કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 7)
નામ: અરુંધતિ રૉય
સમય: 2026
સ્થળ: દિલ્હી
ઉંમર: 64 વર્ષ
મૅરી રૉયની હોસ્ટેલ ચાલવા લાગી. પહેલાં એનું નામ કોર્પસ ક્રિસ્ટી હતું. પછીથી એનું નામ પલ્લીકુદુમ કરવામાં આવ્યું. મૅરી રૉયની ભણાવવાની પદ્ધતિ અને અનુસાશનની ખ્યાતિ બધે પહોંચી ગઈ હતી. બાળકો વધવા લાગ્યા અને મોટી જગ્યાની જરૂર પડી. હવે બાજુનું મકાન પણ ભાડે રાખવામાં આવ્યું. રૂમમાં બંકર બેડ બનાવવામાં આવ્યા. ભોજન માટે એક ત્રીજું, નાનું મકાન ભાડે રાખવામાં આવ્યું. જ્યાં માત્ર રસોડું ચાલતું-અનાજ સ્ટોર કરવામાં આવતું. ભોજન ત્યાંથી બનીને બંને હોસ્ટેલ પર પહોંચતું. વિદ્યાર્થીઓના જમવાના નિશ્ચિત સમય હતા. એની આગળ કે પાછળના સમયે ભોજન મળતું નહીં.
રૂમમાં કોઈ પણ પ્રકારના નાસ્તા કે ઘરેથી લાવેલું ખાવાનું રાખવાની છૂટ નહોતી. મૅરી રૉય સખત સ્વભાવ ધરાવતી, અનુસાશનપ્રિય અને આખાબોલી સ્ત્રી હતી. એ જ્યારે ગુસ્સે થતી ત્યારે એને ખબર ન પડતી કે એ શું બોલી રહી છે. મારો અને મૅરી રૉયનો સંબંધ સમય સાથે બગડતો ચાલ્યો. હું સામે બોલતી, ગુસ્સો કરતી, એની વાત ન માનીને મને એક અજબ જેવા સુખનો અનુભવ થતો. એના અનુસાશનમાં મને હિટલરશાહીની ઝલક દેખાતી. મારો ભાઈ એનું બધું કહ્યું માનતો, તેમ છતાં એને માર પડતો. હું મૅરીને કહેતી, તારી જિંદગીમાં તારા પતિ કે તારા ભાઈએ કરેલા ગુનાનો બદલો તું તારાં સંતાન પર લે છે... મેરી વધુ ચિડાતી. એ વારે વારે કહેતી હું તને ઘરમાંથી કાઢી મૂકીશ.
એક દિવસ મેં જ નક્કી કરી લીધું, દિલ્હીની સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચરમાં ઍડ્મિશન લઈ લીધું. મૅરીએ ગુસ્સામાં મને પૈસા આપવાની ના પાડી. એનું માનવું હતું કે મારે એની પરમિશન લઈને ઍપ્લાય કરવું જોઈતું હતું. મૅરીને દુ:ખ થાય એ વાતમાં મને મજા પડતી હતી... આજે વિચારું છું તો સમજાય છે કે મારી અંદર રહેલી એક વિદ્રોહી છોકરીના ગુસ્સા સિવાય એ બીજું કંઈ નહોતું. ત્રણ વર્ષની ઉંમરથી શરૂ કરીને સત્તર વર્ષની ઉંમર સુધી હું માનતી હતી કે મારી મા આપખુદ છે, ધાર્યું કરે છે, બીજાની પરવાહ કરતી નથી, પરંતુ હવે સમજાય છે કે એ જીદ નહોતી, આત્મસન્માન હતું.
આવા પૈતૃક સમાજમાં એક સ્ત્રી જો પોતાના અધિકાર માટે અવાજ ન ઉઠાવે તો એનું કોઈ મૂલ્ય રહેતું નથી. સાથે જ, સ્ત્રીએ ઉઠાવેલો અવાજ એટલો મોટો હોવો જોઈએ કે પુરુષોના ટોળાની આરપાર નીકળી જાય! ત્યારે મને આ વાત સમજાતી નહોતી. આજે હું મૅરી રૉયની લાગણી અને એના સમયમાં એ કેટલી મજબૂત સ્ત્રી હતી એ સમજી શકું છું.
દિલ્હી પહોંચ્યા પછીનો સમય કંઈ બહુ સારો નહોતો. કેરાલાનાં વિશાળ મેદાનોને બદલે નાની-નાની ગલીઓ, ટ્રાફિક, ગરમી અને સૌથી મહત્ત્વનો પ્રશ્ર્ન, મારી એકલતા અને લઘુતાગ્રંથિ. સ્કૂલ ઑફ પ્લાનિંગ અને આર્કિટેક્ચરના સ્ટુડન્ટ્સ સાથે મારી દોસ્ત ન થઈ શકી. હું એકલવાયી અને અધૂરી ભટક્યા કરતી હતી. મૅરી રૉય પાસેથી પૈસા લેતી નહોતી, એટલે ઝૂંપડપટ્ટીમાં અને અસ્થાયી નિવાસમાં રહીને દિવસો વિતાવ્યા. ક્યારેક કોઈ મિત્રને ત્યાં આઠ-દસ દિવસ રહેવા જતી રહેતી તો ક્યારેક દિવસોના દિવસો સુધી દિલ્હીની ધર્મશાળામાં એક બૅગ અને એક થેલો લઈને ભટક્યા કરતી.
સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચર એક અરાજકતાથી ભરપૂર જગ્યા હતી. મૅરી રૉયની હોસ્ટેલથી વિરુદ્ધ અહીં કોઈ નિયમો નહોતા. સ્ટુડન્ટ્સ મોડી રાત્રે પણ કૉલેજમાં કામ કરતા. ક્લાસ સિવાયના સમયે ગમે ત્યારે આવી અને જઈ શકાતું. કેટલાય સ્ટુડન્ટ્સ એકબીજાના અફેરમાં હતા, જે ‘રિલેશનશિપ’ હતી પ્રેમ નહીં!
કેરળની બંધ, જગડાળુ, પારીવારિક દુનિયામાંથી નીકળીને હું બૌદ્ધિક ચર્ચાઓ, રાજનીતિક બહેસ, કલા-સાહિત્ય, ફ્રી સેક્સ અને હિપ્પી જેવી જિંદગીના એક એવા વિશ્વમાં પહોંચી ગઈ જ્યાં રહેવા માટે હું મારી જાતને ફિટ નહોતી સમજતી. આ માત્ર ભણવાની જગ્યા નહોતી, પરંતુ એક પ્રકારનો બૌદ્ધિક અડ્ડો હતો. કલા, રાજનીતિ, થિયેટર, સિનેમા, વિદ્રોહ, ગરીબી અને આઝાદી સહિત અહીં એ બધું હતું જે મેં કેરળમાં જોયું પણ નહોતું... અહીં કોઈ મારા જેવું નહોતું!
એ દરમિયાન મને એક મારા જેવો જ બીજો છોકરો દેખાયો. એ ગોવાથી આવ્યો હતો. એ પણ અહીંના વાતાવરણમાં ગોઠવાઈ શકતો નહોતો. હિપ્પી જેવાં કપડાં પહેરીને એ ફર્યા કરતો. અમારી ઓળખાણ કે દોસ્તી બહુ ફિલ્મી નહોતી. અમે એકબીજાને મળ્યા, વાતો કરવા લાગ્યા, અમને સમજાયું કે અમારી વચ્ચે બહુ બધું એક જેવું હતું. પારિવારિક વાતાવરણ, એકલતા, વિદ્રોહ જેવી કેટલીયે બાબતોમાં અમે એકમત હતા. અમારા બંને પાસે કોઈ સ્થાયી સંબંધ કે પાછા ફરવાની કોઈ જગ્યા નહોતી... અમે ધીમે ધીમે નજીક આવ્યા. એકવાર હું જેરાર્ડને કેરળ લઈ ગઈ. મૅરી, મામા આઈઝેક અને અમારા ગામના કેટલાય લોકોએ જેરાર્ડને કોઈ ઝૂમાંથી ભાગી આવેલા પ્રાણીની જેમ જોયો.
મારી માએ મને કહ્યું, આની સાથે લાંબું નહીં ચાલે... મેં એ જ વખતે નક્કી કરી લીધું કે હું જેરાર્ડ સાથે લગ્ન કરીશ. અમે બંને ભણતાં હતાં. બેમાંથી કોઈ પાસે પરિવાર ચલાવવાના કે એક સારી જિંદગી જીવી શકવાના કોઈ ચાન્સ નહોતા. દિલ્હી પાછા ફરીને અમે લગ્ન કરી લીધાં. અમે બંને એટલાં નાનાં હતાં કે જિંદગીની સમજ આવે એ પહેલાં તો અમે પતિ-પત્ની હતાં! હું એને લગ્ન કહું કે નહીં, એવો પણ હવે તો વિચાર આવે છે.
પૈસાની તકલીફ, નાના ઓરડાનાં ઘરો, બરસાતી કે મિત્રોના ઘરે રહીને અમે થાકવા લાગ્યાં. ત્યાં સુધીમાં શિક્ષણ પણ પૂરું થયું. અમે બંને ખૂબ સારા માર્કે પાસ થયાં પછી અમે ગોવા જવાનો નિર્ણય કર્યો. ત્યાં જેરાર્ડ પાસે નાનું પારિવારિક ઘર હતું. અમે ત્યાં સંસાર શરૂ કર્યો એમ કહું તો ચાલે, પણ ખૂબ ઝડપથી અમને બંનેને સમજાઈ ગયું કે સમાજ સામે, પરિવાર સામે વિદ્રોહ કરવા માટે કરેલાં આ લગ્ન અમારા બંને માટે બોજ હતાં. અમે નાની નાની વાત પર ઝઘડતાં. જેરાર્ડ પ્રમાણમાં શાંત હતો, પરંતુ મારામાં મૅરી રૉયનો ડીએનએ હતો. હું ક્યારેક એટલી બધી ગુસ્સે થતી કે જેરાર્ડને ઘરમાંથી બહાર કાઢીને બારણાં બંધ કરી દેતી.
એ આખી રાત ઓટલા પર પડ્યો રહેતો તો ક્યારેક હું એને કહ્યા વગર ઘરમાંથી ચાલી જતી. મને શોધવા માટે એ મિત્રોને ત્યાં, બાર્સ અને રેસ્ટોરન્ટ્સમાં ભટકતો. અમે પૈસા કમાવા માટે ઘરમાં જ એક બેકરી શરૂ કરી. જેરાર્ડ બહુ સારો બેકર હતો. અમે બ્રેડ અને કેક બનાવીને વેચતાં, પરંતુ આ લગ્ન કોઈ રીતે ટકી શકે એમ નહોતાં એવું અમને બંનેને સમજાઈ ગયું હતું. રાહ જોવાતી હતી કે પહેલાં કોણ આ લગ્ન તોડવાની વાત કરે છે!
મારામાં ધીરજ ઓછી છે, બલ્કે છે જ નહીં એમ કહું તો ચાલે. એટલે એક દિવસ મેં જ જેરાર્ડને કહી દીધું, મારે ચાલી જવું છે. જેરાર્ડે જરાક પણ અચકાયા કે ગુસ્સે થયા વગર મને કહ્યું, ભલે.
હું ગોવા છોડીને નીકળી ગઈ. કેરાલા નહોતું જવું એવું નક્કી હતું. ક્યાં જઈશ એની મને નહોતી ખબર. તેમ છતાં હવે જેરાર્ડ સાથે નહીં રહેવાય એ પણ સ્પષ્ટ થઈ ચૂક્યું હતું.
નોંધ: જેરાર્ડ દા કુન્હાનું વ્યક્તિત્વ અરુંધતિ રૉય કરતાં ઘણું અલગ હતું. શાંત, કલાત્મક, બોહેમિયન સ્વભાવ ધરાવતા અને ગોવાની સંસ્કૃતિ સાથે ખૂબ ઊંડાણથી જોડાયેલા તેઓ, એવા આર્કિટેક્ટ્સમાંથી એક છે જેમને ફક્ત આધુનિક ચમકદાર ઇમારતોમાં જ રસ નથી, બલ્કે જૂનાં ઘરો, સાંકડા રસ્તાઓ, ટાઇલ્સ, ઓટલાઓ, વરસાદ માણી શકાય એવી ગૅલેરીઓ અને લોકોની સ્મૃતિઓ સાથે જોડાયેલાં જૂનાં ઘરોને એમણે સાચવવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે ગોવામાં અનેક મહત્ત્વપૂર્ણ આર્કિટેક્ચરલ પ્રોજેક્ટ્સ કર્યા. તેમના કામનું મુખ્ય કેન્દ્ર અથવા વિચાર એ હતો કે ઘર સ્થાનિક હવામાન, લોકલ માટી અને લોકલ સંસ્કૃતિને અનુરૂપ બનવું જોઈએ. ગોવાનો પવન, ભારે વરસાદ અને ગોવન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને એમણે અનેક ઘરો ડિઝાઇન કર્યાં. તેઓ ગોવાન હાઉસના આત્માને જાળવી રાખવા વિશે સજાગ હતા. તેમણે લેખન પણ કર્યું. તેમનાં પુસ્તકો અને ડિઝાઇન્સ ગોવાની વારસાગત સંસ્કૃતિ અને સ્થાપત્ય પર આધારિત છે. તેઓ માત્ર આર્કિટેક્ટ નહીં, પરંતુ કૈંક અંશે સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષક તરીકે પણ કામ કરતા રહ્યા છે.
પછીથી એમણે નિશા ડિકોસ્ટા સાથે લગ્ન કર્યાં. એ એક એજ્યુકેશનિસ્ટ હતી, જેમણે એક નવા જ પ્રકારની પ્લેસ્કૂલ ઊભી કરી. જેની ડિઝાઇન જેરાર્ડે બનાવી હતી.
(સાભાર: મધર મેરી કમ્સ ટુ મી: અરુંધતિ રૉય) (ક્રમશ:)