Sat Jun 27 2026

Logo

સ્થાપત્યનું વાઈ-ફાઈઃ ચીનનું શેનઝેન સાયન્સ - ટેક્નોલોજી મ્યુઝિયમ

2026-06-27 09:09:00
Author: Hemant Wala
Article Image

હેમંત વાળા

ખરેખર, કોઈ બી જાય તેવી રચના છે. ઘણાને આ વાક્ય સાથે નારાજગી હશે. તેમાં પણ ખાસ કરીને સ્થપતિ ઝાહા હદીદના ચાહકોને તો ખાસ. નારાજગી યોગ્ય પણ ગણાય, જ્યારે જે વ્યક્તિને `આદર્શ' ગણીને તેની રચનાના માત્ર ગુણગાન ગાવાની જ તૈયારી હોય ત્યારે આ પ્રકારનાં વાક્યથી થોડી તકલીફ તો પડે જ. કદાચ આ તકલીફ વધારે પણ હોય. ભલે, પરંતુ ક્યારેક તો તટસ્થતાથી વિચારવાની આવશ્યકતા સ્વીકારવી રહી. 

ચીનના ગુઆંગમિંગ વિસ્તારનું આ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું મ્યુઝિયમ છે જે ચીનના આ ક્ષેત્રના પ્રયોગો, સંશોધન, ભવિષ્યની સંભાવના તથા ઉપલબ્ધિ પ્રસ્તુત કરશે. અહીં આ ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ સાથે ભવિષ્યને વ્યાખ્યાયિત તેમજ નિર્ધારિત કરતી બાબતોની કાયમી તેમજ હંગામી પ્રદર્શની યોજાશે.  

વિશ્વના એક મોટા મહાનગરમાં આ રચના સૂચિત કરવાનો હેતુ સ્વાભાવિક રીતે આ ક્ષેત્ર માટે જાગ્રતતા કેળવાય, અમુક પ્રકારનો રસ જાગ્રત થાય, તે રસને પોષણ મળે તથા ભવિષ્ય માટે એક ભૂમિકા તૈયાર થાય તે માટેનો હોય. 35000 ચોમી વિસ્તારના વિસ્તારમાં કાયમી તેમજ હંગામી પ્રદર્શન હોલ, બીજા લગભગ એટલાં જ વિસ્તારમાં મુલાકાતીઓ માટેની અન્ય સુવિધાઓ, 6000 ચોમી જેટલાં વિસ્તારમાં થિયેટર, 5400 ચોમી જેટલાં વિસ્તારમાં સંશોધન માટેની પ્રયોગશાળાઓ તથા કેટલીક પ્રાથમિક શૈક્ષણિક સુવિધાઓ, તથા અન્ય સંરચનાગત વ્યવસ્થા સાથેનું આ એક વિશાળ બાંધકામ છે. 

અહીંનું કુલ બાંધકામ એક અંદાજ પ્રમાણે 130000 ચોમી જેટલું થવાં જાય છે. જ્યારે આવું વિશાળ બાંધકામ હોય ત્યારે તેમાં બહુ જ ઊંચી કક્ષાની સંવેદનશીલતાની આવશ્યકતા રહે. નાનું બાળક કોઈ રમકડું બનાવે તો તેમાં વિચિત્રતા હોઈ શકે, `સૂગ' ચડે તેવી બાબતો પણ હોઈ શકે, બાળક પોતાનાં મનસ્વી વિચાર પ્રમાણે રચના કરવા માટે સ્વતંત્ર પણ હોય, પરંતુ જ્યારે આ રચના કે આવી રચના હજાર ગણા મોટાં પ્રમાણમાં બનાવવાની હોય ત્યારે સમજ, અનુભૂતિ અને પરિણામ બધું જ બદલાઈ જાય. 

રૂપકડું રમકડું પણ જ્યારે વિશાળતા ધારણ કરે ત્યારે તે પ્રત્યે અરુચિ પણ જન્મી શકે. તેવાં સંજોગોમાં મૂળભૂત વિચારમાં ફેરબદલ અને સાથે સાથે વિશેષ પ્રકારના વિગતીકરણની આવશ્યકતા રહે. આ મ્યુઝિયમનો આજ એક મોટો પ્રશ્ન છે.    

વાતો તો ઘણી થાય છે. હવે તો દરેક સ્થપતિ પોતાનાં પ્રત્યેક મકાન માટે અમુક પ્રકારની વાત તો કરતાં જ હોય છે. બધાં જ સ્થપતિ એમ જણાવતાં હોય છે કે તેમનાં દ્વારા નિર્ધારિત કરાયેલાં મકાનમાં આજુબાજુના સ્થાનિક સંજોગોને હકારાત્મક પ્રતિભાવ અપાયો છે, પર્યાવરણની સ્થાનિક બાબતોનું ધ્યાન રખાયું છે, આજુબાજુની અને તે વિસ્તારની વનરાજી માટે સંવેદનશીલતા જાળવવામાં આવે છે, ઊર્જાની ખપત ઓછી રહે તે રીતે મકાનની રચના કરાઈ છે, મકાનની કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે, તે વિસ્તાર અને શહેરની સ્થાપત્ય શૈલીનું અનુસરણ કરાયું છે, 

આબોહવાના વિપરીત પરિબળો સામે `પેસિવ' રીતે રક્ષણ મળે તેવા પ્રયત્ન થયા છે, વૈશ્વિક ગ્રીન બિલ્ડિંગના ધારાધોરણ પ્રમાણે તે પ્રશંસનીય રચના છે, વરસાદના પાણીનો સંગ્રહ કરાયો છે અને સૂર્યનાં કિરણોનો ઊર્જાના ઉત્પાદન માટે ઉપયોગ કરાયો છે, અને આ બધાં સાથે ચોક્કસ પ્રકારની રચનાત્મક સંવેદનશીલતા જાળવવામાં આવી છે, આજકાલ આ `કેસેટ' દરેક મકાન માટે દરેક સ્થપતિ દ્વારા વગાડવામાં આવે છે. 

મોટાભાગના કિસ્સામાં આ વાસ્તવિકતાથી ભિન્ન કહી શકાય તેવો દાવો હોય છે. શેનઝેન સાયન્સ એન્ડ ટેકનોલોજી મ્યુઝિયમ આમાં અપવાદ નથી. હકીકત તો એ છે કે આ મકાનમાં આ પ્રકારના દાવા વધુ પ્રખરતાથી અને વધુ ખોટી રીતે કરાયાં છે.      

શહેરની એક મહત્ત્વપૂર્ણ જગ્યા પર શહેર માટે અગત્યનું કહી શકાય તેવું મકાન કેવી રીતે બનાવવું જોઈએ, એ યક્ષ-પ્રશ્ન આજે પણ પોતાનો યોગ્ય જવાબ શોધે છે. 

નાગરિકના અસ્તિત્વ પર રચના હાવી ન થવી જોઈએ, માનવી સાથે ભાવાત્મક સંબંધ સરળતાથી સ્થાપિત થવું જોઈએ, આકાર પ્રમાણમાપ અને વિગતીકરણમાં માનવીય સંવેદનશીલતાનું પ્રતિબિંબ ઊભરવું જોઈએ, ઉપયોગિતા સાથે `કોમ્પ્રોમાઈઝ' બાંધછોડ કર્યાં વગર અંદરના વિશ્વ અને બહારની પરિસ્થિતિ વચ્ચે સર્જનાત્મક તેમ જ રસપ્રદ સંવાદ સ્થપાવો જોઈએ, નાની નાની બાબતોનો સમાવેશ પણ થયેલો હોવો જોઈએ અને સમગ્રતામાં તે બાબતોનો રચનાત્મક ફાળો હોવો જોઈએ, 

એકંદરે એક પ્રકારની હળવાશ અનુભવાવવી જોઈએ અને તે બધાં સાથે માનવી અને માનવી વચ્ચેનો વ્યવહાર તેમ જ સંવાદ સહજ બનવો જોઈએ. વ્યાપારી મકાનોમાં હોય છે તે પ્રકારની ચમક-દમકની ગેરહાજરી પણ જરૂરી ગણાય. બંધિયારપણાથી મુક્તિની અનુભૂતિની પણ આવશ્યકતા રહે.  

અતિ વિશાળ કહી શકાય તેવો અસંવેદનશીલ આકાર, તેના વિભાગીકરણમાં પણ વર્તાતો સંવેદનશીલતાનો અભાવ, રંગ વિશે પણ નકારાત્મકતા ઊભરી શકે તેવી પરિસ્થિતિ, જ્યાં માનવીય પ્રમાણમાપની આવશ્યકતા હોય ત્યાં પણ `જાયજેન્ટિક' પ્રમાણમાપ, આજુબાજુની પરિસ્થિતિ સાથે સ્થાપિત થતો ઉગ્ર વિરોધાભાસ, બાહ્ય આકારની પસંદગી માટેના તર્કબદ્ધ કારણનો અભાવ અને આ બધાં સાથે જે છે તેને યોગ્ય સાબિત કરવાનો પ્રયત્ન-આ બધી બાબતોએ આ મકાન માટે ઘણાં પ્રશ્નો ઊભાં કર્યા છે. વળી પ્લાનના અભ્યાસ થકી એમ જરા પણ નથી જણાતું કે આ પ્રકારના સ્થાન આયોજન માટે આ પ્રકારનાં વિચિત્ર કહી શકાય તેવાં આકારની આવશ્યકતા હતી. 

આ મ્યુઝિયમ કદાચ લાંબા સમયગાળા સુધી ઉપયોગમાં લઈ પણ શકાય, પરંતુ મૂળ પ્રશ્ન તો તેની દૃશ્ય અનુભૂતિમાં રહેલી અસ્વીકૃતિનો છે. 

કોઈને આ મકાન લંગર કરાયેલા વહાણ જેવું લાગે છે તો કોઈકને અવકાશી યાન જેવું. કોઈક આને સ્થિર માને છે તો કોઈ આની પાછળ ચલિતતા અનુભવે છે. કોઈ આ મકાનને સ્થાપત્યના ક્ષેત્ર માટે ભવિષ્યનું દિશા-સૂચન સમજે છે તો કોઈક માટે આ મકાન ભૂતકાળ પર કરાયેલ વજ્રઘાત સમાન છે. અમુક લોકો આને સ્થળની વિશિષ્ટ પરિસ્થિતિઓનો વોલ્યુમેટ્રિક પ્રતિભાવ સમાન માને છે, પણ તે પણ સ્વીકારી શકાય તેમ નથી. 

જ્યારે આ પ્રકારની સમજમાં સાતત્યતાનો સદંતર અભાવ હોય ત્યારે એક વાત તો સ્થાપિત થાય જ કે રચના નિર્ધારણ પાછળ કોઈ `સ્પષ્ટ સ્વીકૃત' ખ્યાલ નથી.