Thu Apr 30 2026

Logo

આશા ભોસલેનો અંતિમ વીડિયો: સફેદ સાડી અને હસતા ચહેરે જોવા મળ્યા હતા 'તાઈ'

2026-04-12 20:20:32
Author: Mumbai Samachar Team
Article Image

Legendary singer Asha Bhosle


મુંબઈઃ બોલીવુડના લિજેન્ડરી ગાયિકા આશા ભોસલેના નિધનથી દુનિયાભરના સંગીતપ્રેમીઓને સૌથી મોટો આંચકો લાગ્યો છે. ચાહકોમાં 'તાઈ' (મોટી બહેન) તરીકે ઓળખાતા આશા ભોસલે ૯૨ વર્ષની ઉંમરે પણ યુવાન જેવો તરવરાટ ધરાવતા હતા. તેઓ ઘણા કાર્યક્રમોમાં હાજરી આપતા હતા. તેમની પૌત્રી જનાઈ હંમેશાં તેમની સાથે રહેતી હતી. 

આશા ભોંસલે છેલ્લે ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નમાં જોવા મળ્યા હતા. તેમણે ખૂબ જ આનંદપૂર્વક લગ્નમાં હાજરી આપી હતી. હંમેશની જેમ, તેઓ સુંદર સફેદ સાડી, મોતીનો હાર અને વાળમાં એક મોટું ફૂલ લગાવીને જોવા મળ્યા હતા. તેમના હસતા ચહેરાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આશા તાઈએ મીડિયા સામે હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું. તેમનો આ છેલ્લો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશા ભોંસલેએ અત્યાર સુધીમાં તેમની કરિયરમાં બાર હજારથી વધુ ગીતો ગાયા છે. આશા તાઈને પદ્મ વિભૂષણ, મહારાષ્ટ્ર ભૂષણ, ફિલ્મફેર, મહારાષ્ટ્ર સરકારના 15થી વધુ પુરસ્કાર અને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર જેવા ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાહરુખ સાથે પણ જોવા મળ્યા
આશા તાઈની અણધારી વિદાયને સેંકડો સેલિબ્રિટીઝે દુખ વ્યક્ત કર્યું છે, ત્યારે શાહરુખ ખાન સાથે આશાતાઈનો એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આશા ભોસલે સાથે 2023માં ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ મેચ એન્જોય કરતા જોવા મળ્યા હતા. વાયરલ વીડિયોમાં શાહરુખ આશાજી સાથે હસતા-બોલતા જોવા મળે છે. થોડા સમય પછી આશાતાઈના પીધેલા ચાના કપને ઊચકીને જાય છે. એ વખતે આશાજી અને જનાઈએ પણ શાહરુખને કપ ઊઠાવીને નહીં જવાની વિનંતી કરે છે. આ મેચ જોતી વખતે શાહરુખની બાજુમાં આઈસીસી અધ્યક્ષ જય શાહ પણ ઉપસ્થિત હતા. શાહરુખનો આ જેસ્ચર લોકોને વિશેષ પસંદ પડ્યો હતો. પોતાના વરિષ્ઠોને સુપરસ્ટાર હોવા છતાં સન્માન આપવું જોઈએ, જે કિંગ ખાન પાસેથી શીખવું જોઈએ એમ પણ લોકોએ જણાવ્યું હતું.