Wed Sep 16 2026

Logo

2200 વર્ષ પહેલાં દ્વારકામાં ધમધમતો હતો વિદેશ વેપાર! ASIને મળ્યા રોમન સિક્કા, પ્રાચીન કિલ્લેબંધી અને....

2026-05-03 10:59:00
Author: Devayat Khatana
2200 વર્ષ પહેલાં દ્વારકામાં ધમધમતો હતો વિદેશ વેપાર! ASIને મળ્યા રોમન સિક્કા, પ્રાચીન કિલ્લેબંધી અને....

બેટ દ્વારકા: સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલા દ્વારકાની પ્રાચીનતાને જાણવા અને ઉજાગર કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા બેટ દ્વારકા ટાપુ પર પ્રથમ વખત મોટા પાયે પદ્ધતિસરનું ઉત્ખનન હાથ ધરવામાં આવ્યું છે. આ સંશોધન દરમિયાન બે હજાર વર્ષથી પણ વધુ જૂની પ્રાચીન વસાહતના પુરાવા મળી આવ્યા છે, જેમાં ધમધમતી દરિયાઈ પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધોની માહિતી મળી છે. હાલ પણ આ ઉત્ખનન અને સંશોધન ચાલી રહ્યું છે. 

હાલના સંશોધન દરમિયાન બેટ દ્વારકા પ્રાચીન સમયથી વેપારી નેટવર્કનું મહત્વનું કેન્દ્ર રહ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિદ્વાનો આ સ્થળને સાહિત્યિક પરંપરાઓમાં ઉલ્લેખિત અંતરદ્રીપ અને ગ્રીક પુસ્તક પેરિપ્લસ ઓફ ધ એરીથ્રિયન સીમાં દર્શાવેલા બારાકા બંદર સાથે જોડે છે. ઉત્ખનન પ્રોજેક્ટના ડાયરેક્ટર આલોક ત્રિપાઠીના જણાવ્યા અનુસાર, ટીમ દ્વારા 2200 થી 2300 વર્ષ જૂના નિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા છે. આ શોધ ઓખા મંડળ પ્રદેશ કેટલો પ્રાચીન છે અને ત્યાંના માનવ જીવનનું સ્વરૂપ કેવું હતું તે સમજવામાં મદદરૂપ થશે.

આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ વતી આલોકકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે,  પુરાતત્વશાસ્ત્રીઓને આ સ્થળ પરથી પથ્થરના વ્યાપક માળખાકીય અવશેષો મળી આવ્યા છે, જેમાં અનેક ઓરડાઓ ધરાવતા એક મજબૂત કિલ્લેબંધીવાળા સંકુલનો સમાવેશ થાય છે. આ આયોજનબદ્ધ બાંધકામ અહીં સંગઠિત ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ થતી હોવાનો નિર્દેશ કરે છે. ખોદકામ દરમિયાન વિદેશી માટીના વાસણો, કાચના મણકા, શંખની બંગડીઓ, લોખંડની ચીજવસ્તુઓ અને સિક્કાઓ મળી આવ્યા છે. ખાસ કરીને રોમન ઇન્ટેગ્લિયો, રોમન સિક્કાઓની છાપ અને રોમન એમ્ફોરા જેવી કિંમતી વસ્તુઓ મળી આવી છે.

ગાઢ વનસ્પતિ અને વન્યજીવોની હાજરી વચ્ચે પણ ASI એ ચાર જેટલી રહેણાંક વસાહતની ઓળખ કરી છે. અહીં આદિ-ઐતિહાસિક સમયથી માનવ વસવાટ હોવાના પુરાવા મળ્યા છે. પ્રદેશના દરિયાઈ ભૂતકાળનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવા માટે ASI દ્વારા બેટ દ્વારકાના જમીની ઉત્ખનનની સાથે દ્વારકાના દરિયામાં પણ ઓફશોર એક્સપ્લોરેશન કરવામાં આવી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રાચીન અવશેષો હજુ પણ અકબંધ (Un-disturbed) હાલતમાં મળી આવ્યા છે. આ નવી શોધથી આગામી સમયમાં ઓખામંડળ વિસ્તારના ઇતિહાસ અને પુરાતત્વ પર નવો પ્રકાશ પડશે.