ભાત ભાત કે લોગ - જ્વલંત નાયક
વિશ્વમાં કુલ કેટલી ભાષાઓ બોલાય છે? ચોક્કસ જવાબ મળવો મુશ્કેલ છે. વિશ્વભરની ભાષાઓ વિશેનો ડેટા ભેગો કરીને એના પરથી જાતજાતનાં તારણો કાઢતી Ethnologue નામની સંસ્થા કહે છે કે આજની તારીખે વિશ્વમાં 7000 જેટલી ભાષાઓ બોલાય છે. એમાં બોલીઓનો સમાવેશ નથી કર્યો. સાત હજાર પૈકી લગભગ 3000 જેટલી ભાષાઓ ખતરામાં છે.
ભાષા સામેનો ખતરો આપણા માટે પરિસંવાદો કે સાંસ્કૃતિક કાર્યક્રમોના એક વિષયથી વિશેષ કશું નથી એ દુખની બાબત છે. વિદ્વાનો અરણ્ય દન કરતા રહે છે કે ગુજરાતી ભાષા ખતરામાં છે. જેન ઝી તરીકે ઓળખાતી જનરેશન એવી છેલ્લી પેઢી છે, જે ગુજરાતી ભાષા બોલી, વાંચી અને લખી શકે છે. હવે પછીની જનરેશન ગુજરાતી શીખવાની જ નથી!
`કેટલા મુંબઈગરા પોતાનાં સંતાનોને ગુજરાતી માધ્યમમાં ભણાવે છે?' એવો `અઘરો' પ્રશ્ન પૂછીને દુખી થવા જેવું નથી. નિષ્ણાંતો માને છે કે જ્યારે કોઈ ભાષાનો ઉપયોગ કરનારા એકાદ હજાર લોકો જ પૃથ્વીના પટ પર બાકી રહે, ત્યારે એ ભાષાને લુપ્તપ્રાય: જાણવી. એ હિસાબે ગુજરાતીઓએ હજી બીજા પંદરેક વર્ષ ચિંતા કરવાની જરૂર નથી. થેન્ક ગોડ... (ગુજરાતીમાં આભાર, પ્રભુ!)
હવે જરા જુદો એન્ગલ વિચારીએ. 1995 પછી ભારતમાં આઈટી ક્ષેત્રે અચાનક બૂમ આવી ગયેલો. આજે જેમ આપણને વિશ્વગુરુ બનવાનો થનગનાટ છે એમ એ વખતે વિશ્વનું આઈટી હબ બનવાનો થનગનાટ હતો. એ વખતે બેંગલોર ટુ બોસ્ટન બી-ટુ-બીનો પવન બહુ જોરમાં ફૂંકાયો, કારણ કે અમેરિકા અને યુરોપમાં ભારતીય આઈટી નિષ્ણાતો માટે બહુ તકો પેદા થયેલી. એ સમયે ઈન્ટરનેટ પર માત્ર અંગ્રેજી ભાષા જ ઉપલબ્ધ હતી. બીજી ભાષાઓ ય હશે, પણ એ માત્ર કોમ્યુનિટી પેજીસ પૂરતી જ સીમિત. મોટા ભાગના વ્યવહારો અંગ્રેજીમાં થતા એટલે આપણને એવું લાગતું હતું કે કટ્ટર પ્રતિસ્પર્ધી એવા ચીનને આઈટી ક્ષેત્રે આસાનીથી ઓવરટેક કરી શકાશે, કારણકે ચીની યુવાનો કરતાં ભારતીય યુવાનો ખાસ કરીને દક્ષિણ ભારતીય યુવાનોનું અંગ્રેજી ઘણું સારું હતું.
હવે આજે પરિસ્થિતિ શું છે? ચીન આઈટી, AI અને રોબોટિક્સમાં એટલું આગળ નીકળી ગયું છે કે ચીની રોબોટને પોતાનો ગણાવીને આપણી યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય સમિટમાં ઈજ્જતના ધજાગરા ઉડાવી રહી છે. ભારતની પ્રગતિ ય સારી જ છે, પણ અંગ્રેજીના જોરે ચીનને માત આપવાનું આપણું સપનું રોળાઈ ગયું છે.
આવું કેમ થયું? કારણ છે ઉપભોક્તાવાદ. ચીની બજારો સુધી પહોંચવા માટે આખા ચીનને અંગ્રેજી શીખવવા કરતાં ફોરેનર કંપનીઝ પોતાની વેબસાઈટ્સના ચાયનીઝ વર્ઝન શરૂ કરે, એ વધુ પ્રેક્ટિકલ માર્ગ ગણાય. અને એમ જ થયું. પછી તો ચીન પોતે જ પ્રોડક્શનમાં એટલું આગળ વધી ગયું કે આવી કોઈ ચર્ચા માટે કોઈ અવકાશ ન રહ્યો.
ખેર, મુદ્દો એ છે કે આપણે વિદેશી ભાષાઓની ગુલામીમાંથી બહાર આવીને જો માતૃભાષાને મહત્ત્વ આપતા શીખીશું તો આજના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં ગુજરાતી સહિતની ભારતીય ભાષાઓને બહુ સરળતાથી બચાવી શકાશે.
જો તમે ગ્રોક, ચેટ જીપીટી કે ગુગલ જેમિની જેવાં AI ટૂલ્સ વાપરતા હશો તો તમને ખ્યાલ હશે જ કે આ ટૂલ્સ ગુજરાતીમાં વાર્તાલાપ કરતા શીખી ગયા છે. આ AI ટૂલ્સને તમે ગુજરાતીમાં પ્રશ્ન પૂછશો તો એ તમને ગુજરાતીમાં લાંબોલચક જવાબ આપશે. હા, એમાં વ્યાકરણની અથવા વાક્યરચનાની ભૂલ હોવાની શક્યતા ખરી, પણ ગુજરાતી વિષય સાથે સ્નાતક થયેલા અનેક યુવક-યુવતીઓ પાસે એ જ લખાણ લખાવશો તો AIની સાપેક્ષે વધુ ભૂલો જોવા મળી શકે છે! અલબત્ત, દિવસે દિવસે સ્માર્ટ થઇ રહેલી AI પોતાની ભૂલો ઘટાડી રહ્યું છે એટલે AI કોઈ પણ ભાષાના શિક્ષણને વધુ વ્યક્તિગત અને અસરકારક બનાવી શકે છે, જેમ કે સેલ્ફ લર્નિંગ, રોબોટ્સ દ્વારા વાતચીત અને ઉચ્ચારણની તાલીમમાં સુધારો. સાથે જ તે ડેટા પ્રોસેસિંગ અને ટ્રાન્સલેશન ટૂલ્સ દ્વારા લુપ્ત થતી ભાષાઓને સંરક્ષિત કરવામાં મદદ કરી શકે છે. એક મર્યાદા એવી છે કે AI હજુ અર્થ અને સંદર્ભને સંપૂર્ણપણે સમજી નથી શકતું આથી ભાષામાં સાંસ્કૃતિક ઊંડાણને અવળી અસર થઇ શકે છે, પણ ભવિષ્યમાં આ પરિસ્થિતિ સુધરશે એમાં કોઈ શંકા નથી.
આવનારાં વર્ષોમાં આમે ય AI આધારિત શિક્ષણનું મહત્ત્વ વધતું જવાનું છે ત્યારે અંતરિયાળ વિસ્તારો સુધી જો માતૃભાષામાં શિક્ષણ મળતું થાય તો માતૃભાષા ય બચશે અને શિક્ષણનો વ્યાપ પણ વધશે. એનાથી શિક્ષકોની નોકરીને અસર થવાની છે, પણ એ જોખમના નિવારણ માટે અન્ય પગલાં વિચારવા જોઈએ. અને હવે થોડી સરકારી છતાં જાણવા જેવી કેટલીક વાત,જેમકે...
ઓગસ્ટ 2022માં ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ભારત સરકારે `ભાષિણી' પ્રોજેક્ટ લોન્ચ કર્યો. કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનો આ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ હેઠળ 22 જેટલી ભારતીય ભાષામાં - જેમ કે ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ, મરાઠી, બંગાળી, ક્નનડ વગેરે - ટેક્સ્ટ-ટુ-ટેક્સ્ટ અનુવાદ, સ્પીચ-ટુ-ટેક્સ્ટ (ASR), ટેક્સ્ટ-ટુ-સ્પીચ (TTS) અને વોઇસ-ટુ-વોઇસ અનુવાદનું કામ થઇ શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકો સુધી એમની માતૃભાષામાં જરૂરી માહિતી પહોંચાડવાનો ઉપક્રમ છે. આ બધા કામમાં AIનો ભરપૂર ઉપયોગ થવાનો છે. હજી વધારે વાસ્તવિક રીતે કહેવું હોય તો AI વિના આ બધું લગભગ અશક્ય હતું.
હવે જરા વિચાર કરો. આપણે હાયર એજ્યુકેશન માટે અંગ્રેજી ભાષાને મહત્ત્વ આપીએ છીએ પણ એની સામે દેશનો વિશાળ વર્ગ જે જરૂર પૂરતું જ શિક્ષણ મેળવી શકે છે, એને પોતાની માતૃભાષામાં જ જીવનવ્યવહાર કરવા મળી જાય તો એ ક્યારેય પોતાની માતૃભાષા નહિં છોડે. એ સંજોગોમાં દર 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસે ભાષાની ચિંતા કરીને અડધા થઇ જવાને બદલે લેટેસ્ટ ટેકનોલોજીના ઉપયોગ વડે માતૃભાષા માણી શકાશે. આપણી સંકુચિત વિચારસરણીને કારણે કુંઠિત થઇ રહેલી ભાષા જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી નવસંસ્કરણ પામે, તો એથી રૂડું બીજું શું?