Wed Jun 17 2026

Logo

દુહાની દુનિયા : આઈ નાગબાઈ: સોરઠી ઈતિહાસનું તથ્ય ને તત્ત્વ એમાંથી પ્રગટે છે

2026-06-15 08:31:00
Author: Dr. Balwant Jani
Article Image

ડૉ. બળવંત જાની

જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોણિયા ગામે આવેલા આઈ નાગબાઈના મઢે-સ્થાનકે મારે બે-એક વખત જવાનું થયું છે. ઈ.સ.1993ના નોરતામાં રતુદાન રોહડિયા અને મારા પીએચ.ડી.ના વિદ્યાર્થી વિક્રમસિંહ સાથે,પછી ફરીથી અંબાદાનજી સાથે, ત્યારે ચારણ બોર્ડિંગમાંથી શ્રી લખુભાઈ ગઢવી પણ જુનાગઢથી સાથે જોડાયેલા. 

આ માટે ખરી હકીકત અને પ્રસંગ છે એ સમજીએ. રાખેંગાર અને નાગબાઈ સંદર્ભે ઉદ્ભવેલ પ્રસંગોને ઈ.સ.146પ થી 70ની વચ્ચેની ઘટના ગણી શકાય. આપા માણસુર નેચડા અને આઈ નાગબાઈ દંપતી ગીર કાંઠાનાં મોણિયા ગામે ધામધૂમથી નોરતાં ઉજવતા. ભર્યો ભાદર્યો સુખી પરિવાર. પારાવાર પશુધન. લાડકો દીકરો ખૂટકરણ એમના પત્ની મીણબાઈ પણ જોગમાયા જેવા. એમને બે દીકરાઓ અને ત્રણ દીકરીઓ. મોટા દીકરાનું નામ નાગાજણ અને બીજો દીકરો સહોદી. 

બન્ને ઉપર રામાંડલિકને અપાર પ્રેમ઼ નાગાજણ તો પાછો તેજસ્વી કવિ. એની વાત મુકવાની-છંદ ગાવાની લઢણથી રામાંડલિક ખૂબ ખુશ. મોટેભાગે ડાયરો ભરાય એમાં નાગાજણ તો આવે જ. નાગાજણને ઘોડા ખેલવવાનો,ઉછેરવાનો પણ શોખ઼ વિજયાદશમીના શસ્ત્રપૂજન સમયે રામાંડલિકની સવારી વખતે નાગાજણ નવા ઉછેરેલ વછેરાને પલાણ માંડીને ઘોડા ખેલવવા ગયા. ઘોડાની ચાલ, રૂપ અને કાનસોરીથી રાજવી રામાંડલિક મોહિત થયા. ઘોડાનું મોઢે માગ્યું મૂલ્ય આપવા તૈયાર થયા. 

પણ નાગાજણ કહે. ના જી મારે વેચવાનો નથી, પણ મારી પ્રતિજ્ઞા છે કે જે આ ઘોડાના વખાણ કરશે એને ભેટમાં આપી દઈશ. તમે વખાણો એટલે તમારો. રાજવી કહે વખાણ કરવાનું કામ અમારું નહીં તમારું. અમે તો કિંમત આપી જાણીએ. ગામ માગે તો ગામ કે એનો ગરાસ આપું. દશેરાનાં તહેવારે જુવાન ચારણ મિત્ર સાથે આવી ચડભડ વડછડ થઈ. નાગાજણ ઘેર આવ્યો. દાદીમા નાગબાઈ ઉદાસી પરખી ગયા વિગત જાણી દુ:ખી થયેલા. 

રામાંડલિકના કાકા રાવિકાજી સરવૈયા કે રાયજાદા ગીરગઢડા એમનો ગરાસ. એમની ખાંભી નવા સૂરજદેવળ નજીક નવાગામની સીમમાં ટેકરીની ધાર ઉપર છે. રાણીવાસના ઈર્ષ્યાભાવથી ગાદી વારસના ધણી રાવિકાના એકના એક દીકરા ભૂપતસિંહની અકાળે હત્યા થઈ કે મોત થયું. રાવિકાએ આથી ગુસ્સે થઈને માંડલિક સામે બહારવટુ માંડેલું. રાવિકાને માંડલિક અને નાગાજણ વચ્ચે થયેલી વડછડ-અશ્વના રૂપની ખબર પડી. 

આ કારણથી એક વખત ઘોડો જોવા ગામ મોણિયે આવ્યા. આઈ નાગબાઈને પગે લાગ્યા અને ઘોડારમાં ઘોડો જોતા આંખો ચાર થઈ ગઈ. એની પીઠના, કાનસોરીના અને આંખના વખાણ કરતા થાકતા ન હતા. નાગાજણ રાજી-રાજી થઈ ગયો. કહે વિકાજી આ ઘોડો આપે વખાણ્યો પણ માગ્યો નહીં, હું આપને આપું છું. આજથી એ આપનો. પછી તો વીકાજી બમણા જોરથી બહારવટા ખેડવા લાગ્યા. માંડલિકને ખબ2પડી. મને ન આપેલો ઘોડો મારા દુશ્મનને આપ્યો. 

નાગાજણ પરનો ગુસ્સો આખા મોણિયા અને નાગબાઈ ઉપર ઉતારવા એક વખત મોણિયા નાગબાઈ આઈને નાગાજણનો, વીકાને મદદ કરવા અંગેનો ઠપકો આપવા જાય છે. ત્યાં રીસ, ક્રોધ અને રાજવટને કારણે આઈને ગામ-હદ-છોડી જવા કહે છે. નાગબાઈનો રોષ ભભૂકે, તું ધરતીનો ઘણી કેટલા વખતનો. કોઈ ક્યાં કાયમી રહ્યું છે અને હવે જયારે મુસલમાનો મંદિર તોડી મસીદ કરી રહ્યા છે ને એમાં અમારો નેસ રેઢો મુકી અમારે ક્યાં જવું. આમાં તું ધરતીનો ઘણી કેટલા દિવાળી વાતનું વિરોધી વિચારકોએ વતેસર કર્યું. 

આઈને દુભવ્યાનો પશ્ચાતાપ સંસ્કૃતિનિષ્ઠ રાજવીને થાય અને પોતાનાં દુશ્મનને પોતાનો મિત્ર નાગાજણ મદદરૂપ થયાં એનો ધોખો પણ હોય, આ બધું સ્વાભાવિક છે. પણ દંતકથા રચનારાને કે ઈર્ષ્યાળુને તો વાતનું એવું વરવું અર્થઘટન કરી વતેસરને પ્રવાહિત કરવામાં અને મલાવવામાં મજા પડે. હકીકતે નાગાજણનાં અનુજ બંધુ સહોદર ઉપર રાખેંગારને સ્નેહ સંબંધ અખંડ રહેલો. એટલે તો એને રાખેંગારે પોતાની પરમાર રાણીથી થયેલો પુત્ર ભળાવીને પોતે છ મહિના સુધી મુકાબલારૂપ યુદ્ધ કરીને, પછી ઈડરના જંગલ તરફ નીકળી ગયેલ. 

ત્યાં સમાચાર મળ્યાં કે આઈ નાગબાઈ રાખેંગાર સાથે થયેલી વડછડના આકરાં બોલનું પાતક ધોવાં હેમાળો ગાળવા વેલડામાં હરિજન ગાડા ખેડુ દંપતિને લઈને નીકળી રહ્યા છે. માંડલિક ક્ષમા પ્રાર્થવા અને હેમાળો ગાળવા ન જવા માટે વિનવવા નીકળ્યો. બગસરાને પાદર સાતલ્લી નદીના પટમાં એમનો ભેટો થયો. વેલડાં-ગાડા આડો ફરી માફી માગીને ગાડાંના પૈડા ઉપર પોતાનું માથુ પછાડી આઈની રાજપૂતી સંસ્કારથી માફી માગી. આઈએ કહ્યું મારા આશીર્વાદ છે તારા રાજપુતી સંસ્કારને, તું રાજપૂત જ રહીશ, અને અમર થઈ જઈશ.

બગસરામાં આજે પણ એ પાળિયો છે અને જુનાગઢ જિલ્લાના વીસાવદર તાલુકાના મોણિયા ગામે આઈ નાગબાઈ, આઈ મીણબાઈ, ખૂટકરણ અને નાગાજણના ફળાં છે. ખોળામાં ખાંભી રૂપે હરિજન દંપતીને પણ સ્થાન મળેલ છે. સમરસ અને સમભાવનું આ સ્મારક અર્વાચીન સમયે મોટો આદર્શ પ્રસરાવતું તીર્થ સ્થાનક છે. એટલે હવે પૂર્વે પ્રસરેલી દંતકથાત્મક વિકૃત-ખોટી સામગ્રીને રદ કરવાની હોય, કથાલેખકોએ નાગબાઈના કહેલા દંતકથામાં ગુંથાયેલા દુહા અને કથા રદ્ ગણીને એની સામે દસ્તાવેજી આધારરૂપ હસ્તપ્રત આધારરૂપ ખરું સત્ય અને તથ્ય પ્રાપ્ત થયું.હસ્તપ્રતમાંથી પ્રાપ્ત બીજા પાંચ નાગબાઈઆઈએ કહેલા દુહા આસ્વાદીએ. 

ગંગાજળ ગઢેચા, 
પંડ તાળુ હુતુ પવત્ર;
ગો ઈએ રગતે ગા, 
મણ કી તાળા માંડળિક

હે ગંગાજળિયા રાજવી, માંડલિક, તારી કાયા પવિત્ર હતી એના પ્રતાપે તો રક્તપિત્ત (વીંજા વાજાનાં) મટયાં હતાં, ત્યાં તારા મનની(નિર્મળતા અંગે) તો શું વાત કરવી?
ગઢે તૂ ગારિઆ તણે, 
નરસુ નીપજતનાં;
કાંઈક વરાંસુ વિરામ ઈ, 
થીઅલ માંડળિક

હે રામાંડલિક, કંઈક મોઢાં જોયાં ફેર થયો હશે નહિ તો રાગ્રહરિપુના ઘરે તારા જેવો દુર્ભાગી જન્મ ન લે.
તે ટીલૂં જુના તણું, 
મૂકી મોદળ રા;
બગસરે બિઠા, માંડેલ હુતુ માંડલિક

આ રીતે જૂનાગઢની ગાદી મૂકીને કે મોદળ(ગિરનાર)ના રાજવી, તું બગસરે આવીને બેઠો છે. આ તો લલાટમાં લખાયેલું હશે કે અહીં ખપીજવાનું હશે. 
દઆચિ દુવેલ નઈં, 
વપ મિપિ વેળા;
ક્વિાં કારડિઆ, 
મું સૂં ક્વચન માંડળિક    

હે રામાંડલિક, પોતાની હયાતીમાં દાતાર રાડયાસે કદી અમને દૂભવેલા નહિ, તો હવે ભૂમિવિહીન થયેલા રાતારે અમને કડવાં વેણ શાનાં કહેવાનાં હોય?
નવઘણ દૂવેલ નઈં, 
વડ મિપિ વસરા;
કવિચન કારડિઆ, 
મું પર કેવાં માંડળિક

પોતાના વસમા સમયે પણ રાનવઘણે પણ ચારણોને દૂભવેલ નથી. તો ભૂમિવિહીન અને પરાજિત થયેલા રામાંડલિક, હવે તારે અમને કડવાં વેણ શાનાં કહેવાં પડે? 

હસ્તપ્રતમાં સાજણશી સુરુએ એ સમયના રામાંડલિકના ચરિત્રને મૂલવતા તેર દુહા પણ આલેખ્યા છે. અહીં નાગબાઈ કથિત દુહામાંથી શાપ નથી નીકળતો મનદુ:ખ, ખટકો પ્રગટે છે એને મલાવી-જનમનરંજન કરતું ઉમેરણ કરાયું હોવાનું જણાય છે. અહીં આ દુહાઓમાંથી આઈ નાગબાઈનો ક્રોધ ભારે વિવેકથી પ્રગટતો અવલોકવા મળે છે. 

ઉલટાના વિધર્મીથી પ્રરાજિત થઈને ભટકવાનું વલણ નાગબાઈ વખોડતા અહીં દૃષ્ટિગોચર થાય છે. આઈ નાગબાઈએ કથેલ દુહાનું તથ્ય અને તત્ત્વ આપણી સંસ્કૃતિનું દ્યોતક છે. એમાં વાત્સલ્યસમેત્ત આક્રોશ, ઠપકાનો સૂર અવશ્ય સંભળાય છે. એમાં ચારણ આઈનું એ સત્ અને ૠત આજે પણ અનુભવાય છે. સોરઠી ઈતિહાસનું તથ્ય અને તત્ત્વ એમાંથી પ્રગટે છે.