વોશીંગ્ટન ડીસી: ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ અંગે બીજા રાઉન્ડની વાટાઘાટો માટે ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સના અધિકારીઓએ સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતે બેઠક કરી હતી. બેઠક બાદ બંને પક્ષોના અધિકારીઓએ જણાવ્યું છે કે બંને રાષ્ટ્રો કરાર તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ બીજી બાજુ યુએસએ 50 જેટલા ફાઈટર જેટ ઈરાન તરફ મોકલતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે.
જીનીવામાં વાટાઘાટો બાદ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટન સાથેની વાટાઘાટો ગંભીર, રચનાત્મક અને સકારાત્મક રહી હતી. બીજી તરફ યુએસએ તેના ફાઈટર જેટ ઈરાન તરફ મોકલ્યા છે.
ઓપન સોર્સ ફ્લાઇટ રડાર ડેટા અને યુએસ અધિકારીને ટાંકીને, એક મીડિયા સંસ્થાએ અહેવાલમાં જણાવવામાં આવ્યું કે છેલ્લા 24 કલાકમાં 50 થી વધુ F-35, F-22 અને F-16 ફાઇટર જેટ ઈરાન તરફ મોકલવામાં આવ્યા છે.
યુએસનું બીજું વિમાનવાહક જહાજ રવાના:
નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા જ મધ્ય પૂર્વ તરફ બીજું વિમાનવાહક જહાજ યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ મોકલવાની જાહેરાત કરી હતી, યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ અને તેનું સ્ટ્રાઈક ગ્રુપ કેરેબિયન સમુદ્રથી રવાના થઇ ગયું છે અને એટલાન્ટિક મહાસાગર પાર કરીને મધ્ય પૂર્વ તરફ જઈ રહ્યું છે, જે એક અઠવાડિયામાં ઈરાન સુધી પહોંચી શકે છે.
યુએસએસ ગેરાલ્ડ આર ફોર્ડ સાથે ત્રણ ગઈડેડ મીસાઇલ ડિસ્ટ્રોયર જહાજો - યુએસએસ મહાન, યુએસએસ બેનબ્રિજ અને યુએસએસ વિન્સ્ટન ચર્ચિલ પણ છે. ત્યાર બાદ હવે ફાઇટર જેટની મોકલવામાં આવતા ઈરાન પર દબાણ વધ્યું છે.
ખામેનીએ આપી ચેતવણી:
ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ તેહરાનમાં એક ભાષણ દરમિયાન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી હતી. અહેવાલ મુજબ, ખામેનીએ યુએસ કે ટ્રમ્પનો ઉલેખ કર્યા વગર કહ્યું કે ઈરાન સૌથી મજબૂત લશ્કરી શક્તિ પર પણ એટલો જોરદાર હુમલો કરી શકે છે કે તે કદી નુકશાનની ભરપાઈ ન થઇ શકે.
વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન સરકારે જાહેરાત કરી છે કે તેમણે હોર્મુઝ સ્ટ્રેટને કામચલાઉ ધોરણે બંધ કરી છે. એક મીડિયા અહેવાલ મુજબ ઈરાનની નેવીના અભ્યાસ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટના કેટલાક ભાગો થોડા કલાકો માટે બંધ રહેશે.