નવી દિલ્હીઃ એવિએશન ટર્બાઈન ઇંધણ (એટીએફ)ની કિંમતમાં વધારો થતા એવિએશન સેક્ટરમાં ધીમે ધીમે દબાણના માહોલનું નિર્માણ થઈ રહ્યું છે. એવિએશન ટર્બાઈન ફ્યુઅલની કિંમતમાં વધારો થતા દેશની બે મોટી અને સૌથી વધારે ફ્લાઈટ ફ્રિકવન્સી ધરાવતી એરલાઈન્સ કંપનીએ રૂટમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પહેલા એરલાઈન્સ કંપનીએ સ્ટાફ પાછળ થતા ખર્ચા પર કાપ મૂકવા એક્શન લીધું હતું. હવે રૂટમાં ઘટાડો થતા આ નિર્ણયની સીધી અસર એર ટૂરિસ્ટને થવાની છે, પરિણામે દેશની સૌથી મોટી અને લોકોસ્ટ કંપનીએ રુટમાં ઘટાડો કર્યો છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ રૂટ ઘટાડ્યા
દેશની બે મોટી એરલાઈન્સ એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ પોતાના ફ્લાઈટ રૂટમાં નોંધપાત્ર ઘટાડો કરી દીધો છે. આ બન્ને એરલાઈન્સ કંપનીએ આગામી પહેલી જૂનથી એ પછીના 90 દિવસ માટે પોતાની ડોમેસ્ટિક ફ્લાઈટની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય લીધો છે. આનાથી જે તે રૂટની ફ્લાઈટ ફ્રિક્વન્સી ઘટશે અને એર ટૂરિસ્ટે વધારે પરેશાન થવું પડશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિની માઠી અસર દેશના એવિએશન સેક્ટર પર દેખાઈ રહી છે.
એવિએશન ટર્બાઈન ફ્યુઅલમાં તોતિંગ વધારો થતા એર ટિકિટમાં પણ વધારો થયો હતો. આ ફ્યુઅલના આસમાને પહોંચેલા ભાવ એવિએશન કંપનીઓનું બજેટ ખોરવી રહ્યા છે. એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ પોતાની ડૉમેસ્ટિક ફ્લાઈટ ઓછી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય તા.1 જૂન 2026થી લાગુ પડી જશે.

90 ટકા એર કંટ્રોલ આ કંપનીઓ પાસે
ક્રૂડ ઓઈલની વધતી જતી કિંમતને કારણે એવિએશન સેક્ટરમાં આર્થિક ભારણ વધી ગયું છે. એવિએશન ટર્બાઈન ફ્યૂલ મોંઘુ થતા બે મોટી એરલાઈન્સ કંપનીએ કરેલા નિર્ણયથી તમામ ફ્લાઈટ ઑપરેશન પર સીધી અસર દેખાશે. મહાનગરને જોડતી ફ્લાઈટને બાદ કરતા નાના શહેરો માટેની ક્નેક્ટિવિટીમાં માર પડવાના એંધાણ છે.
ભારતમાં આ બન્ને કંપની પાસે સૌથી વધારે ટ્રાફિક, રૂટ અને ફ્લાઈટ ફ્રિકવન્સી છે. એટલે કે, 90 ટકા માર્કેટ પર આ બન્ને કંપનીઓનો કંટ્રોલ છે. આ નિર્ણયથી ટુરિસ્ટને સીધી અસર થશે. ખાસ કરીને નાના શહેરોને જોડતી ફ્લાઈટ બંધ થતા યાત્રીઓને મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે.
એર ઈન્ડિયાનું ડૉમેસ્ટિક માર્કેટ
એર ઈન્ડિયાનું ડૉમેસ્ટિક માર્કેટ ખૂબ મોટું છે, જ્યારે સૌથી વધારે ફ્લાઈટ ફ્રિકવન્સી ઈન્ડિગો પાસે છે. હવે એર ઈન્ડિયા પોતાના ડૉમેસ્ટિક રૂટ પરની ફ્લાઈટમાં કાપ મૂકવાની છે. આશરે 15 ટકાના ઘટાડા સાથે ઑપરેશન કરતા એક રૂટ પરની ફ્લાઈટ ઓછી થઈ જશે. અઠવાડિયાની 3800 ફ્લાઈટનું શેડ્યુલિંગ અને ઑપરેશન કરતી એર ઈન્ડિયા મહત્ત્વના રૂટને બાદ કરતા અમુક રૂટ બંધ કરે તો નાવઈ નહીં.
બીજી તરફ ઈન્ડિગો પોતાના ટોટલ ફ્લાઈટ ઑપરેશનમાં 5થી 7 ટકાનો ઘટાડો કરી શકે છે. ઈન્ડિગો દૈનિક ધોરણે 1950 ફ્લાઈટનું શેડ્યુલિંગ અને ઑપરેટિંગ કરે છે. આવામાં જો 5થી 7 ટકાનો ઘટાડો થયો તો સમગ્ર એવિએશન સિસ્ટમને મોટો ફટકો પડી શકે છે.
સમગ્ર એવિએશન સિસ્ટમને માઠી
એવિએશન ટર્બાઈન ફ્યૂલની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો થતા એક ફ્લાઈટ ઑપરેશન પાછળ થતો ખર્ચ પહેલા કરતા 30 ટકા વધી ગયો છે. મિડલ ઈસ્ટમાં ઘર્ષણની સ્થિતિ વચ્ચે એવિએશન સેક્ટરમાં પણ ફ્યૂલ સંકટ તોળાયું છે. જેની અસર પહેલા ટિકિટ પર અને હવે ફ્લાઈટ રૂટ પર થઈ છે.
આ પહેલા પણ એર ઈન્ડિયા કેટલીક ઈન્ટરનેશનલ ફ્લાઈટના રૂટમાં ફેરફાર કરીને રૂટ મર્યાદિત કરી દીધા હતા. ખાસ કરીને મિડલ ઈસ્ટમાંથી પસાર થતી ફ્લાઈટના રૂટને લાંબું અંતર કાપવાનું થતું એર ટિકિટમાં વધારો જોવા મળ્યો હતો. આ પછી હવે ડૉમેસ્ટિક ફ્લાઈટમાં રૂટ તથા ફ્લાઈટમાં કાપ મૂકાતા સમગ્ર સિસ્ટમને એક માઠી અસર થઈ રહી છે.