Sat Aug 29 2026

Logo

અમીરગઢ ચેકપોસ્ટ પર રૂ.34.70 લાખના ચરસ, પિસ્તોલ અને કારતૂસ સાથે શખસ ઝડપાયો

2026-04-25 22:41:03
Author: Devayat Khatana
અમીરગઢ ચેકપોસ્ટ પર રૂ.34.70 લાખના ચરસ, પિસ્તોલ અને કારતૂસ સાથે શખસ ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ  
બનાસકાંઠાની અમીરગઢ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન રૂ. 34.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. 24 એપ્રિલના રોજ એક લક્ઝરી બસની તપાસ દરમિયાન બિહારના મુકેશ પ્રકાશ નામના શખ્સ પાસેથી 13 કિલો 780 ગ્રામ ચરસ, એક દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જયપુરથી પુણે જઈ રહેલી આ બસમાં પોલીસ ચેકિંગ જોઈને આરોપીનો સાથીદાર વિકી કુમાર નાસી છૂટ્યો હતો, જ્યારે પોલીસે મુખ્ય આરોપી મુકેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આ નશીલો પદાર્થ અને હથિયારો પુણેમાં રહેતા પાટણના મોહમ્મદ ખાલિદ યુનુસને પહોંચાડવાના હતા, જેને પોલીસે હાલ ડિટેઈન કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ચરસ અને હથિયારોની કુલ કિંમત આશરે રૂ. 34,70,000 આંકવામાં આવી છે. આ ચરસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો મુખ્ય હેતુ શું હતો તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી હતી. આરોપીઓની પૂછપરછમાં આગામી દિવસોમાં અન્ય મોટા ખુલાસા થવાની શક્યતા છે.