Sat Jun 06 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ પર્યાવરણ ને સ્થાપત્ય

2026-06-06 10:21:00
Author: Hemant Wala
Article Image

હેમંત વાળા

પર્યાવરણ એટલે આજુબાજુની સમગ્ર જીવસૃષ્ટિ તેમ જ કુદરતી તેમ જ માનવ-નિર્મિત માહોલ. જ્યારે પર્યાવરણની વાત કરાતી હોય છે ત્યારે કુદરતી માહોલ અને જીવસૃષ્ટિને વધુ પ્રાધાન્ય મળતું હોય છે. તેથી જ પર્યાવરણમાં હવા, જમીન, પાણી, વૃક્ષ અને તેમનાં એકત્રીકરણ સમાન આબોહવા, વાતાવરણ, પર્વત, સરોવર, નદી, સમુદ્ર, જંગલ, વનરાજીનો સમાવેશ જોવા મળે છે. જોકે અહીં માનવીય વસાહત અને ઔદ્યોગિક સંકુલનો પણ સમાવેશ થવો જોઈએ. પર્યાવરણ એટલે જીવનને અસર કરતી દરેક પરિસ્થિતિ.

વિશ્વનો જો આજે કોઈ સૌથી જટિલ પ્રશ્ન હોય તો તે પર્યાવરણનો છે. એવો દાવો કરી શકાય કે સૌથી જટિલ પ્રશ્ન તો `યુદ્ધ'નો છે; પરંતુ યુદ્ધ ક્યાંક અટકાવી શકાય અથવા અટકી જાય; પર્યાવરણ માટે એમ માનવું અશક્ય છે. પર્યાવરણની ખરાબ સ્થિતિ માટે દરેક વ્યક્તિ જવાબદાર છે અને તેથી જ તેનું નિરાકરણ બહુ જ મુશ્કેલ છે. 

એમ માનવામાં આવે છે કે કોઈ એક પરિસ્થિતિ દ્વારા થયેલું પર્યાવરણનું નુકસાન સમગ્ર સૃષ્ટિમાં વિભાજિત થઈ જતું હોવાથી તે નુકસાનના ચોક્કસ પ્રકારના ઉત્તરદાયિત્વ માટે અમુક પ્રકારનું દોષારોપણ મુશ્કેલ બની રહે છે; જેથી જાણે દરેક વ્યક્તિ હાથ ખંખેરી નાખે છે. પર્યાવરણનાં પ્રશ્નોના નિરાકરણ માટે દરેક વ્યક્તિમાં સંવેદનશીલતા, જાગ્રતા, સભાનતા, વિચારશીલતા અને સામાજિક ઉત્તરદાયિત્વ માટેની તત્પરતા હોવી જરૂરી છે. આ હિમાલય જેવું મહાન કાર્ય છે પરંતુ આશા છોડવાની જરૂર નથી.

સ્થાપત્ય અને બાંધકામ ક્ષેત્ર પર્યાવરણ પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે. એમ કહેવાય છે કે લશ્કરી ક્ષેત્ર પછી જે ક્ષેત્ર સૌથી વધુ સામગ્રી, સંસાધનો અને ઊર્જાનો ઉપયોગ કરે છે તે ક્ષેત્ર છે સ્થાપત્ય. કોઈપણ મકાનનો પ્રભાવ માત્ર ઉપયોગીતા અને દેખાવ પૂરતો નથી હોતો; તે સ્થૂળ તેમ જ સૂક્ષ્મ, માનવનિર્મિત તેમ જ કુદરતી,વ્યક્તિલક્ષી તેમ જ સામાજિક,સ્થાનિક તેમ જ વ્યાપક અનેલાંબાગાળા ની તેમ જ ટૂંકાગાળાની અસર પર્યાવરણ પર છોડે છે. 

સ્થાપત્યની રચના માત્ર વર્તમાન માટે નથી હોતી, તેમાં ભૂતકાળની વાસ્તવિકતા સાથે ભવિષ્યની સંભાવનાઓનો પણ સમાવેશ થતો હોય છે. સ્થાપત્ય શૈલી અનુસાર બાંધકામમાં વપરાતી સામગ્રી અને તેનાં ઉપયોગની તકનીક પર્યાવરણને સચોટ અસર કરે તે સ્વાભાવિક છે. દુ:ખદ વાત એ છે કે અર્વાચીન સ્થાપત્ય શૈલી મુજબ આ અસર નકારાત્મક હોય છે, અહીં પર્યાવરણને ઘણું નુકસાન પહોંચે છે.

ગરમીને એકત્રિત કરતી કાચની ફસાડ બનાવ્યાં પછી સંપૂર્ણ મકાનને વાતાનુકુલ બનાવવાની ચેષ્ટા, કુદરતી હવા-ઉજાસને નજર અંદાજ કરવાની માનસિકતા, દરેક પરિસ્થિતિ અને દરેક કાર્ય માટે અલગ અલગ ગોઠવણ કરવાનો અભિગમ, કરકસર સંભવ હોય તો પણ તે માટેનાં પ્રયત્નોનો અભાવ, રચનાની પ્રક્રિયામાં સ્થાનિક આબોહવા માટે રહેતું બેધ્યાનપણું, પર્યાવરણને નુકસાન કરતી સામગ્રી માટેનો અનિચ્છનીય લગાવ, બાંધકામની અસરકારક અને પરંપરાગત શૈલીની કરાતી અવગણના-સ્વાભાવિક છે કે આ અને આવી બાબતો પર્યાવરણ માટે નુકસાનકારક રહે. 

દરેક માનવીએ સમજવું પડે કે દર વખતે દરેક સ્થાને વાતાનુકુલ સ્થિતિની આવશ્યકતા નથી હોતી. જરૂરી એ છે કે સગવડતા અને અનુકૂળતાના ધોરણોનું, પર્યાવરણના સંદર્ભમાં, પુન:મૂલ્યાંકન થવું જોઈએ, ઊર્જાની બચત શક્ય બને તેવી સ્થાપત્ય શૈલીની પસંદગી થઈ શકે, કુદરતી હવા-ઉજાસનો અસરકારક ઉપયોગ કરી શકાય, વરસાદનાં પાણી અને સૂર્ય-ઉર્જા તેમ જ પવન-ઊર્જા જેવાં ઊર્જાના પરોક્ષ માધ્યમને ઉપયોગમાં લાવી શકાય, સ્થાન પરનાં પ્રત્યેક હયાત વૃક્ષને સાચવી શકાય, બાંધકામ અને રખરખાવમાં સામગ્રીની કરકસર કરી શકાય, આબોહવાને અનુરૂપ સામગ્રી તેમજ તકનીક પ્રયોજી શકાય, 

પાણીનો વપરાશ નિયંત્રિત કરી શકે તેવાં ઉપકરણો અને સંરચનાનો વ્યાપક ઉપયોગ કરી શકાય, પર્યાવરણના સંરક્ષણમાં મદદરૂપ થઈ શકે તેવી કાર્યશૈલી અને જીવનશૈલી આધારિત રચનાનું નિર્ધારણ થઈ શકે, અનાવશ્યક સવલતો અને વિશાળતાની બાદબાકી કરી શકાય, દર વખતે જૂનું મકાન તોડીને નવી બનાવવાનો આગ્રહ છોડી શકાય, મકાનની ચારે ફસાડ અને છત ઉપર લીલોતરી ઉગાડી શકાય, સમય-સિદ્ધ બાંધકામની પરંપરાગત શૈલીનાં સિદ્ધાંતનું પાલન કરી શકાય- આવી કેટલીક બાબતો એકંદરે પ્રદૂષણને નિયંત્રિત કરવા મદદરૂપ થાય. આ બધાં સાથે સમાજમાં ચોક્કસ પ્રકારની સભાનતા, જાગૃતતા, સંવેદનશીલતા, અને ઈચ્છાશક્તિની જરૂરિયાત તો છે જ.

સિમેન્ટની બનાવટમાં ઘણી ઊર્જા વપરાય છે અને સાથે અંગારવાયુનું ઘણું ઉત્સર્જન થાય છે. સિમેન્ટની બનાવટમાં ચૂનાની માંગ સંતોષવા કુદરતી ખનન વધે છે અને જમીનની ગુણવત્તાને નુકસાન પહોંચે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલ વિશે પણ આવી જ પરિસ્થિતિ છે. આ બંનેનું ઉત્પાદન તો વધુ ખર્ચાળ પણ છે. પ્લાસ્ટિક નાશ ન પામતો પદાર્થ છે, તેનાં ઉત્પાદનથી મળતો કચરો પણ નાશ નથી પામતો. તે ઉપરાંત પ્લાસ્ટિકની બનાવટમાં ઝેરી રસાયણો અને પ્લાસ્ટિકના માઇક્રો-કણ વાતાવરણમાં ફેલાય છે. 

કાચનાં ઉત્પાદનમાં એટલાં પ્રશ્નો નથી પરંતુ તેનાં ઉપયોગથી મકાનની અંદરની ગરમી વધતી હોવાથી વાતાનુકુલ સ્થિતિ માટે ઊર્જાની વધુ ખપત રહે. આ બધી સામગ્રીના ઉત્પાદનમાં અનિચ્છનીય માત્રામાં અને જોખમી કહી શકાય તેવો ઔદ્યોગિક કચરો તો ઉત્પન્ન થતો જ હોય છે અને સાથે આ ઉદ્યોગોથી વાયુ પ્રદૂષણ પણ અયોગ્ય માત્રામાં વધતું રહે છે. એનો અર્થ એ નહીં કે સિમેન્ટ અને આવી અન્ય સામગ્રીનો વપરાશ બંધ કરી દેવો જોઈએ, પરંતુ ક્યાંક સંયમ અને કરકસરની શક્યતા તો છે.

મકાનના બાંધકામમાં પણ ઊર્જાનો ઘણો વપરાશ થતો રહે છે. તેમાં પણ જો સાધનો અને યંત્રો કાર્યક્ષમ ન હોય તો ઊર્જાનો વ્યય થાય તે સ્વાભાવિક છે. તે ડીઝલ હોય કે ઊર્જાનું અન્ય કોઈ સ્વરૂપ, જ્યાં શક્ય હોય ત્યાં કરકસર અને બચત જરૂરી છે. જ્યાં ભારે મશીન આધારિત બાંધકામ હોય ત્યાં આ પ્રકારની સંવેદનશીલતા ચોક્કસ ઇચ્છનીય ગણાય.એ પણ વાસ્તવિકતા છે કે બાંધકામ સમયે અવાજ અને ધૂળ-રજકણનું પ્રદૂષણ પણ વધતું હોય છે. 

વળી ડિઝાઇનની જરૂરિયાત પ્રમાણે ખોદાણ કે પુરાણથી જ્યારે જમીનને સમતલ કરવામાં આવે, વર્ષાઋતુના હંગામી પાણીના સંગ્રહસ્થાન પૂરી દેવામાં આવે, વૃક્ષો કાપવામાં આવે કે વરસાદી પાણીનો પ્રવાહ બદલવામાં આવે તો પર્યાવરણને નુકસાન થાય તે સ્વાભાવિક છે. આવી પરિસ્થિતિમાં જીવસૃષ્ટિનો પણ નાશ થઈ શકે.

આધુનિક આંતરરાષ્ટ્રીય સ્થાપત્ય શૈલી માટેનું ગાંડપણ પણ યોગ્ય નથી. જ્યાં દરેક પ્રદેશની સ્થાનિક સ્થિતિ અલગ હોય, દરેક સ્થાનની આબોહવાનો પ્રકાર ભિન્ન હોય, દરેક સ્થાને વિકસતી જીવનશૈલીમાં ભિન્નતા હોય, દરેક સ્થાને પ્રાપ્ય સ્થાનિક સામગ્રી જે તે પરિપ્રેક્ષ્યમાં વધુ અસરકારક રહેતી હોય, દરેક સ્થાનની સંસ્કૃતિ અને પરંપરા આગવી હોય, દરેક સ્થાને પ્રાપ્ત બાંધકામ-કૌશલ્ય જુદાં જુદાં પ્રકારનું હોય, દરેક જગ્યાએ-સંસ્કૃતિમાં દૃશ્ય-અનુભૂતિ માટેની સંવેદના જુદી હોય, દરેક જગ્યાનો કુદરતી માહોલ વિશેષ હોય-ક્યાં એક જ પ્રકારની સ્થાપત્ય શૈલી કઈ રીતે સ્વીકૃત બની શકે.

વર્ષ 1972થી પાંચમી જૂને વિશ્વભરમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કાજે મનાવતાં વિશ્વ પર્યાવરણ દિવસે આ ચિંતન ઇચ્છનીય છે. પર્યાવરણની સુરક્ષા એ સામૂહિક જવાબદારી છે. પર્યાવરણ પ્રત્યેક જીવનનો આધાર છે પરંતુ એમ જણાય છે કે માનવીએ પોતાનાં આધારથી વિમુખ થવાનું જાણે નક્કી કરી લીધું છે, માનવી કુદરતથી વિમુખ થતો જાય છે, માનવી અને કુદરત વચ્ચેનું અંતર વધતું જાય છે. ભવિષ્યની પેઢી માટેની ચિંતા આવશ્યક છે.