મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બારામતી એરપોર્ટ પર પ્લેન ક્રેશમાં કરુણ નિધન થયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું ખાનગી ચાર્ટર્ડ પ્લેન લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલટે રનવે પર સલામત ઉતરાણના પ્રયાસો કર્યા હતા, પરંતુ વિમાન નિયંત્રણ બહાર જઈને ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં પવાર સહિત પ્લેનમાં સવાર તમામ 5 લોકોના મોત થયા છે, જેણે આખા મહારાષ્ટ્રને હચમચાવી દીધું છે. આ અગાઉ પણ ઘણા એવા રાજકાણના દિગ્ગજ નેતાઓ છે જેમણે પ્લેન ક્રેશમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું મૃત્યુ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ ગયા વર્ષે (જૂન 2025) અમદાવાદમાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. તેઓ એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનમાં લંડન જવા રવાના થયા હતા. ટેક-ઓફની થોડી જ ક્ષણોમાં પાયલટે 'MAYDAY' કોલ કર્યો હતો, પરંતુ વિમાન એરપોર્ટની સરહદ બહાર રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ મોટી હોનારતમાં વિજય રૂપાણી સહિત વિમાનમાં સવાર 141 મુસાફરોએ જીવ ગુમાવ્યા હતા.

સંજય ગાંધી અને માધવરાવ સિંધિયાનું પ્લેન ક્રેશમાં મૃત્યુ
23 જૂન, 1980ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીનું દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પાસે 'પીટ્સ S-2A' પ્લેનમાં સ્ટંટ કરતી વખતે ક્રેશ થવાથી અવસાન થયું હતું. એવી જ રીતે, 30 સપ્ટેમ્બર, 2001ના રોજ પૂર્વ નાગરિક ઉડ્ડયન મંત્રી માધવરાવ સિંધિયાનું ઉત્તર પ્રદેશના મેનપુરી પાસે ખરાબ હવામાનને કારણે તેમનું 10 સીટર ખાનગી વિમાન ક્રેશ થતા નિધન થયું હતું. આ બંને નેતાઓ યુવા હતા અને દેશના ભવિષ્ય તરીકે જોવામાં આવતા હતા.
જનરલ બિપિન રાવત અને વાય.એસ. રેડ્ડી: સૈન્ય અને સત્તાને મોટો ફટકો
8 ડિસેમ્બર, 2021ના રોજ ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને 12 અન્ય લોકોનું તમિલનાડુના કુન્નૂરમાં IAF Mi-17 હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું હતું. તપાસ મુજબ, અચાનક બદલાયેલા હવામાનને કારણે દુર્ઘટના બની હતી. આ પહેલા સપ્ટેમ્બર 2009માં આંધ્રપ્રદેશના CM વાય.એસ. રાજશેખર રેડ્ડીનું હેલિકોપ્ટર નલ્લામલાના જંગલોમાં ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું, જેમાં તેમનું મોત થયું હતું.

અરુણાચલના CM દોરજી ખાંડુ અને ઓ.પી. જિંદાલ
મે 2011માં અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી દોરજી ખાંડુનું હેલિકોપ્ટર ચીન સરહદ પાસે ગુમ થયું હતું અને પાંચ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. ઓછી વિઝિબ્લીટી અને પહાડી વાતાવરણ આ અકસ્માતનું મુખ્ય કારણ હતું. બીજી તરફ, માર્ચ 2005માં હરિયાણાના મંત્રી અને જાણીતા ઉદ્યોગપતિ ઓ.પી. જિંદાલનું પણ ઉત્તર પ્રદેશના સહારનપુર પાસે હેલિકોપ્ટરના એન્જિનમાં ખામી સર્જાતા ક્રેશમાં નિધન થયું હતું. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે ટેકનિકલ ખામી કે કુદરતી પરિબળોએ વારંવાર ભારતે કિંમતી રત્નો ગુમાવ્યા છે.