અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારના શાસનમાં શિક્ષણ વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. ક્યાંક પિતાનું દેવું, ક્યાંક માતાના ગીરવે મુકેલા ઘરેણાં અને વિદ્યાર્થીઓની રાત-દિવસની સખત મહેનત આજે પેપર લીક અને ભાજપ સરકારની બેદરકારીને કારણે ગુજરાતભરમાંથી લગભગ 30 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને સમગ્ર ભારતમાંથી 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત ધૂળમાં મળી ગઈ છે.
નીટ 2026 રદ થવાના કારણે લાખો પરિવારોના સપના ચૂર-ચૂર થઈ ગયા છે. આ માત્ર વહીવટી નિષ્ફળતા નથી, પરંતુ મહેનત કરતા યુવાનો સાથે કરવામાં આવેલો એક ગંભીર ગુનાહિત અન્યાય છે. આ પહેલા નીટનું પેપર 2017, 2021, 2024 બાદ હવે 2026માં ફરી લીક થયું છે. મોદી સરકારના શાસનમાં છેલ્લા ૧૦ વર્ષમાં ૮૯ પેપર લીક થયા, જેમાં ૪૮ પુનઃ પરીક્ષાઓ થઈ છે. મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.
ગુજરાતમાં પણ 2024ની નીટ પરીક્ષા દરમિયાન ગોધરા સેન્ટર પર ગેરરીતિ થઈ હતી.તપાસ બાદ અનેક વ્યક્તિઓ દોષિત ઠર્યા, પરંતુ ગુનેગારોનો ભાજપ સાથે સીધો સંબંધ હોવાથી સરકારે કોઈ અસરકારક કાર્યવાહી કરી નહીં. ગુજરાતમાં 2014થી 2024 દરમિયાન 34 જેટલા પેપર લીક થયા છે, છતાં આજદિન સુધી કોઈ એક મોટા આરોપીને પણ કડક સજા થઈ નથી. એકપણ વ્યક્તિ જેલના સળિયા પાછળ પહોંચી નથી, જેના કારણે પેપર લીક માફિયાઓના હિંમત વધી રહી છે.
યુવાનોના ભવિષ્ય સાથે ખેલાતી આ રમત હવે સહન કરવામાં આવશે નહીં. ભાજપ સરકાર તાત્કાલિક અસરથી આ કાંડની નૈતિક જવાબદારી સ્વીકારે અને પેપર માફિયાઓ સામે કડકમાં કડક પગલાં ભરે તેવી કોંગ્રેસ પક્ષની પ્રબળ માંગ છે. જો સરકાર જલ્દીથી કોઈ નક્કર ન્યાયિક ઉકેલ નહીં લાવે, તો આવનારા દિવસોમાં યુવા શક્તિ રસ્તા પર ઉતરીને આ અન્યાયી શાસન સામે ઉગ્ર આંદોલન કરશે, તેમ ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું હતું.