Sat Jun 27 2026

Logo

અમરનાથ યાત્રા 2026 ગાઇડ: ત્રીજી જુલાઈથી શરૂ થશે પવિત્ર યાત્રા, જાણો રજિસ્ટ્રેશન પ્રક્રિયા, નિયમો અને રૂટની સંપૂર્ણ વિગત

2026-06-27 21:03:02
Author: Darshana Visaria
Article Image

દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ ભગવાન શિવના પવિત્ર ધામ અમરનાથ ગુફાના દર્શન કરવા જમ્મુ-કાશ્મીર પહોંચે છે. સમુદ્ર સપાટીથી આશરે 3,888 મીટરની ઊંચાઈએ આવેલી આ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનતા બર્ફાની બાબા (બર્ફીલા શિવલિંગ)ના દર્શનનું અનોખું મહત્વ છે. આ વર્ષે અમરનાથ યાત્રાની સત્તાવાર શરૂઆત ત્રીજી જુલાઈ, 2026થી થવા જઈ રહી છે. જો તમે પણ આ વર્ષે બાબા બર્ફાનીના દર્શન કરવા જવાનું વિચારી રહ્યા છો, તો રજિસ્ટ્રેશન, હેલ્થ સર્ટિફિકેટ, વય મર્યાદા અને રૂટ વિશેની આ મહત્વપૂર્ણ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

ક્યારે શરૂ થશે અને કેટલા દિવસ ચાલશે યાત્રા?

શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના જણાવ્યા અનુસાર, આ વર્ષની યાત્રા કુલ 57 દિવસ ચાલશે.
પ્રથમ પૂજા: 29મી જૂન, 2026
યાત્રાની શરૂઆત: ત્રીજી જુલાઈ, 2026
યાત્રાનું સમાપન: 28મી ઓગસ્ટ, 2026 (રક્ષાબંધનના દિવસે પવિત્ર છડી મુબારક ગુફાએ પહોંચવાની સાથે)

રજિસ્ટ્રેશન ક્યારથી શરૂ થયું અને ફી કેટલી છે?
યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન 15મી એપ્રિલ 2026થી શરૂ થઈ ચૂક્યા છે. દરેક શ્રદ્ધાળુ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. યાત્રા પરમિટ માટેની ફી 150 રૂપિયા પ્રતિ શ્રદ્ધાળુ નક્કી કરવામાં આવી છે. જે-તે તારીખની યાત્રાના સાત દિવસ પહેલા તેની બુકિંગ બંધ કરી દેવામાં આવે છે.

રજિસ્ટ્રેશન કરવાની રીત:

ઓનલાઈન: શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અથવા SASB મોબાઈલ એપ પર જઈને ફોર્મ ભરવું. ત્યાં આઈડી પ્રૂફ, ફોટો અને હેલ્થ સર્ટિફિકેટ અપલોડ કરીને ફી ચૂકવ્યા બાદ પરમિટ ડાઉનલોડ કરી શકાય છે.
ઓફલાઈન: દેશભરની અધિકૃત બેંક શાખાઓ (જેમ કે જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, PNB, SBI અને YES બેંક) દ્વારા 'વહેલા તે પહેલા'ના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે.

કોણ કરી શકે છે યાત્રા? 

વય મર્યાદા: યાત્રા કરનાર શ્રદ્ધાળુની ઉંમર 13થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
ગર્ભવતી મહિલાઓ: છ અઠવાડિયા કરતાં વધુ સમયની ગર્ભવતી મહિલાઓને આ યાત્રા કરવાની મંજૂરી નથી.
મેડિકલ સર્ટિફિકેટ: યાત્રા માટે અધિકૃત ડૉક્ટર કે માન્યતા પ્રાપ્ત મેડિકલ સંસ્થા દ્વારા આઠમી એપ્રિલ, 2026 કે ત્યાર પછી ઈસ્યુ કરાયેલું 'કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ' (CHC) હોવું અનિવાર્ય છે.

યાત્રા પરમિટ અને RFID કાર્ડ કેમ જરૂરી છે?

સફળ રજિસ્ટ્રેશન પછી મળતી યાત્રા પરમિટમાં યાત્રાની તારીખ, રૂટ અને એન્ટ્રી ગેટ જેવી વિગતો હોય છે. આ ઉપરાંત, જમ્મુ અથવા શ્રીનગરના કેન્દ્રો પરથી બાયોમેટ્રિક વેરિફિકેશન બાદ દરેક યાત્રીને એક RFID કાર્ડ આપવામાં આવશે. સુરક્ષા અને લોકેશન ટ્રેકિંગ માટે આ કાર્ડ આખી યાત્રા દરમિયાન ગળામાં પહેરી રાખવું ફરજિયાત છે. યોગ્ય પરમિટ અને RFID કાર્ડ વગર યાત્રા માર્ગ પર પ્રવેશ મળશે નહીં.

અમરનાથ ગુફા સુધી પહોંચવાના બે મુખ્ય રૂટ

પહેલગામ રૂટ (પરંપરાગત માર્ગ):
અંતર: આશરે 46 થી 48કિલોમીટર.
સમય: યાત્રા પૂરી કરવામાં ત્રણથી પાંચ દિવસ લાગે છે.

ખાસિયત: આ રૂટ પર ચઢાણ ધીમે-ધીમે હોવાથી પ્રથમ વખત યાત્રા કરનારાઓ અને પરિવાર સાથે જતા લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે. પહેલગામથી ચંદનવાડી સુધીનું પ્રથમ ૧૬ કિમીનું અંતર મિની બસ દ્વારા તય કરી શકાય છે.

બાલટાલ રૂટ (ટૂંકો માર્ગ):

અંતર: આશરે 14 કિલોમીટર.
સમય: એકથી બે દિવસમાં યાત્રા પૂરી થઈ શકે છે.
ખાસિયત: જો તમારી પાસે સમય ઓછો હોય અને તમે શારીરિક રીતે સંપૂર્ણ ફિટ હોવ, તો આ રૂટ પસંદ કરી શકો છો. જોકે, આ માર્ગ પર ચઢાણ ખૂબ જ સીધું અને કઠિન છે.

અમરનાથ બેઝ કેમ્પ કેવી રીતે પહોંચશો?

હવાઈ માર્ગ: સૌથી નજીકનું એરપોર્ટ 'શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટ' છે. ત્યાંથી બાલટાલ આશરે 62 કિમી અને પહેલગામ 90 કિમી દૂર છે.
રેલ માર્ગ: શ્રદ્ધાળુઓ જમ્મુ તવી, ઉધમપુર અથવા બનીહાલ રેલવે સ્ટેશન સુધી ટ્રેન દ્વારા આવી શકે છે અને ત્યાંથી આગળ રોડ માર્ગે મુસાફરી કરી શકે છે.
રોડ માર્ગ: જો તમે જમ્મુથી રોડ માર્ગે પ્રવાસ શરૂ કરો છો, તો પહેલગામ આશરે 310 કિમી અને બાલટાલ આશરે 400 કિમીના અંતરે આવેલું છે.