Thu May 14 2026

Logo

અંધેરીમાં બેસ્ટની ચાર બસની  ટક્કરમાં કંડકટરનું મોત, ઘટનાની તપાસ કરવા સ્પેશિયલ કમિટીની સ્થાપના

2026-05-14 21:59:39
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)    

મુંબઈ:
અંધેરી (પશ્ચિમ)ના અંબોલી નાકા નજીક  ગુરુવારે બપોરના એક વિચિત્ર અક્સમાત થયો હતો, જેમાં બેસ્ટની ચાર બસ એકબીજા સાથે અથડાતા બાવન વર્ષના કંડકટરનું મૃત્યુ થયું હતું. વેટ-લીઝ પર રહેલી બેસ્ટની બસે ત્રણ બસને  ટક્કર મારી હતી. આ અક્સમાતને કારણે પરિસરમાં થોડા સમય માટે તણાવ નિર્માણ થયો હતો અને ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. આ પૂરા પ્રકરણની તપાસ માટે બેસ્ટ ઉપક્રમે એક સમિતિની સ્થાપના કરી છે. મૃતકની ઓળખ શેખર બાબુરાવ રાવત તરીકે થઈ હતી.

ગુરુવારે બપોરના ૧.૧૫ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી, જેમાં બેસ્ટના અધિકારીના જણાવ્યા મુજબ આંબિવલી નાકા પાસે એક ઝાડ તૂટી પડયું હતું, તેને કારણે રસ્તા પર ટ્રાફિક જૅમ થઈ ગયો હતો. ઝાડ તૂટવાના સ્થળે ટ્રાફિક જૅમ થવાથી બેસ્ટના કાફલામાં રહેલી લીઝ પરની ‘માતેશ્ર્વરી’ કંપનીની ત્રણ બસને એકની પાછળ એક લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડી હતી. 

આ બસ રસ્તા પર લાઈનમાં ઊભી હતી ત્યારે પાછળથી કૉન્ટ્રેક્ટ પર રહેલી ‘મે. પીએમઆઈ’ કંપનીની અંધેરી સ્ટેશન પશ્ચિમથી વર્સોવા જતા રૂટ પર દોડતી ૨૫૧ નંબરની બસ સમયસર રોકવામાં નિષ્ફળ જતા આગળની ત્રણેય બસ સાથે જોશભેર ટકરાઈ હતી. કમનસીબે બસની ટક્કર દરમ્યાન  માતેશ્ર્વરી બસનો બાવન વર્ષનો કંડકટર શેખર બાબુરાવ રાવટે એક બસની પાછળની બાજુથી જઈ રહ્યો હતો ત્યારે બે બસ વચ્ચે  ફસાઈ  ગયો હતો અનેે તે ગંભીર રીતે જખમી થયો હતો. આ ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નહોતી.  

એક્સિડન્ટ બાદ પીએમઆઈ બસના અન્ય કંડકટરે જખમી કંડકટરને તાત્કાલિક કૂપર હૉસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો પણ સારવાર પહેલા જ તેન મૃત જાહેર કરવામાં આવ્યો હતો.  આ અકસ્માતને કારણે અંબોલી નાકા-અંધેરી પશ્ચિમ વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિક જૅમ થઈ ગયો હતો.  આ ઘટના બાદ પોલીસ, ફાયરબિગ્રેડ અને બેસ્ટ પ્રશાસન ઘટના સ્થળે દોડી ગઈ હતી અને  ક્ષતિગ્રસ્ત બસ અને તૂટી પડેલા ઝાડને હટાવીને  પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી હતી. એક્સિડન્ટ થયેલી બસની બાજુમાં કર્યા બાદ ટ્રાફિક પૂર્વવત્ થયો હતો.