અનોખો સંયોગ?

2026-04-12 22:18:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલીવુડના દિગ્ગજ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે અવસાન થયું છે. નિધન બાદ, બોલીવુડ કોરિડોરથી લઈને રાજકીય ક્ષેત્ર સુધી, સમગ્ર મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. લતા મંગેશકર પછી તેઓ મંગેશકર પરિવારના એક મોટા મોભી તરીકે હતા. આશા ભોંસલે અને લતા મંગેશકરના નિધન અંગે એક નોંધપાત્ર સંયોગ ઊભરી આવ્યો છે.

ગાયિકીમાં સામ્યતા પણ ઝોન અલગ હતા
આશા ભોંસલે લતા મંગેશકરની નાની બહેન હતી.બન્નેની ગાયિકીમાં એક સામ્યતા જોવા મળી હતી પણ બન્નેના ઝોન એકબીજાથી ખૂબ જ અલગ હતા.
બન્ને બહેનોએ એટલા ભવ્ય ગીતો ગાયા કે તેમને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે. આ બે બહેનોના નિધન ઉપર પણ સંયોગ વિશે બહુ ઓછા લોકો જાણતા હશે.લતા મંગેશકરનું ફેબ્રુઆરી 2022 માં અવસાન થયું, તે સમયે તેમની ઉંમર 92 વર્ષની હતી. આશા ભોંસલેએ પણ 92 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા. આમ બન્ને બહેનોએ ધરતી પરથી 92 વર્ષની ઉંમરે વિદાય લઈ લીધી. 

ઉંમર વચ્ચે ચાર વર્ષનો તફાવત
લતાજી અને આશાજીની ઉંમર વચ્ચે પણ ચાર વર્ષનો ગેપ છે. લતાજીનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો જ્યારે આશાજીનો જન્મ તા.8 સપ્ટેમ્બર 1933ના રોજ થયો હતો. લતાજી અને આશાજી વચ્ચેની કડવાશના વાવડ પણ ખૂબ ચર્ચામાં રહ્યા. આ પાછળનું કારણ આશાજીના ગણપત રાવ સાથે લગ્ન માનવામાં આવે છે. ગણપત રાવ લતાજીના સેક્રેટરી હતા. તેમણે પરિવારની વિરૂદ્ધમાં જઈને લગ્ન કર્યા હતા. આ કારણે લતાજી અને આશાજી વચ્ચે વર્ષો સુધી અબોલા રહ્યા. આર.ડી.બર્મનના પ્રયાસથી બન્ને બહેનોના સંબંધો સુધર્યા.

આ પણ નોંધવા જેવો રેકોર્ડ
પછીથી આશાજીએ આર.ડી.બર્મન સાથે લગ્ન કરી લીધા. પોપ્યુલારિટીની વાત કરવામાં આવે તો લતાજી અને આશાજીનો એક અલગ વર્ગ હતો. બન્ને વચ્ચે ફેન્સ ભલે કોમન હોય પણ સંગીતના ઝોન ઘણા અંશે અલગ પડી રહ્યા હતા. ગાયનમાં અખતરા કરવાની વાત આવે ત્યારે આશાજી કાયમ એક રિસ્ક લેતા. લતાજી જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમણે પોતાના ઝોન છડ્યા નથી માત્ર ગાયિકીમાં ફેરફાર કર્યા.લતાજીને સ્વર કોકિલા કહેવામાં આવ્યા પણ આશાજીના નિધન વખતે એમને લોકોએ જ સ્વર સામગ્રી કે સંગીત સામગ્રી નામ આપી દીધું. આશાજીને લતાજીના નાના બહેનના દ્રષ્ટિકોણથી નહીં પણ લાગણીના સંબંધોથી સંગીતકારો આશાતાઈ કહેતા. સૌથી વધારે રેકોર્ડેડ ગીત ગાવાનો રેકોર્ડ પણ લતાજી નહીં આશાજીના નામે છે.