Sun Sep 06 2026

Logo

રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી, વિવાદાસ્પદ નિવેદન અંગેની અરજી ફગાવી

2026-05-01 20:31:00
Author: Chandrakant Kanoja
રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી, વિવાદાસ્પદ નિવેદન અંગેની અરજી ફગાવી

અલ્હાબાદ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અલ્હાબાદ હાઇકોર્ટે રાહત આપી છે. કોર્ટે રાહુલ ગાંધીના ભારતીય રાજ્ય વિરુદ્ધ લડાઇના વિવાદાસ્પદ નિવેદન અંગેની અરજીને ફગાવી દીધી છે. તેમજ કોર્ટ કહ્યું છે કે આ મુદ્દે ના તો કોઇ કેસ દાખલ થશે અને ન તો કોઇ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ કેસની સુનાવણી દરમિયાન તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે 8 એપ્રિલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે ટિપ્પણી કરી છે કે અરજદારની અરજીમાં કાનૂની આધારનો અભાવ છે. 

ચુકાદાને પડકારવામાં આવ્યો હતો 

આ કેસની વિગત મુજબ સંભલની ચંદૌસી કોર્ટે અરજદાર દ્વારા સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી રિવિઝન અરજીને એ આધાર પર ફગાવી દીધી હતી કે તેમાં કાનૂની આધારનો અભાવ છે. ત્યારબાદ અરજદાર સિમરન ગુપ્તાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં ચંદૌસી કોર્ટના ચુકાદાને પડકારવામાં આવ્યો હતો. 

આરએસએસની વિચારધારા સામે લડી રહ્યા છીએ

ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરી 2025 ના રોજ નવા કોંગ્રેસ મુખ્યાલય  ઇન્દિરા ભવનના ઉદ્ઘાટન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી લડાઈ આરએસએસ ભાજપ  અને ભારતીય રાજ્ય સામે છે. તેમણે કહ્યું હતું કે, અમારી વિચારધારા, આરએસએસની વિચારધારા જેવી જ  હજારો વર્ષ જૂની છે. અમે હજારો વર્ષોથી આરએસએસ ની વિચારધારા સામે લડી રહ્યા છીએ. 

ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ

જો તમે માનતા હોવ કે અમે ભાજપ નામના રાજકીય સંગઠન અથવા આરએસએસ સામે લડી રહ્યા છીએ તો તમે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજી શક્યા નથી. ભાજપ  અને આરએસએસે  આપણા દેશની દરેક સંસ્થા પર કબજો કરી લીધો છે. હવે અમે ભાજપ આરએસએસ અને ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છીએ.