Tue Aug 25 2026

Logo

ખેડૂતો સાવધાન! ગુજરાતમાં નકલી કચેરીઓ અને ટોલનાકા બાદ હવે પકડાયું નકલી ખાતરનું નેટવર્ક

2026-05-22 12:36:00
Author: Vimal Prajapati
ખેડૂતો સાવધાન! ગુજરાતમાં નકલી કચેરીઓ અને ટોલનાકા બાદ હવે પકડાયું નકલી ખાતરનું નેટવર્ક

આણંદઃ ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થો અને નકલી કચેરીઓ સાથે હવે નકલી ખાતર પણ બની રહ્યાં છે. હવે ખેડૂતો સાથે પણ છેતરપિંડી કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ખાતર વિના પાક લેવો અત્યારે ખૂબ જ મુશ્કેલ છે, તેમ છતાં પણ લાલચી લોકો નકલી ખાતર બનાવવા લાગ્યાં છે. આણંદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વડોદ ગામમાંથી નકલી ખાતર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અહીં ગેરકાયદે ખાતર બનાવવામાં આવી રહ્યું હતું. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે લાયસન્સ વગર તમાકુની ખળીમાં ચાલતા આ ગેરકાયદેસર ઉત્પાદનનો પર્દાફાશ કરીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 

બાતમીના આધારે પોલીસે પાડી હતી રેડ

પોલીસ દ્વારા ચોક્કસ બાતમીના આધારે અહીં રેડ પાડવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, ડોદ-નાપાડ રોડ પર બળિયાદેવ મંદિર પાસે એક તમાકુની ખળી આવેલી છે, જ્યારે નકલી ખાતર બનાવવામાં આવી રહ્યું છે. જેથી પોલીસે ત્યાં ટીમ સાથે દરોડા પાડ્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહી કરતા એસઓજી દ્વારા કુલ 18,02,550 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ સાથે રઘુવીરભાઈ મનસુખભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. 

લાઇસન્સ વગર બનાવટી મિશ્ર ખાતર બનાવવામાં આવતું હતું 

પોલીસ વધુ તપાસ કરી ત્યારે આ ગોડાઉનમાંથી લાયસન્સ વગરનું નકલી ખાતર, ખાતરમાં ભેળસેલ કરવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી, પ્લાસ્ટિકની બેગો અને એક ટ્રક પણ મળી આવી હતી. જેને અત્યારે પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે. અહીંથી ખાતરના નમૂના લેવામાં આવ્યાં અને લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવામાં આવ્યાં હતાં. અહીં જ્યારે તેનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે આ ખાતર બનાવટી મિશ્ર ખાતર હોવાનું સાબિત થયું હતું. જેથી આ સમગ્ર કેસમાં વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

પોલીસે કેટલો મુદ્દામાલ જપ્ત કર્યો?

કાર્યવાહીની વાત કરવામાં આવે તો, અલગ-અલગ માર્કા વાળી ખાતર ભરેલી કુલ 3454 બેગો, 15090 ખાતરની ખાલી બેગો, સીલાઈ કરવાનું ઇલેક્ટ્રિક મશીન, ઇલેક્ટ્રિક વજનકાંટો, મિક્સર મશીન અને એક આઈશર ટ્રક એમ કુલ મળીને પોલીસે દરોડા દરમિયાન 18,02,550/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો અને આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.