Sun Mar 08 2026

Logo

અર્શદીપે બુમરાહનો મોટો રેકૉર્ડ તોડ્યો, ટીમ ઇન્ડિયાએ હૈદરાબાદની બરાબરી કરી!

1 week ago
Author: Ajay Motiwala
Article Image

ચેન્નઈઃ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ ગુરુવારે ઝિમ્બાબ્વે સામેની મૅચની શરૂઆત પહેલાં રવિચન્દ્રન અશ્વિનની બરાબરીમાં હતો અને મૅચ દરમ્યાન તેણે જસપ્રીત બુમરાહના રેકૉર્ડ (record)ને ઓળંગી લીધો હતો. તમે વિચારતા હશો કે એ વળી કયો વિક્રમ હશે?

ભારતીય ટીમના ફાસ્ટ બોલર્સમાં અર્શદીપ અત્યારે બુમરાહ જેટલો જ અસરદાર છે. ખાસ કરીને ટી-20માં બુમરાહ કરતાં અર્શદીપનો ડંકો વધુ વાગ્યો છે. ગુરુવારે એની પરાકાષ્ઠા આવી ગઈ જેમાં અર્શદીપે ટી-20 વર્લ્ડ કપના એક ભારતીય રેકૉર્ડમાં બુમરાહને ઓળંગી લીધો હતો.

સૌથી પહેલાં તો ટી-20 ઇન્ટરનૅશનલમાં બન્નેની સરખામણી જાણી લઈએ. રાઇટ-હૅન્ડ ફાસ્ટ બોલર બુમરાહ (Bumrah) યૉર્કર માટે જાણીતો છે. તે 10 વર્ષથી ટી-20 આંતરરાષ્ટ્રીય ટી-20 રમે છે જેમાં તેણે 92 મૅચમાં 114 વિકેટ લીધી છે. બીજી બાજુ, અર્શદીપ માત્ર ચાર વર્ષથી ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં આ ફૉર્મેટમાં રમે છે જેમાં તેણે 81 મૅચમાં 126 વિકેટ (બુમરાહથી 12 વધુ) વિકેટ લીધી છે. કોઈ પણ બે ખેલાડીની તુલના ન થઈ શકે, પણ રેકૉર્ડ માટેના આંકડાની વાત આવે ત્યારે થોડી સરખામણી થઈ જ જતી હોય છે.

BCCI

અર્શદીપ (Arshdeep) આ ફૉર્મેટના વર્લ્ડ કપના ઇતિહાસમાં લીધેલી 32 વિકેટના આંકડા સાથે ગુરુવારે ઝિમ્બાબ્વે સામેની મૅચમાં રમવા મેદાન પર ઊતર્યો હતો. રવિચન્દ્રન અશ્વિન જેટલી 32 વિકેટ તેના નામે હતી, પરંતુ અર્શદીપે કૅપ્ટન સિકંદર રઝા (31 રન)ને અભિષેક શર્માના હાથમાં કૅચઆઉટ કરાવ્યો એ તેની વિકેટની સંખ્યા 33 ઉપર પહોંચી હતી. બુમરાહ 33 વિકેટના ભારતીય વિક્રમ સાથે એ જ મૅચમાં રમી રહ્યો હતો. અર્શદીપે એ જ ઓવરમાં રાયન બર્લ (0)ને એલબીડબ્લ્યૂ કર્યો એને પગલે તેની વિકેટોની સંખ્યા 34 થઈ હતી અને એ સાથે તેણે બુમરાહનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ત્યાર પછી અર્શદીપ પોતાની નવી ઓવરમાં ત્રાટક્યો હતો અને ટૉની મુન્યૉન્ગા (11 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો અને એ તેની 35મી વિકેટ હતી. એ રીતે, અર્શદીપની 35 વિકેટ વર્લ્ડ કપમાં રમનારા ભારતીયોમાં હવે હાઇએસ્ટ છે.

17 સિક્સર, ભારત બીજા નંબરે

ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં ભારતે ગુરુવારે પાંચમી વખત 250-પ્લસનો સ્કોર કર્યો હતો જે વિશ્વવિક્રમ છે. બીજા કોઈ દેશની ટીમના ચાર 250-પ્લસ સ્કોર પણ નથી. નવાઈની વાત એ છે કે સમગ્ર ટી-20માં ટીમ ઇન્ડિયા પાંચ 250-પ્લસ સ્કોર સાથે આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમની બરાબરીમાં થઈ ગઈ છે. ટી-20 વર્લ્ડ કપની એક ઇનિંગ્સમાં સૌથી વધુ 17 સિક્સર પણ ભારત માટે નવો વિક્રમ છે. આ રેકૉર્ડમાં ભારત બીજા સ્થાને છે. ગયા અઠવાડિયે ઝિમ્બાબ્વે સામે વેસ્ટ ઇન્ડિઝે 19 સિક્સર ફટકારી હતી.

ICC

4/256, ભારતનો સ્કોર સેક્નડ-બેસ્ટ

ભારતે ગુરુવારે ઝિમ્બાબ્વે સામે ચાર વિકેટે જે 256 રન કર્યા એ ભારતનો પોતાનો નવો વિક્રમ તેમ જ ટી-20 વર્લ્ડ કપનો હાઇએસ્ટ સ્કોર હતો જ, સમગ્ર ટી-20 ઇન્ટરનૅશનલમાં ભારત હવે શ્રીલંકા પછી બીજા સ્થાને છે. શ્રીલંકાએ 2007ના સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપમાં કેન્યા સામે છ વિકેટે જે 260 રન કર્યા હતા એ હજીયે વિશ્વવિક્રમ છે.

છ બૅટ્સમેનનો 150.00થી વધુ સ્ટ્રાઇક-રેટ

ભારતના છ બૅટ્સમેનના સ્કોર 20-પ્લસ હતા. ટી-20 વર્લ્ડ કપની એક મૅચમાં સૌથી વધુ બૅટ્સમેનના 20-પ્લસ સ્કોર્સ તથા દરેકનો 150.00થી વધુ સ્ટ્રાઇક-રેટ (સરેરાશ 100 બૉલદીઠ રન) હોય એવી રેકૉર્ડ-બુકમાં આ નવો વિક્રમ છે. ભારતને ગુરુવારે 4/256નો વિક્રમજનક સ્કોર અપાવનાર છ બૅટ્સમેનના રન તથા સ્ટ્રાઇક-રેટ આ મુજબ હતાઃ અભિષેક શર્મા (પંચાવન રન, 183.33), સંજુ સૅમસન (24 રન, 160.00), ઇશાન કિશન (38 રન, 158.33), સૂર્યકુમાર યાદવ (33 રન, 253.84), તિલક વર્મા (44 અણનમ, 275.00) અને હાર્દિક પંડ્યા (50 અણનમ, 217.39).