Wed Aug 26 2026

Logo

સરદાર પણ આજે 562 રજવાડાં ભેગાં ના કરી શક્યા હોત..........અનાર પટેલનું વિવાદાસ્પદ નિવેદન

2026-05-12 12:09:00
Author: Mayur Patel
સરદાર પણ આજે 562 રજવાડાં ભેગાં ના કરી શક્યા હોત..........અનાર પટેલનું વિવાદાસ્પદ નિવેદન

અમદાવાદઃ પાટીદાર સમાજ દ્વારા બનાસકાંઠામાં સરદાર પટેલની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપસ્થિત રહેલા લેઉવા પાટીદારોની ધાર્મિક સંસ્થા ખોડલધામના ટ્રસ્ટી અનાર પટેલે સરદાર પટેલને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સરદાર પણ આજે 562 રજવાડાં ભેગાં ના કરી શક્યા હોત.

શું બોલ્યા અનાર પટેલ

અનાર પટેલે કહ્યું,  હું હંમેશા સંગઠનની જ વાત કરું છું. લેઉવા પટેલને રિપ્રિઝેન્ટ કરતી સૌથી મોટી સંસ્થા હોય તો તે ખોડલઘામ છે. આપણા ઉત્તર ગુજરાતમાં કદાચ ઓછું સંગઠન છે. કાઠિયાવાડમાં ખોડલધામનું મોટું સંગઠન છે. સંગઠનની હું વાત એટલા માટે કરું છું કે, સરદાર પાસેથી કોઈ શીખવું હોય તો પહેલું સંગઠન જ શીખવું પડે. જોકે  સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ચેનલોના અતિશય પ્રભાવની ટીકા કરતા તેમણે કહ્યું હતું કે, જો સરદાર પટેલ આજે જીવિત હોત તો તેમને ૫૬૨ રજવાડાઓને એક કરવામાં ભારે મુશ્કેલી પડી હોત.

અનાર પટેલે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું કે, આ સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ચેનલોનો યુગ છે, જ્યાં વિશ્વભરની માહિતી તરત જ ઉપલબ્ધ થઈ જાય છે. જો સરદાર પટેલ આજે જીવિત હોત, તો તેઓ ૫૬૨ રજવાડાઓને એક કરી શક્યા ન હોત, કારણ કે હવે તો દરેક ઘરમાં એક નેતા છે.

બીજું શું બોલ્યા અનાર પટેલ

 અનાર પટેલે ઉપસ્થિત લોકોને સમાજમાં ભાગલા પાડવા માટે જવાબદાર તત્વોને ઓળખવા માટે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું- પટેલ બોલવામાં કડવા, મીઠું બોલતા શીખવુ પડશે. સમાજને તોડનારા લોકોને હવે ઓળખવા જ પડશે. સક્ષમતાના અભાવે દીકરીઓ બીજા સમાજમાં જાય છે. દારૂડિયા, રખડતા યુવકોને કારણે દીકરીઓ જાય છે, સમાજ બગાડતા દરેક તત્વોને બહાર કાઢવા પડશે. અત્યારે ઘેર ઘેર નેતા છે, ઘરે ઘરે બધાને મોટા થવું છે.

આ ઉપરાંત અનાર પટેલે કહ્યું, આપણા ઘરમાં કોઈ પુરુષ દારૂ પીને આવે તો તેને બહાર કાઢી મૂકો. આપણે તેને પંપાળીશું તો સમાજ બગડશે. આપણે નહીં પંપાળીએ તો અટકશે. હું દીકરીઓને કહીશ કે સમાજ આપણેને જ કેમ સલાહ આપે છે. જ્યારે દીકરાઓ સક્ષમ ન હોય ત્યારે દીકરી બીજા સમાજમાં જાય છે. આપણો છોકરો દારૂ પીતો મળે, રખડતો હોય, કામ ન કરતો હોય ત્યારે જ દીકરી અન્ય સમાજના છોકરા સાથે જાય, આપણે આટલું કેમ નથી સમજતા, દરેક વખતે દીકરીને જ કેમ સલાહ અપાય છે.