Thu Jun 18 2026

Logo

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ ખર્ચ્યા અધધ કરોડ

2026-03-02 10:39:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિક્યોરિટી અને બાઉન્સરો પાછળ 13 વર્ષમાં 328 કરોડ ખર્ચ્યા છે. જેને લઈ વિપક્ષે બાઉન્સરો થકી વીઆઈપી કલ્ચર વિકસાવાયું હોવાનો આરોપ લગાવ્યો હતો. વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે પ્રહાર કરતાં કહ્યું, શાસક ભાજપ અને વહીવટીતંત્ર નાગરિકોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં અને માળખાકીય સુવિધાના પ્રશ્નો હલ કરવામાં નિષ્ફળ પૂરવાર થયા છે. રોડ, પાણી, ગટર સહિતની તમામ સમસ્યા ના ઉકેલાય ત્યારે ઝોનલ ઓફિસ કે મ્યુનિની મુખ્ય કચેરીએ રજૂઆત કરવા આવતાં નાગરિકોને અટકાવવા માટે સિક્યોરિટી અને બાઉન્સર રાખવામાં આવે છે.

મ્યુનિસિપલોની તમામ મિલકતોની સાચવણી માટે સિક્યોરિટી ગાર્ડ તથા બાઉન્સરો રાખવામાં આવે છે. જેમાં કેટલીય એજન્સીઓ ઓછો પગાર ચુકવીને ગાર્ડ બાઉન્સરોનું શોષણ કરતી હોવાનું કહેવાય છે. એટલુ જ નહીં આ એજન્સીઓ રાજકીય વગ ધરાવતી હોવાથી નિયમોનો ભંગ કરે તો પણ તેની સામે બ્લેકલિસ્ટ જેવા કડક પગલાં લેવાના બદલે નજીવી રકમનો દંડ કરી મામલો છાવરવામાં આવે છે.

મ્યુનિસિપલમાંથી કમાણી કરતી એજન્સીઓ છેક ઉપરથી નીચે સુધીના અધિકારી-કર્મચારીને સાચવતી પણ હોય છે. વર્ષો પહેલા મિલકતની દેખરેખ રાખવા પગી રાખવામાં આવતા હતા પરંતુ શાકસ ભાજપ અને વહીવટીતંત્ર દ્વારા ગરીબ નાગરિકોને રોજગારી આપવાના બદલે રાજકીય આગેવાનોની ભાગીદારીવાળી સિક્યોરિટી એજન્સીઓેને ખટાવવામાં રસ છે. 

2012-13થી 2025-26 સુધીમાં વિવિધ સિક્યોરિટી એજન્સીઓને મ્યુનિ. તિજોરીમાંથી 325.46 કરોડની તગડી રકમ ચૂકવી દેવામાં આવી છે. 13 વર્ષના સમયગાળા દરમિયાન 2020-21, 21-22, 22-23, 24-25ના વર્ષમાં સૌથી વધુ રકમ ચૂકવવામાં આવી હતી.