Tue Sep 15 2026

Logo

યુપીમાં સર્જાયો ગંભીર અકસ્માત! ઘાયલોની મદદ કરવા ગયેલા લોકો પર ફરી વળી કાર, 8ના મોત

2026-05-04 09:45:00
Author: Vimal Prajapati
યુપીમાં સર્જાયો ગંભીર અકસ્માત! ઘાયલોની મદદ કરવા ગયેલા લોકો પર ફરી વળી કાર, 8ના મોત

આંબેડકરનગરઃ ઉત્તર પ્રદેશના આંબેડકરનગર જિલ્લામાંથી એક અત્યંત કરુણ ઘટના બની હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જલાલપુર-અકબરપુર માર્ગ પર અશરફપુર ભુઆ ગામ પાસે મોડી રાત્રે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. આ ઘટનાની સૌથી દુઃખદ બાબત એ છે કે, મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના એવા હતા જેઓ રસ્તા પર પડેલા ઘાયલ બાઇક સવારોની મદદ કરવા માટે ત્યાં એકઠા થયા હતા. મદદે ગયેલા લોકોને ક્યાં ખબર હતી કે આજે તેમને કાળ ભરખી જશે!

કેવી રીતે સર્જાયો આ ભયાનક અકસ્માત?

મળતી માહિતી મુજબ, રવિવારે મોડી રાત્રે લગભગ 12:00 વાગ્યે બે મોટરસાઇકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ બાઇક સવારો રસ્તા પર લોહીલુહાણ હાલતમાં તરફડી રહ્યા હતા. માનવતાના નાતે આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ તુરંત તેમની મદદ માટે દોડી આવ્યા હતા. જ્યારે લોકો ઘાયલોની મદદ કરી રહ્યાં હતા ત્યારે જ એક પુરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ ડિઝાયર કાર કાળ બનીને આવી હતી. કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા ભીડને કચડી નાખી હતી અને ત્યારબાદ કાર ઉંડા ખાડામાં જઈ ખાબકી હતી.

મૃતકોની ઓળખ અને પોલીસ કાર્યવાહી

અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલ પહોંચતા સુધીમાં 6 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 2 ગંભીર ઘાયલોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ઉત્તમ (રહે. સેમરા, કટકા) 25 વર્ષીય આદિત્ય ( રહે. જૈના, સમ્મનપુર), 14 વર્ષીય છોટુ ઉર્ફે દિવ્યાંશ (રહે. જૈના, સમ્મનપુર), 32 વર્ષીય રાજુ ગુપ્તા (રહે. સિકંદરપુર, સમ્મનપુર), 24 વર્ષીય લાલચંદ (રહે. પટ્ટી મોઈન, જલાલપુર) અને 32 વર્ષીય કેફે ( રહે. સૈદાપુર)નું મોત થયું છે. આ મૃતકોના મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.