હરિદ્વારઃ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને હાલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ઉત્તરાખંડના હરિદ્વાર સ્થિત પ્રેમ નગર આશ્રમમાં પાટણ લેઉવા પાટીદાર સમાજની ગંગા તીર્થ યાત્રા અંતર્ગત ભાગવત્ સપ્તાહમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બદલાતી સામાજિક સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.
શું બોલ્યા આનંદીબેન પટેલ
તેમણે કહ્યું, જો તમારી દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક બીજા રૂમાં જઈને વાત કરવાનું શરૂ કરે તો સમજજો કઈંક ગરબડ છે. આપણે આપણા દીકરા-દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે આપણી નજર દીકરા-દીકરી પર હોવી જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે પણ મિત્રો, મિત્રોમાં ફરક હોય છે.
આ ઉપરાંત તેમણે કહ્યું હવે લેઉવા પટેલ, કડવા પટેલ નથી કરવાનું. જૂના સમયમાં પટેલ આખા ગામનું નેતૃત્વ કરતા અને દરેક દીકરીને પોતાની દીકરી સમજતાં. આવા નિષ્કપટ સમાજની આજે જરૂર છે.
उत्तर प्रदेश की राज्यपाल श्रीमती आनंदीबेन पटेल ने उत्तराखंड के हरिद्वार स्थित प्रेम नगर आश्रम में पाटन लेउवा पाटीदार समाज की गंगा तीर्थ यात्रा के अंतर्गत भागवत सप्ताह में सहभागिता की। pic.twitter.com/ObUKa2Qh7Q
— Governor of Uttar Pradesh (@GovernorofUp) March 26, 2026
આનંદીબેન પટેલે કહ્યું, તમારી દીકરી 10 વર્ષની છે અને મામા, કાકા,ભાઈ કે મિત્રોનો ફોન આવે તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે. પણ જે દિવસે ફોન આવે અને બાજુના રૂમમાં જઈને વાત કરવાનું શરૂ કરે ત્યારે તેના પર શંકા કરજો. અત્યાર સુધીમાં તે બાજુમાં બેસીને વાત કરતી હતી પણ હવે તે બાજુના રૂમમાં જઈને કેમ ધીમે ધીમે વાત કરે છે. આમાં શંકા છે જ એટલા માટે ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય તેનું ધ્યાન રાખજો.
ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા પણ આનંદીબેન પટેલે સ્ટેજ પરથી પાટીદાર આગેવાનોને ઝાટક્યા હતા. સુરતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, આપણે ક્યાં સુધી લેઉવા-કડવાના નામે વહેંચાયેલા રહીશું. તેમની દીકરી અનાર પટેલની હાજરીમાં તેમણે કરેલા નિવેદનને ખૂબ સૂચક માનવામાં આવ્યું હતું. કેમકે અનાર પટેલની લેઉવા પાટીદારોના સંગઠન ખોડલધામના અધ્યક્ષ તરીકે થોડા સપ્તાહ પહેલા વરણી કરવામાં આવી હતી.